Loading...

સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીની તૈયારીઓ શરૂ, આજે 24.72 લાખ મતદારોની યાદી જાહેર કરાશે

કુલ 24.72લાખ મતદારોની યાદી તૈયાર કરવામાં આવી છે. આ યાદી જોવા માટે નાગરિકોની સુવિધા અર્થે શહેરમાં કુલ 40 જેટલા સ્થળો નક્કી કરાયા છે.

By: Rakesh ShuklaEdited By: Rakesh Shukla Publish Date: Mon 23 Mar 2026 03:11 PM (IST)Updated: Mon 23 Mar 2026 03:11 PM (IST)
surat-municipal-elections-voter-list-to-be-released-today-713743

Surat News: સુરત મહાનગરપાલિકાના ચૂંટાયેલા પ્રતિનિધિઓની ટર્મ 11 માર્ચના રોજ પૂર્ણ થયા બાદ હવે શહેરમાં ચૂંટણીનો માહોલ ગરમાયો છે. વહીવટી તંત્ર દ્વારા આગામી મ્યુનિસિપલ ચૂંટણીઓ માટેની તૈયારીઓને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે. આ કવાયતના ભાગરૂપે, આજે 23 માર્ચ સોમવારના રોજ શહેરની 30 વોર્ડની મતદાર યાદી પ્રસિદ્ધ કરવામાં આવશે.

મળતી માહિતી મુજબ મ્યુનિસિપલ કોર્પોરેશનના ઇલેક્શન વિભાગ દ્વારા અંદાજીત કુલ 24.72લાખ મતદારોની યાદી તૈયાર કરવામાં આવી છે. આ યાદી જોવા માટે નાગરિકોની સુવિધા અર્થે શહેરમાં કુલ 40 જેટલા સ્થળો નક્કી કરાયા છે. જેમાં તાપીપુરા સ્થિત 'તાપી ભવન' ખાતે આવેલી મુખ્ય ઇલેક્શન ઓફિસ ઉપરાંત તમામ વોર્ડ ઓફિસોનો સમાવેશ થાય છે. આ પ્રક્રિયાને સફળ બનાવવા માટે ઇલેક્શન વિભાગના 20 જેટલા અધિકારીઓ અને કર્મચારીઓની ટીમે રાત-દિવસ કામગીરી કરી છે.

આ યાદી તૈયાર કરવા માટેની કામગીરી મ્યુનિ.ના ઈલેક્શન વિભાગના 15 કર્મચારીઓ બે આસિસટન્ટ ઈજનેર સહિતના ૨૦ જેટલા અધિકારીઓને સોંપવામાં આવી હતી. આ કર્મચારી, અધિકારીઓએ વિધાનસભાની યાદીનું નિરીક્ષણ કરીને તેના આધારે મ્યુનિ.ની વોર્ડ દીઠ યાદી બનાવી છે.

જો કોઈ નાગરિકનું નામ વિધાનસભાની મતદાર યાદીમાં નોંધાયેલું હોય, પરંતુ મ્યુનિસિપલ કોર્પોરેશનની યાદીમાં ન જોવા મળે, તો ગભરાવાની જરૂર નથી. આવા મતદારો જરૂરી પુરાવાઓ સાથે મહાનગરપાલિકાના ઇલેક્શન વિભાગનો સંપર્ક કરી સુધારા-વધારા માટે અરજી કરી શકશે.

ચૂંટણીનું કાઉન્ટડાઉન શરૂ થતા જ સુરતના સ્થાનિક રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. એક તરફ તંત્ર વહીવટી તૈયારીઓ પૂર્ણ કરી રહ્યું છે, તો બીજી તરફ વિવિધ રાજકીય પક્ષોએ પણ પોતપોતાની રણનીતિ ઘડવાનું શરૂ કરી દીધું છે.