Loading...

Republic Day 2026: માંડવીમાં 77 મા પ્રજાસત્તાક પર્વની જિલ્લાકક્ષાની ઉજવણી, ટેબ્લોએ આકર્ષણ જમાવ્યું

77 મા પ્રજાસત્તાક પર્વની જિલ્લાકક્ષાની ઉજવણીમાં જિલ્લા કલેકટર ડૉ. સૌરભ પારધીએ ત્રિરંગાને સલામી આપી પ્રજાસત્તાક પર્વની સૌને શુભેચ્છાઓ પાઠવી હતી.   

By: Purvalak DabhiEdited By: Purvalak Dabhi Publish Date: Mon 26 Jan 2026 02:59 PM (IST)Updated: Mon 26 Jan 2026 02:59 PM (IST)
77th-republic-day-district-level-celebration-at-mandvi-tableau-attracts-attention-680139
HIGHLIGHTS
  • માંડવી ખાતે 77 મા પ્રજાસત્તાક પર્વની સુરત જિલ્લા કક્ષાની ઉજવણી
  • જિલ્લા કલેકટર ડૉ. સૌરભ પારધીએ પ્રજાસત્તાક પર્વની શુભેચ્છા પાઠવી
  • પ્રજાસત્તાક દિનની પરેડ-વિવિધ વિભાગોના ટેબ્લોએ આકર્ષણ જમાવ્યું

Republic Day 2026 Celebration at Surat: રાષ્ટ્રની આન, બાન અને શાન સમા 77 મા પ્રજાસત્તાક પર્વની સુરત જિલ્લા કક્ષાની ઉજવણી માંડવી તાલુકા મથકે કરવામાં આવી હતી. જિલ્લા કલેકટર ડૉ. સૌરભ પારધીએ પરેડનું નિરીક્ષણ કરી અને ત્રિરંગાને સલામી આપી પ્રજાસત્તાક પર્વની સૌને શુભેચ્છાઓ પાઠવી હતી. 

77 મા પ્રજાસત્તાક પર્વની જિલ્લાકક્ષાની ઉજવણી  

દેશભક્તિના ઉમંગભર્યા માહોલમાં થયેલી ઉજવણી દરમિયાન જિલ્લા કલેકટરે સ્થાનિક નગરજનો, વિદ્યાર્થીઓનું અભિવાદન ઝીલ્યું હતું. માંડવી તાલુકાના વિકાસ માટે રૂ. 25 લાખનો ચેક જિલ્લા કલેકટર ડૉ. સૌરભ પારધીના હસ્તે માંડવી પ્રાંત અધિકારીને એનાયત કરવામાં આવ્યો હતો.

સરાહનીય સેવા આપનાર કર્મયોગીઓનું સન્માન

આ અવસરે ગુજરાતની શાંતિ અને સુરક્ષા માટે સદાય તત્પર રહેનાર નિષ્ઠાવાન પોલીસ અધિકારીઓ, કર્મીઓ, રમતવીરો, ખેડૂતો, અને વિવિધ ક્ષેત્રમાં સરાહનીય સેવા આપનાર 39 કર્મયોગીઓની વિશિષ્ટ સેવા બદલ પ્રશસ્તિ પત્ર આપી પ્રોત્સાહિત કર્યા હતા. કાર્યક્રમના અંતે જિલ્લા કલેકટર તથા અન્ય મહાનુભાવોએ વૃક્ષારોપણ કર્યું હતું.

પ્રજાસત્તાક પર્વની શાન બની પરેડ

પોલીસ બેન્ડની મધુર સુરાવલી ધૂન વચ્ચે પોલીસ સહિત અન્ય સુરક્ષા જવાનોની પરેડ સૌએ નિહાળી હતી. શાળાના બાળકોની રાષ્ટ્રભક્તિથી તરબોળ સાંસ્કૃતિક નૃત્ય પ્રસ્તુતિઓએ સૌના મન મોહી લીધા હતા. વિવિધ વિભાગોના ટેબ્લોએ આકર્ષણ જમાવ્યું હતું. આ પ્રસંગે હોમગાર્ડ્ઝ, NCC, સ્કાઉટ ગાઇડ, મહિલા વગેરે પ્લાટુનની શિસ્તબદ્ધ પરેડ યોજાઇ હતી.

