સુરત મનપામાં કમિટીઓના ગઠનનું મુહૂર્ત નીકળ્યું: 30 જૂનની સામાન્ય સભામાં 12 ખાસ સમિતિઓના સભ્યોની થશે નિમણૂક

આરોગ્ય, જાહેર બાંધકામ, પાણી, નગર નિયોજન, સમાજ કલ્યાણ, ગટર, કાયદા, રૂગ્ણાલય, ગૃહનિર્માણ, લાઈટ એન્ડ ફાયર, સ્લમ ઈમ્પ્રુવમેન્ટ તેમજ જાહેર પરિવહન નિગમ સમિતિ માટે સભ્યોની નિમણૂક કરવામાં આવશે. 

By: Rakesh ShuklaEdited By:Rakesh ShuklaPublish Date: Sun, 21 Jun 2026 01:23 PM (IST)Updated: Sun, 21 Jun 2026 01:23 PM (IST)
surat-municipal-corporation-to-appoint-members-of-12-special-committees-on-june-30

Surat News: સુરત મહાનગરપાલિકાની ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થયાને આશરે પોણા બે મહિના જેટલો લાંબો સમય વીતી ગયા બાદ, આખરે વિવિધ સમિતિઓના ગઠન માટેનું મુહૂર્ત આવી ગયું છે. આગામી ૩૦ જૂના રોજ મળનારી મનપાની સામાન્ય સભાના એજન્ડામાં અઢી વર્ષની મુદત માટે ૧૨ જેટલી ખાસ સમિતિઓના સભ્યોની નિમણૂક કરવાની દરખાસ્તનો સમાવેશ કરવામાં આવ્યો છે. કમિટીઓના ગઠનમાં થઈ રહેલા વિલંબને કારણે લાંબા સમયથી કોર્પોરેટરોમાં ભારે દોડધામ અને આંતરિક રાજકીય સમીકરણોને લઈને ઉત્તેજના જોવા મળી રહી હતી, જેનો હવે અંત આવશે.

પ્રાપ્ત માહિતી અનુસાર, આરોગ્ય, જાહેર બાંધકામ, પાણી, નગર નિયોજન, સમાજ કલ્યાણ, ગટર, કાયદા, રૂગ્ણાલય, ગૃહનિર્માણ, લાઈટ એન્ડ ફાયર, સ્લમ ઈમ્પ્રુવમેન્ટ તેમજ જાહેર પરિવહન નિગમ સમિતિ માટે સભ્યોની નિમણૂક કરવામાં આવશે. આ ઉપરાંત મેયર નિધિ સમિતિ, વ્યાખ્યાનમાળા સમિતિ, મસ્કતી ધર્માદા હોસ્પિટલ સલાહકાર સમિતિ અને અજ્ઞાત સૈનિક પથિક સ્મારક ફંડ સમિતિમાં પણ સભ્યોની પણ નિમણૂક કરાશે

અત્રે ઉલ્લેખનીય છે કે, ગત ૨૬ એપ્રિલે યોજાયેલી સુરત મહાનગરપાલિકાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીએ કુલ ૧૨૦ બેઠકોમાંથી ૧૧૫ બેઠકો પર ઐતિહાસિક વિજય મેળવીને પ્રચંડ બહુમતી હાસિલ કરી હતી. ચૂંટણીના પરિણામો બાદ ૨૮ મેના રોજ મેયર, ડેપ્યુટી મેયર અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જેવા મુખ્ય હોદ્દેદારોના નામોની જાહેરાત પણ કરી દેવામાં આવી હતી. જોકે, અન્ય પેટા સમિતિઓના ગઠન અંગેનો નિર્ણય કોઈને કોઈ કારણોસર સતત લંબાતો રહ્યો હતો. હવે આગામી ૩૦ જૂનની સામાન્ય સભા બાદ આ તમામ કમિટીઓ કાર્યરત થઈ જતાં, શહેરમાં અટવાયેલા અનેક વિકાસકાર્યોને ફરી એકવાર નવી ગતિ મળશે તેવી પૂરેપૂરી અપેક્ષા રાખવામાં આવી રહી છે.