Surat Railway Station News: "રામ રાખે તેને કોણ ચાખે" આ કહેવત સુરત રેલ્વે સ્ટેશન પર બનેલી બે અલગ-અલગ ઘટનાઓમાં ખરા અર્થમાં સાર્થક સાબિત થઈ છે. સુરત રેલવે સ્ટેશન પર ચાલુ ટ્રેનમાં ચડવાનો પ્રયાસ કરતી વખતે એક મહિલા અને એક પુરુષ મુસાફર પ્લેટફોર્મ અને ટ્રેનની વચ્ચે ફસાઈ ગયા હતા, પરંતુ સદનસીબે બંનેનો આબાદ બચાવ થયો છે.
પ્રથમ ઘટના: પ્લેટફોર્મ વચ્ચે ફસાયો યુવાન
ગત 3 એપ્રિલના રોજ પ્લેટફોર્મ નંબર 1 પર ટ્રેન નંબર 09628 અજમેર સ્પેશ્યલ ફેર એક્સપ્રેસ આવીને ઉભી હતી. જ્યારે આ ટ્રેન રવાના થવા લાગી ત્યારે એક યુવકે ચાલુ ટ્રેનમાં ચડવાનો પ્રયત્ન કર્યો હતો, જેમાં તેણે પોતાનું સંતુલન ગુમાવતા તે પ્લેટફોર્મ અને ટ્રેનની વચ્ચે ખાબક્યો હતો. આ ઘટનાને પગલે ત્યાં હાજર મુસાફરોના જીવ તાળવે ચોંટી ગયા હતા.
Surat news: સુરત રેલવે સ્ટેશન પર 2 મુસાફરોનો આબાદ બચાવ: ચાલુ ટ્રેને ચડવા જતા પ્લેટફોર્મ વચ્ચે ફસાયા, પોલીસ બની દેવદૂતhttps://t.co/Q3eWvqN3A8#Suratnews #surat #Gujarat #Railwaystation pic.twitter.com/cpg6QGINFT
— Gujarati Jagran (@gujaratijagran) April 4, 2026
આ જ સમયે પ્લેટફોર્મ પર ફરજ બજાવતી સુરત રેલવે પોલીસની સર્વેલન્સ ટીમે ભારે સ્ફૂર્તિ દાખવીને તાત્કાલિક ટ્રેન ઉભી રખાવી દીધી હતી. રેલવે જવાનોએ ટ્રેન નીચે ફસાયેલા યુવકને સાવચેતીપૂર્વક બહાર કાઢી તેનો જીવ બચાવ્યો હતો. ગભરાઈ ગયેલા યુવકને પોલીસે સાંત્વના આપી તેને સુરક્ષિત રીતે ટ્રેનમાં બેસાડ્યો હતો.
બીજી ઘટના: મહિલા પ્લેટફોર્મ પર પટકાઈ
આ પહેલાની બીજી ઘટના ગત 2 એપ્રિલના રોજ બની હતી, જેમાં પ્લેટફોર્મ નંબર 1 પરથી જ ટ્રેન નંબર 12483 અમૃતસર વીકલી એક્સપ્રેસ રવાના થઈ રહી હતી. આ સમયે એક મહિલા મુસાફરે ચાલુ ટ્રેને ચડવા જતા સંતુલન ગુમાવ્યું અને તે પ્લેટફોર્મ તથા ટ્રેન વચ્ચે ફસાઈ ગઈ હતી. સદનસીબે, ત્યાં ફરજ બજાવી રહેલા એક રેલવે પોલીસકર્મીની નજર આ મહિલા પર પડતાં તેમણે તાત્કાલિક મહિલાને ખેંચી લઈને બચાવી લીધી હતી.
Surat news: સુરત રેલવે સ્ટેશન પર 2 મુસાફરોનો આબાદ બચાવ: ચાલુ ટ્રેને ચડવા જતા પ્લેટફોર્મ વચ્ચે ફસાયા, પોલીસ બની દેવદૂતhttps://t.co/Q3eWvqN3A8#Suratnews #surat #Gujarat #Railwaystation pic.twitter.com/BNchG9ypmC
— Gujarati Jagran (@gujaratijagran) April 4, 2026
મુસાફરો માટે ચેતવણી રૂપ ઘટના
આ બંને હૃદયદ્રાવક ઘટના સ્ટેશન પર લાગેલા CCTV કેમેરામાં કેદ થઈ છે. બંને ઘટનામાં પોલીસની સમયસૂચકતાને કારણે મુસાફરોના જીવ બચી ગયા છે, પરંતુ આ પ્રકારની ઘટનાઓ રેલવે સ્ટેશન પર મુસાફરી કરતા તમામ લોકો માટે એક મોટી ચેતવણી છે. મુસાફરોએ ક્યારેય પણ ચાલુ ટ્રેનમાં ચડવાનો કે ઉતરવાનો પ્રયત્ન ન કરવો જોઈએ, કારણ કે થોડી પણ બેદરકારી કે ભૂલ જીવલેણ સાબિત થઈ શકે છે.
