Republic Day 2026 State-level celebration: આજે 26 જાન્યુઆરી, 2026 ના રોજ દેશભરમાં 77 મા પ્રજાસત્તાક દિવસની ઉજવણી થઈ રહી છે. આ વર્ષે પ્રજાસત્તાક પર્વની રાજ્યકક્ષાની ઉજવણી કાર્યક્રમ માટે નવરચિત વાવ-થરાદ જિલ્લો યજમાની કરી રહ્યો છે. થરાદના મલુપુર ખાતે દેશભક્તિ ભર્યા માહોલમાં ઉત્સાહ વચ્ચે 77 મા પ્રજાસત્તાક દિવસની ઉજવણી થઈ રહી છે.
77 મા પ્રજાસત્તાક પર્વની રાજ્યકક્ષાની ઉજવણી
થરાદના મલુપુર ખાતે 77 મા પ્રજાસત્તાક પર્વની રાજ્યકક્ષાની ઉજવણી કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને ગુજરાત વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરી સહિત ઉચ્ચ અધિકારીઓ અને પદાધિકારીઓ વહેલી સવારથી ઉપસ્થિત રહ્યા હતા. રાજ્યપાલ આચાર્ય દેવવ્રત કાર્યક્રમ સ્થળે પહોંચતા તેમનું મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને શંકર ચૌધરીએ સ્વાગત કર્યું હતું.
LIVE: વાવ-થરાદ જિલ્લાના મલુપુર ખાતે પ્રજાસત્તાક પર્વ નિમિત્તે ધ્વજવંદન કાર્યક્રમ. https://t.co/XnbWQZXR02
— CMO Gujarat (@CMOGuj) January 26, 2026
રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે ધ્વજવંદન કર્યું
રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે મુખ્ય મંચ પરથી રાષ્ટ્રધ્વજ ફરકાવીને ધ્વજવંદન કર્યું હતું. જે બાદ મંચ પર ઉપસ્થિત રાજ્યપાલ દેવવ્રત, મુખ્યમંત્રી પટેલ સહિતના મહાનુભાવો સાથે સ્થળ પર હાજર તમામ મહેમાનો અને જાહેર જનતાએ એક સ્વરે રાષ્ટ્રગીતનું ગાન કર્યું હતું. આ સાથે ભારતીય વાયુસેનાના હેલિકોપ્ટર દ્વારા આકાશમાંથી પુષ્પવર્ષા કરવામાં આવી હતી.
