Surat News: સુરત શહેરમાં કાયદો અને વ્યવસ્થા કથળી રહી હોય તેમ લાગી રહ્યું છે. સોશિયલ મીડિયામાં એક વીડિયો વાયરલ થયો.જેમાં કેટલાક અસામાજિક તત્ત્વો જાહેરમાં લોખંડના સળિયા અને લાકડાના ફટકા લઈને ફરતા હતા. તેમજ રોફ જમાવવાનો પ્રયાસ કરતાં નજરે પડતાં હતા. આ વીડિયો સામે આવતાં સચિન જીઆઈડીસી પોલીસે તપાસ હાથ ધરી હતી.

સોશિયલ મીડિયામાં વીડિયો વાયરલ
સોશિયલ મીડિયામાં એક વિડીયો વાયરલ થયો હતો. આ વીડિયોમાં કેટલાક ઈસમો હાથમાં સળિયા તથા લાકડાના ફટકા સાથે રોફ જમાવીને ઉત્પાત મચાવતા દેખાયા હતા. સમગ્ર ઘટનાનો વીડિયો વાયરલ થતાં પોલીસે તપાસ શરુ કરી હતી. આ વીડિયો સુરતના સચિન જીઆઈડીસી વિસ્તારનો હોવાનું સામે આવ્યું હતું.

રોફ જમાવતા ચાર યુવકો ઝડપાયા
આ મામલે પોલીસે તપાસ હાથ ધરીને 4 યુવકોની ઓળખાણ કરી લીધી હતી. આ ઘટનામાં 20 વર્ષીય રવી ઉર્ફે ગોલુ હેમરાજ જેવેન્દ્રસિંગ, 22 વર્ષીય શુભમ અર્જુન સતઈ સરોજ, 22 વર્ષીય વિશાલ રામનારાયણ ગુનેલાલ મોર્યા અને 24 વર્ષીય લાલચંદ ગૌતમને ઝડપી પાડ્યા હતા.

પોલીસે કાયદાનું ભાન કરાવ્યું
વાયરલ વીડિયોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે, રાતના સમયે હાથમાં સળિયા અને લાકડાના ફટકા લઈને રોફ જમાવતા હતા. આખરે આ વીડિયો વાયરલ થતા સચિન જીઆઈડીસી પોલીસે ચારેય આરોપીઓને ઝડપી પાડી કાયદાનું ભાન કરાવ્યું હતું.
