Surat: કામરેજમાં પોલીસનું મેગા કોમ્બિંગ; ભાડા કરાર ભંગના 150 કેસ, લોકોએ સામેથી હથિયારો સોંપ્યા

સુરતના કામરેજ વિસ્તારમાં પોલીસે મેગા કોમ્બિંગ ઓપરેશન હાથ ધર્યું હતું, જે દરમિયાન ભાડૂઆત ચકાસણી અને જાહેર સૂચનાની આવશ્યકતાઓના ઉલ્લંઘન બદલ 150 થી વધુ વ્યક્તિઓ સામે કેસ નોંધવામાં આવ્યા હતા.

By: Jignesh ParmarEdited By:Jignesh ParmarPublish Date: Sat, 20 Jun 2026 02:36 PM (IST)Updated: Sat, 20 Jun 2026 02:36 PM (IST)
surat-kamrej-police-combing-shekhpur-rent-agreement-cases

Surat News: સુરત ગ્રામ્ય અને શહેરી વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ વધુ મજબૂત બનાવવા માટે પોલીસ એક્શન મોડમાં આવી ગઈ છે. કામરેજ પોલીસ દ્વારા શેખપુર ગામની હરીદર્શન સોસાયટીમાં એક મોટું મેગા કોમ્બિંગ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું.

આ કાર્યવાહી દરમિયાન પોલીસે જાહેરનામા ભંગ અને ભાડા કરાર ન કરવા બદલ 150 જેટલા ગુના દાખલ કર્યા છે. આ સાથે જ પોલીસની અપીલ બાદ સ્થાનિક લોકોએ સ્વેચ્છાએ પોતાના ઘરમાં રાખેલા ઘાતક હથિયારો પોલીસને સોંપી દીધા હતા.

Surat Police Combing3

લોકોએ સ્વેચ્છાએ હથિયારો સરેન્ડર કર્યા

આ કોમ્બિંગ દરમ્યાન મોટા ભાગના લોકો ભાડા કરાર વગર રહેતા હોવાનું સામે આવ્યું હતું. જેથી પોલીસે 150 જેટલા ગુના જાહેરનામાં ભંગના દાખલ કર્યા હતા. વધુમાં પોલીસે લોકોને અપીલ કરી હતી કે, તેઓના ઘરમાં જો પ્રાણઘાતક હથિયાર હોય તો સામેથી પોલીસને જમા કરાવી દે. આથી લોકોએ પણ સ્વેચ્છાએ તલવાર, ચપ્પુ કે લાકડાના ફટકા હતા તે પોલીસને જમા કરાવી દીધા હતા.

Surat Police Combing1

ભાડા કરારનાં 150 કેસો નોંધ્યા

કામરેજ પોલીસ સ્ટેશનના P.I. આર.બી. ગોજીયાએ જણાવ્યું હતું કે, કામરેજ પોલીસ સ્ટેશન વિસ્તારના શેખપુર ગામે હરીદર્શન સોસાયટીમાં 1400 પરિવારો રહે છે. જેમાં સૌથી વધારે યુપી, બિહાર અને ઝારખંડના મજૂરવર્ગના લોકો રહે છે. જેમાંના લગભગ 20 ટકા લોકો ભાડા કરાર વગર રહે છે. આવા લોકો સામે જાહેરનામાના ભંગનો ગુનો દાખલ કરીને 150 કેસો દાખલ કર્યા છે.

Surat Police Combing4

વ્યાજખોરી, સાયબર ફ્રોડ અને ડ્રગ્સ માફિયાઓ સામે પોલીસની ઝુંબેશ

મેગા કોમ્બિંગ સાથે પોલીસે સ્થાનિક લોકોમાં જનજાગૃતિ ફેલાવવા માટે એક ખાસ મીટિંગનું પણ આયોજન કર્યું હતું. આ મીટિંગમાં લોકોની રજૂઆતો સાંભળીને તેને નોંધી હતી. તેમજ પોલીસે પણ લોકોને જરૂરી સૂચનો આપ્યા હતા.

પોલીસે આ ત્રણ મુદ્દાઓ પર ભાર મૂક્યો

  • વ્યાજખોરોનો ત્રાસ: જો કોઈ વ્યક્તિ વ્યાજવટાઉના ચક્રવ્યૂહમાં ફસાયેલી હોય અને ડરના કારણે ફરિયાદ ન કરતી હોય, તો તેઓ સીધો પોલીસનો સંપર્ક કરે. પોલીસ તેમની સુરક્ષા અને કાયદેસરની કાર્યવાહીની ખાતરી આપે છે.
  • સાયબર ક્રાઇમ અવેરનેસ: ઓનલાઇન ફ્રોડ અને સાયબર ગુનાઓથી કેવી રીતે બચવું તેના વિશે લોકોને માહિતગાર કરાયા હતા.
  • નશીલા પદાર્થોની હેરાફેરી: સોસાયટી કે વિસ્તારમાં ડ્રગ્સ કે અન્ય નશીલા પદાર્થો વેચવા આવતા પેડલર્સ વિશે પોલીસને ગુપ્ત માહિતી આપવા અપીલ કરાઈ, જેથી યુવાધનને બચાવી શકાય.

કામરેજ પોલીસે સ્પષ્ટ કર્યું છે કે વિસ્તારમાં શાંતિ, સુરક્ષા અને મજબૂત કાયદો-વ્યવસ્થા જાળવવા માટે પોલીસ હંમેશા તત્પર છે અને આવા કોમ્બિંગ ઓપરેશન્સ આગામી દિવસોમાં પણ ચાલુ રહેશે.