સુરત પોલીસની સતર્કતાઃ બ્લેકમેઈલિંગનો શિકાર બનેલી મહિલાનો જીવ બચાવ્યો, તૂટતુ લગ્નજીવન પણ પુનઃ પાટે ચડાવ્યું

ઈન્સ્ટાગ્રામ થકી સંપર્કમાં આવેલા યુવકે અશ્લિલ વીડિયો પીડિતાના પતિને મોકલી દેતા તેનું લગ્નજીવન ડામાડોળ થઈ ગયું હતુ. પોલીસે વેશપલટો કરીને આરોપીને બિહારથી દબોચ્યો

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Fri, 19 Jun 2026 10:00 PM (IST)Updated: Fri, 19 Jun 2026 10:00 PM (IST)
surat-police-save-woman-from-suicide-and-expose-interstate-cyber-blackmail-plot

Surat News: બરોબર એક મહિના પહેલાં સુરતના અમરોલી પોલીસ સ્ટેશનને એક માહિતી મળી મળી હતી કે, ત્રીસેક વર્ષની એક મહિલા આત્મહત્યા કરવા જઇ રહી છે. જાણકારી મળતા જ સતર્ક પોલીસ ટીમ તરત જ મહિલાના ઘરે પહોંચી ગઈ. જોકે મહિલા ત્યાં મળી નહતી. આથી પોલીસકર્મીઓ તાપી નદીના કિનારે પહોંચ્યા, અહીં મહિલા ભારે માનસિક તણાવમાં બેઠેલી મળી આવી. પોલીસે સમયસર હસ્તક્ષેપ કરીને આ મહિલાને નદીમાં ઝંપલાવી દે તે પહેલાં જ બચાવી લીધી અને પોલીસ સ્ટેશન લઇ આવ્યા.

મહિલાને પોલીસ સ્ટેશન લઇ આવ્યા પછી પોલીસે પુછપરછ શરૂ કરી. જ્યારે પોલીસે તેણીને પૂછ્યું કે, આત્મહત્યાનો નિર્ણય લેવાનું કારણ શું હતું, ત્યારે મહિલા ભાવુક બની ગઈ અને જણાવ્યું કે તેનો પતિ, તેણીની સાથે ગંભીર મારપીટ કરે છે.

 

આ ઘટનાનું મૂળ કારણ જાણવા પોલીસે પતિને પૂછપરછ માટે બોલાવ્યો. જોકે પતિએ આપેલી માહિતીથી સમગ્ર કેસમાં એક નવો વળાંક આવ્યો. પૂછપરછ દરમિયાન એક ગંભીર સાયબર ગુનાનો ભેદ ખુલ્યો અને આરોપીની ધરપકડ માટે પોલીસે બિહાર જઇ આરોપીની શોધખોળ માટે ટીમ રવાના કરી.

સુરત શહેર ઝોન-5ના નાયબ પોલીસ કમિશનર (DCP) લખધીરસિંહ ઝાલાએ જણાવ્યું કે, મહિલા આત્મહત્યા કરવા જઈ રહી હોવાની જાણકારી મળતાં જ અમારી ટીમે ઝડપી કાર્યવાહી કરીને તેનો જીવ બચાવ્યો. જો કે જ્યારે અમે તેના પતિની પૂછપરછ કરી, ત્યારે મહિલાની પીડા પાછળનું સાચું કારણ જાણવા મળ્યુ.

DCP ઝાલાએ વધુમાં જણાવ્યું કે, મહિલાની ઇન્સ્ટાગ્રામ પર એક વ્યક્તિ સાથે મિત્રતા થઈ હતી. આ વ્યક્તિએ કોઈ રીતે મહિલાનો અશ્લીલ વીડિયો રેકોર્ડ કરી લીધો હતો અને ત્યારબાદ તે વીડિયોનો ઉપયોગ કરીને મહિલાને બ્લેકમેઇલ કરવાનું શરૂ કર્યું. આરોપીએ ધમકી આપી કે, જો મહિલા તેની માંગણીઓ સ્વીકારશે નહીં તો તે વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ કરી દેશે. દબાણ વધારવા માટે તેણે આ વીડિયો સીધો મહિલાના પતિને પણ મોકલી આપ્યો.

પત્ની પ્રત્યે શંકા ઉપજતાં પતિને લાગ્યું કે, તેની પત્ની બેવફા છે. જેના પરિણામે બંને વચ્ચેના સંબંધોમાં તિરાડ પડી અને ઘરેલુ હિંસાની પરિસ્થિતિ સર્જાઈ. મહિલા એક સુનિયોજિત સાયબર ગુનાની શિકાર બની હોવાનું સ્પષ્ટ થતાં જ સુરત પોલીસે તાત્કાલિક કાર્યવાહી શરૂ કરી. આરોપીની ધરપકડ માટે વિશેષ ટીમને પ્રથમ બિહાર મોકલવામાં આવી હતી, પરંતુ આરોપી ત્યાંથી છત્તીસગઢ ભાગી ગયો હતો.

DCP ઝાલાએ જણાવ્યું કે, આરોપીની ઓળખ અર્જુન ઉર્ફે મોન્ટુ ઉપાધ્યાય તરીકે થઈ છે. તે અર્ધકુશળ મજૂર છે અને કામની શોધમાં વારંવાર અલગ-અલગ રાજ્યોમાં જતો રહે છે. ટેક્નિકલ સર્વેલન્સના આધારે તે છત્તીસગઢના તેલબાંધા ગામમાં હોવાની માહિતી મળી હતી. અમારી ટીમે વેશપલટો કરીને ગામમાં રહી સ્થાનિક લોકોમાં ભળી જઈ ગુપ્ત માહિતી એકત્રિત કરી હતી. અંતે અમે તેને ઝડપી પાડી સુરત લઈ આવ્યા.

આરોપી સામે પોલીસે ભારતીય ન્યાય સંહિતા (BNS) તથા માહિતી પ્રૌદ્યોગિકી અધિનિયમ (IT Act)ની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. હાલ તે ન્યાયિક કસ્ટડીમાં છે.

તૂટતા લગ્નજીવનને ફરીથી જોડવાનો પ્રયાસ

આરોપી સામે કાનૂની કાર્યવાહી ચાલી રહી હતી ત્યારે સુરત પોલીસે પીડિતાના વ્યક્તિગત જીવનમાં થયેલા નુકસાનને સુધારવાનો પણ પ્રયાસ કર્યો.  પોલીસે જોયુ કે, પતિનો ગુસ્સો ગેરસમજ અને આરોપીની છેતરપિંડીના કારણે હતો. તેથી પતિનું વિશેષ કાઉન્સેલિંગ કરવામાં આવ્યું. પોલીસે સમગ્ર ઘટનાક્રમ સમજાવીને પત્ની સંપૂર્ણપણે નિર્દોષ હોવાનું સ્પષ્ટ કર્યું અને તે કેવી રીતે સાયબર ગુનાની શિકાર બની હતી તેની વિગતવાર માહિતી આપી.

પોલીસના આ પ્રયાસો સફળ રહ્યા. પોતાની ભૂલનો અહેસાસ થતાં પતિએ પત્નીને સ્વીકારી લીધી અને બંને વચ્ચે સમાધાન થઈ ગયું. સુરત પોલીસના આ સર્વાંગી અભિગમને કારણે એક ગુનેગાર પોલીસનાં સંકજામાં આવ્યો. એક મહિલાનો જીવ બચી ગયો અને તૂટતું લગ્નજીવન પણ ફરીથી શરૂ થયું.