Surat head constable attacked: સુરતમાં પોલીસ કમિશનર કચેરીમાં ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલ પર હુમલો થયાનો બનાવ બન્યો છે. નાના વરાછા ઢાળ પાસે ટ્રાફિક હટાવવા જતા બસ અને કારમાંથી ઉતરેલા કુલ 4 ઈસમોએ ઝપાઝપી કરીને પંચ વડે હુમલો કરતા પોલીસકર્મીને નાકમાં ફેક્ચર થયું હતું. આ મામલે કાપોદ્રા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે. બીજી તરફ પોલીસે જે કાર ડિટેઇન કરી તેમાંથી ભાજપનો ખેસ મળી આવ્યો હતો.
સુરતમાં હેડ કોન્સ્ટેબલ પર થયો હુમલો
મળતી માહિતી મુજબ સુરતમાં પોલીસ કમિશનર કચેરીમાં ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલ અક્ષયકુમાર છગનભાઈ આહીર ગતરોજ નોકરી પૂર્ણ કરીને ઘરે જતા હતા. ત્યારે નાના વરાછાના ઢાળ પાસે આરોગ્ય કેન્દ્ર પાસે ટ્રાવેલ્સની બસ અને અન્ય વાહનોને કારણે ટ્રાફિક સર્જાયો હતો.
ટ્રાફિક ક્લિયર કરાવવા ઉભા રહ્યા હતા પોલીસકર્મી
હેડ કોન્સ્ટેબલ અક્ષયકુમાર કારમાંથી ઉતરી ફરજના ભાગરૂપે ટ્રાફિક ક્લિયર કરાવવા ગયા હતા. રોડ પર ઉભેલી રામદેવ ટ્રાવેલ્સની બસ અને તેની પાસે ઉભેલી કાર ટ્રાફિકને અડચણરૂપ હોવાથી તેને હટાવવા કહ્યું હતું. જોકે, બસમાંથી બે વ્યક્તિ અને કારમાંથી ચાલક અને તેની સાથેનો એક વ્યક્તિ નીચે ઉતરીને હેડ કોન્સ્ટેબલ પાસે આવ્યા હતા, અને અમને ગાડી હટાવવાનું કહેવાનો તું કોણ છે? તેમ કહ્યું હતું.
આ પણ વાંચો

કારમાંથી ઉતરેલા શખ્સે ઝપાઝપી કરી મુક્કા માર્યા
હેડ કોન્સ્ટેબલે પોતાની ઓળખ પોલીસ તરીકે આપી આઈકાર્ડ પણ બતાવ્યું હતું. તેમ છતાં કાર ચાલક અને તેની સાથેના વ્યક્તિએ કહ્યું "તું પોલીસ વાળો હોય તો શું થઈ ગયું તારું કંઈ કામ નથી." જે બાદ ઉશ્કેરાઈને આ લોકો હેડ કોન્સ્ટેબલ સાથે ઝપાઝપી કરવા લાગ્યા. તે સમયે એક વ્યક્તિએ હેડ કોન્સ્ટેબલનો હાથ પકડીને વાળી દીધો અને ફોરવ્હીલ ચાલક ઇસમે ગળું પકડીને મોઢા પર પંચ વડે ચારથી પાંચ મુક્કા મારી દીધા હતા.
હેડ કોન્સ્ટેબલ ઈજાગ્રસ્ત, ચાર લોકો સામે ફરિયાદ
બીજી તરફ ત્યાં લોકો ભેગા થઇ જતા આરોપીઓ ત્યાંથી ભાગી ગયા હતા. હેડ કોન્સ્ટેબલને નાકમાંથી લોહી નીકળતા તેમને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. જ્યાં તેમને નાકમાં ફેકચર થયાનું નિદાન થયું હતું. આ મામલે હેડ કોન્સ્ટેબલે કાપોદ્રા પોલીસ મથકમાં 4 લોકો સામે ફરિયાદ નોંધાવી છે.
આ પણ વાંચો: Surat:પ્રેમ સંબંધમાં તાલિબાની સજા; યુવતીના પરિવારે યુવકના ભાઈ-બહેન અને માતાને જાહેરમાં માર્યા
હુમલાખોરની કારમાંથી મળ્યો ભાજપનો ખેસ
કાપોદ્રા પોલીસ ટીમે આ મામલે તપાસ કરીને કાર જપ્ત કરી હતી. કારમાંથી ભાજપનો ખેસ મળી આવ્યો હતો. બીજી તરફ પોલીસે તપાસ કરતા કાર ચાલક કતારગામ વિસ્તારમાં રહેતો હોવાનું જાણવા મળ્યું છે. આરોપી પત્નીને ટ્રાવેલ્સમાં મુકવા આવ્યો હતો, અને હેડ કોન્સ્ટેબલ પર હુમલો કર્યા બાદ ઘરેથી ફરાર થયો હતો. કાપોદ્રા પોલીસે કાર કબજે કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.
કાપોદ્રા પોલીસ દ્વારા તપાસ અને કાર્યવાહી
કાપોદ્રા પોલીસ દ્વારા આ કારની તપાસ કરવામાં આવી હતી. CCTV ફૂટેજના આધારે કાર સુધી પહોંચતા જાણ થઈ હતી કે, જે કારચાલક છે તે એક પાનના ગલ્લા પર ઉભો રહ્યો હતો અને સિગારેટ ફૂંકી હતી. ત્યારબાદ પોલીસના હાથે પકડાઈ જશે તેમ માનીને તે કાર મૂકીને ત્યાંથી ફરાર થઈ ગયો હતો. હાલ તો પોલીસ દ્વારા કારને કબજે કરવામાં આવી છે અને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
