Surat: સુરતમાંથી એક કાળજું કંપાવી દેતો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જેમાં પરિવારની મરજી વિરુદ્ધ પ્રેમલગ્ન કરનાર ભાવનગરની 22 વર્ષીય યુવતીએ વરાછા સ્થિત અતિથિ ગૃહમાં ઝેર ગટગટાવી આપઘાત કરી લીધો હતો. કરુણતા એ છે કે, મોતના ત્રણ દિવસ બાદ પણ પિયર કે સાસરી પક્ષમાંથી કોઈ તેનો મૃતદેહ સ્વીકારવા તૈયાર નથી.
3 વર્ષ પહેલાં કરેલા પ્રેમલગ્નની સજા યુવતીને મરણ પછી પણ મળી રહી છે અને તેનો દેહ સ્મીમેર હોસ્પિટલના કોલ્ડરૂમમાં સ્વજનોની રાહ જોઈ રહ્યો છે. બીજી તરફ તેની બે વર્ષની દીકરીએ માતા-પિતાની છત્રછાયા પણ ગુમાવી દીધી છે અને હાલ આ દીકરી બાળાશ્રમમાં રહે છે.
'પપ્પા, મેં ઝેરી દવા પી લીધી છે..'
ભાવનગરના નારી રોડ પર આવેલી ગિરનાર સોસાયટીમાં રહેતી રીના અક્ષય બારૈયા (22) ગત સોમવારે પોતાની બે વર્ષની માસૂમ દીકરીને લઈને સુરત આવી હતી. જ્યાં તે વરાછા એ.કે. રોડ પર આવેલા ઉમીયાધામ અતિથિ ગૃહમાં રોકાઈ હતી. મંગળવારે સવારે રીનાએ રૂમમાં ઝેરી દવા પી લીધી હતી. જેથી તેને સારવાર અર્થે હોસ્પિટલ લઇ જવામાં આવી હતી, પરંતુ ટૂંકી સારવાર દરમ્યાન તેનું મોત થયું હતું.
કદાચ છેલ્લી ઘડીએ પિતાનો ચહેરો યાદ આવ્યો હશે. તે રૂમની બહાર દોડી અને અતિથિ ગૃહના મેનેજરના ફોન પરથી પિતાને ફોન જોડી દીધો. ધ્રૂજતા અવાજે તેણે પિતાને કહ્યું- 'પપ્પા, મેં ઝેરી દવા પી લીધી છે'. મેનેજર આ સંવાદ સાંભળી જતાં જ તેમના પગ નીચેથી જમીન સરકી ગઈ. તેમણે તાત્કાલિક ટ્રસ્ટીઓને જાણ કરી અને રીનાને ગંભીર હાલતમાં સ્મીમેર હોસ્પિટલ ખસેડી. જો કે ઝેર આખા શરીરમાં ફેલાઈ ચૂક્યું હોવાથી ટૂંકી સારવાર બાદ રીનાએ દમ તોડી દીધો.
અશ્વિનીકુમાર પોલીસે હાથ ધરેલી પ્રાથમિક તપાસમાં હૃદય દ્રવી ઊઠે તેવી વિગતો સામે આવી છે. રીનાએ ત્રણ વર્ષ અગાઉ પ્રેમલગ્ન કર્યા હોવાથી પિયર પક્ષે સંબંધો કાપી નાખ્યા હતા. માત્ર ચાર મહિના પહેલાં જ રીનાના પતિનું કિડનીની ગંભીર બીમારીના કારણે મોત નીપજ્યું હતું. પતિના મોત બાદ એકલતા અને આર્થિક સંકટનો સામનો કરતી રીના મદદ માટે પિયરના દ્વારે ગઈ હતી, પરંતુ પરિવારે તેને તરછોડી દીધી હતી. આખરે તેણે આ પગલું ભર્યું હતું.
મારે હવે રીના સાથે કોઈ સબંધ નથી કહી પિતાએ હાથ અદ્ધર કરી દીધા
જ્યારે પોલીસે દીકરીના મોત અંગેના સમાચાર તેના પિતા મગનભાઈને આપ્યા, ત્યારે તેમણે જણાવ્યું કે, 'મારે હવે તેની સાથે કોઈ સબંધ નથી. હું લાશ લેવા માટે સુરત નહીં આવું'. આમ પિતાએ હાથ ઊંચા કરી લેતા પોલીસે સાસરી પક્ષમાં રીના જેઠનો સંપર્ક કર્યો હતો. જો કે જેઠે પણ મૃતદેહ સ્વીકારવાનો ઈનકાર કરીને કહ્યું કે, ભાઈના અવસાન વખતે રીના કોઈ વિધિમાં રોકાઈ નહતી. તે દીકરીને લઈને અલગ રહેતી હતી.
આમ પિયર અને સાસરિયાં બંનેના નકારાત્મક વલણથી પોલીસ પણ ભારે મૂંઝવણમાં મુકાઈ ગઈ છે. છેલ્લા ત્રણ દિવસથી રીનાનો મૃતદેહ સ્મીમેર હોસ્પિટલના કોલ્ડ રૂમમાં સ્વજનોની રાહ જોઈ રહ્યો છે.
આ સમગ્ર ઘટનામાં રીનાની 2 વર્ષની દીકરી જેણે માત્ર 4 મહિનામાં જ માતા-પિતા બંનેની છત્રછાયા ગુમાવી દીધી છે. રડતી માસૂમ બાળકીને પોલીસે હાલ બાળ આશ્રમમાં આશ્રય અપાવ્યો છે. જો કે રાહતની વાત એ છે કે રીનાના જેઠે બાળકીને સાચવવાની તૈયારી બતાવી છે. પોલીસે ભવિષ્યની કાનૂની ગૂંચ ન અટકાય તે માટે તેમને કોર્ટ પ્રક્રિયા દ્વારા બાળકીનો કબજો લેવા સૂચન કર્યું છે. પોલીસે હાલ અકસ્માત મોતનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
અશ્વિનીકુમાર પોલીસ મથકના અધિકારીઓના જણાવ્યા અનુસાર, હાલમાં રીનાના જેઠ અને પિયર પક્ષને પુનઃ સમજાવવાના પ્રયાસો ચાલુ છે. જો આગામી સાત દિવસ સુધીમાં રીનાના લોહીના સગા કે સાસરી પક્ષમાંથી કોઈ પણ તેનો મૃતદેહ સ્વીકારવા માટે આગળ નહીં આવે, તો આખરે નિયમ મુજબ કોઈ સ્થાનિક સામાજિક સંસ્થાની મદદ લેવામાં આવશે અને સામાજિક સંસ્થા દ્વારા પોલીસની ઉપસ્થિતિમાં આ 22 વર્ષની યુવતીના અંતિમ સંસ્કાર 'બિનવારસી' તરીકે કરી દેવામાં આવશે.