વિવિધ વિભાગના ટેબ્લોએ આકર્ષણ જમાવ્યું

પ્રજાસત્તાક પર્વની ઉજવણી કાર્યક્રમમાં સરકારના 11 જેટલા વિભાગો દ્વારા રજુ થયેલા ટેબ્લોએ આકર્ષણ જમાવ્યું હતું. જેમાં જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી-સુરત દ્વારા ગ્રામ વિકાસ વિભાગની પંચસ્થંભ યોજનાનો પ્રચાર પ્રસાર કરતી થીમ સાથેના ટેબ્લો પ્રથમ નંબર મળ્યો હતો.

આ સાથે પ્રાયોજના વહીવટદાર માંડવી, નાયબ વન સંરક્ષક સામાજિક વનીકરણ વિભાગ સુરત, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી, જિલ્લા શિક્ષણાધિકારી, જિલ્લા ખેતીવાડી અધિકારી, અધિક્ષક ઇજનેર DGVCL, જનરલ મેનેજર જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર, પ્રોગ્રામ ઓફિસર ICDS શાખા જિલ્લા પંચાયત સુરત, કાર્યપાલક ઈજનેર GETCO-કીમ અને RTO વિભાગ દ્વારા વિવિધ થીમ આધારિત ટેબ્લો પ્રદર્શિત કરવામાં આવ્યા હતા.

સ્વાતંત્ર્ય સેનાની અને ક્રાંતિકારીઓને યાદ કર્યા  

આ પ્રસંગે જિલ્લા કલેક્ટરે આઝાદીની લડાઈમાં યોગદાન આપનાર સ્વાતંત્ર્ય સેનાનીઓ, ક્રાંતિકારીઓ અને બંધારણના ઘડવૈયા ડૉ. બાબાસાહેબ આંબેડકરનું સ્મરણ કરતા જણાવ્યું કે, રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજી, લોખંડી પુરૂષ અને દેશને એકતાના તાંતણે બાંધનાર સરદાર વલ્લભભાઈ પટેલ, શહીદ ભગતસિંહ, સુખદેવ, રાજગુરુ જેવા નામી-અનામી વીરલાઓએ રાષ્ટ્રની આઝાદી, સાર્વભૌમત્વ અને રાષ્ટ્ર નિર્માણનો પાયો નાંખ્યો હતો.

પ્રજાસત્તાક પર્વે દેશના નાગરિકોને રાષ્ટ્રના વિકાસ, એકતા અને સમરસતાના યજ્ઞમાં યોગદાન આપવાનું આહવાન કરતા જિલ્લા કલેક્ટરે કહ્યું કે, વિકાસ અને રાષ્ટ્રવાદના સમન્વય સાથે દેશની વિશ્વસ્તરે ઉન્નતિ થઈ રહી છે. આઝાદીની લડાઈમાં સુરત જિલ્લાના માંડવી તાલુકાનું યોગદાન અત્યંત મહત્વનું અને ગૌરવશાળી રહ્યું છે. ખાસ કરીને ખેડૂત સત્યાગ્રહ અને આદિવાસી જાગૃતિના કિસ્સામાં માંડવીએ અગ્રીમ ભૂમિકા ભજવી હતી.

પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે ગણતંત્ર દિવસની ઉજવણી

સુરત શહેરના પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે પણ 77 મા ગણતંત્ર દિવસની શાનદાર ઉજવણી કરવામાં આવી હતી. સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતે ધ્વજવંદન કરી રાષ્ટ્રધ્વજને સલામી આપી હતી. સુરત પોલીસની વિવિધ પાંખો દ્વારા શિસ્તબદ્ધ પરેડનું પ્રદર્શન કરવામાં આવ્યું હતું.

પરેડમાં નારી શક્તિ ઉડીને આંખે વળગી

સુરત પોલીસની વિવિધ પાંખો દ્વારા શિસ્તબદ્ધ પરેડનું પ્રદર્શન કરવામાં આવ્યું હતું. આ વર્ષની ઉજવણીમાં વિશેષ આકર્ષણ મહિલા સશક્તિકરણનું રહ્યું હતું. પોલીસ વિભાગની મહિલા ટુકડીઓએ અદભૂત કદમ તાલ મિલાવી નારી શક્તિનો પરિચય આપ્યો હતો. એટલું જ નહીં, સુરક્ષામાં મહત્ત્વનો ફાળો આપતા ડોગ સ્ક્વોડના તમામ શ્વાનોએ પણ પરેડમાં ભાગ લીધો હતો.