Surat Nasinagar Demolition: સુરતના નાસિરનગર ડિમોલિશન કાંડમાં અત્યાર સુધી ચુપકિદી સાધીને બેઠેલા મ્યુનિસિપલ કમિશનર દ્વારા આજે મોટો ઘટસ્ફોટ કરવામાં આવ્યે છે. જેમાં મ્યુનિસિપલ કમિશનર એમ.નાગરાજને સત્તવાર રીતે સેન્ટ્રલ ઝોનના અધિકારીઓ દ્વારા ડિમોલિશન કરવામાં આવ્યું હોવાનું સ્વીકાર્યું છે. જે બાદ કોંગ્રેસ નેતા અસલમ સાયકલવાલાએ મ્યુનિસિપલ કમિશનરની સરખામણી ધૃતરાષ્ટ્ર સાથે કરી છે.
લાઈન દોરીની કામગીરી દરમિયાન ડિમોલિશન કરી દેવાયું
નાસિરનગર ડિમોલિશન અંગે મ્યુનિસિપલ કમિશનર એમ.નાગરાજને જણાવ્યું કે, ગત 30 મે, 2026ના રોજ સેન્ટ્રલ ઝોનના અધિકારીઓ દ્વારા દ્વારા લાઈન દોરીનો અમલ કરવા માટે અને ડિમાર્કેશન માટે ઉચિત પોલીસ બંદોબસ્ત લઈને કામગીરી કરવામાં આવી હતી. આ દરમિયાન તેમના દ્વારા ડિમોલિશન પણ કરવામાં આવ્યું છે.
હાલ આ સંદર્ભે હાઈકોર્ટમાં પિટિશન કરવામાં આવી હોવાથી, વધારે વિચાર-વિમર્શ કરવો ઉચિત નથી. આ પિટિશનમાં સુરત મનપાને પણ જોડવામાં આવી છે. જેના માટે જે કોઈ કાયદાકીય પ્રક્રિયા હશે અને જે કંઈ વિગતો કોર્ટમાં માંગવામાં આવશે તે રજૂ કરાશે. જે બાદ હાઈકોર્ટનો જે કોઈ પણ ચુકાદો હશે, તેનું ચુસ્ત પાલન કરવામાં આવશે.
મ્યુનિ. કમિશનર ધૃતરાષ્ટ્ર બનીને રહ્યા, હવે કઈ મજબૂરીમાં સ્વીકાર્યું
મ્યુનિસિપલ કમિશનરના નિવેદન બાદ કોંગ્રેસના પૂર્વ કોર્પોરેટર અસલમ સાયકલવાલાએ જણાવ્યું કે, નાસિરનગરના ડિમોલિશનના 22માં દિવસે એમ.નાગરાજન સ્વીકારે છે કે, મનપાના સેન્ટ્રલ ઝોનના અધિકારીઓએ રોડ ડિમાર્કેશન કરવા અને રોડ ખુલ્લો કરવા માટે ડિમોલિશન કર્યું છે.
આ પ્રકરણના કારણે સમગ્ર દેશમાં સુરત મનપાની છબી ખરડાઈ અને કમિશનર ધૃતરાષ્ટ્ર બનીને રહ્યા અને 'ડિમોલિશન કોણે કર્યું, ખબર નથી' અને 'તપાસ ચાલે છે'નું રટણ કર્યા રાખ્યું. આજે 22 દિવસે એમણે કયા કારણોસર મજબૂર થઈને આ નિવેદન આપવાની ફરજ પડી?
સુરત મહાનગરપાલિકાના અને પોલીસ તંત્રના ભ્રષ્ટ અધિકારીઓ એકબીજાના મેળાપીપણામાં કોઈની ખાનગી જગ્યા પર જે ઝૂંપડાઓ 60 વર્ષથી વસવાટ કરતા હતા, એનું ડિમોલિશન કરવામાં આવ્યું છે. આજે પણ એમના નીચેના અધિકારીઓ નાગરાજનજીને ગેરમાર્ગે દોરી રહ્યા છે અને હું એટલું જ કહીશ કે નામદાર હાઇકોર્ટમાં તો ચાલશે મેટર. જે ચુકાદો આવશે એ આવશે, શિરોમાન્ય રહેશે.
વધુમાં કોંગ્રેસ નેતાએ મ્યુનિ. કમિશનરને પડકાર ફેકતા જણાવ્યું કે, તમારા સનદી અધિકારીઓને લઈને સ્થળ પર આવો અને માપણી કરીને બતાવો કે આ જગ્યામાંથી જ્યાં જ્યાં ડિમોલિશન થયા છે, એ કાચા-પાકા મકાનોમાંથી કઈ જગ્યા પરથી 40 ફૂટનો રોડ જાય છે? કારણ કે 40 ફૂટનો જે સૂચિત રોડ છે. આજે પણ કાચા-પાકા મકાનો હયાત છે અને આ ભ્રષ્ટ અધિકારીઓને બચાવવાનો તમારો આ બાલિશ પ્રયાસ નિરર્થક રહેશે.
