એક સમયે પ્લેગ જેવી મહામારીનો સામનો કરનાર સુરત આજે સમગ્ર દેશમાં સ્વચ્છતા અને ગ્રીન એનર્જીના મોડેલ તરીકે ઉભર્યુંઃ PM મોદી

‘ગ્રીન સિટી’ અને ‘ક્લીન સિટી’ સુરતે સ્વચ્છતા અને પર્યાવરણ સુરક્ષાને જનઆંદોલન બનાવ્યું. સુરતની ‘સર્ક્યુલર વોટર ઈકોનોમી’ની સમગ્ર દેશમાં નોંધ લેવાઈ રહી છે

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Fri, 05 Jun 2026 09:27 PM (IST)Updated: Fri, 05 Jun 2026 09:27 PM (IST)
surat-emerged-as-a-model-of-cleanliness-and-green-energy-across-the-country-says-pm-modi
HIGHLIGHTS
  • વડાપ્રધાનના હસ્તે દક્ષિણ ગુજરાતમાં 18,779 કરોડના વિવિધ વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત
  • સુરતનું હજીરા આજે મેરીટાઈમ હબ અને ડિફેન્સ પ્રોડક્શનના ગ્લોબલ સેન્ટર તરીકે ઉભરી રહ્યું છે

PM Modi Surat Visit: વિશ્વ પર્યાવરણ દિવસના અવસરે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સુરત ખાતેથી કેન્દ્ર અને રાજ્ય સરકારના કુલ 24 વિવિધ પ્રોજેક્ટ્સનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરી દક્ષિણ ગુજરાતને રૂ.18,778 કરોડના વિકાસ પ્રકલ્પોની ભેટ આપી હતી.

સુરતના દીનદયાળ ઉપાધ્યાય ઈન્ડોર સ્ટેડિયમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અને મંત્રીગણ, મહાનુભાવોની ઉપસ્થિતિમાં આયોજિત સમારોહમાં વડાપ્રધાને સુરતી સ્પિરીટની સરાહના કરતા જણાવ્યું હતું કે, સુરત માત્ર એક શહેર નથી, પણ ‘સ્પિરીટ’ છે. એક સમયે પ્લેગ જેવી મહામારીનો સામનો કરનાર સુરત આજે સમગ્ર દેશમાં સ્વચ્છતા અને ગ્રીન એનર્જીના મોડેલ તરીકે ઉભરી આવ્યું છે.

તેમણે સુરતવાસીઓની સ્વચ્છતા પહેલ અને પર્યાવરણ સુરક્ષાના કાર્યોને પ્રેરણાદાયી ગણાવી ઉમેર્યું કે, સુરતની આ જાગૃતિ અને સંસ્કારોને કારણે જ તે આજે દેશનું સૌથી સ્વચ્છ શહેર બન્યું છે. દેશમાં સ્વચ્છતાને સંસ્કારમાં પરિવર્તિત કરવા છે. કારણ કે સ્વચ્છતા અભિયાન દેશના સ્વસ્થ ભવિષ્ય માટેનું સંસ્કાર પર્વ છે.

દક્ષિણ ગુજરાતમાં માર્ગ, ઊર્જા, ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને ઔદ્યોગિક ક્ષેત્રે કેન્દ્ર સરકારના રૂ.16,968 કરોડના બહુવિધ પ્રોજેક્ટ્સ અને રાજ્ય સરકારના રૂ.1,810 કરોડના વિકાસકાર્યોના ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરતા વડાપ્રધાને વધુમાં કહ્યું કે, આ પ્રોજેક્ટ્સથી માત્ર ઔદ્યોગિક ઉત્પાદન ક્ષમતામાં જ વધારો નહીં થાય, પરંતુ પર્યાવરણીય સંરક્ષણ અને સસ્ટેનેબલ ડેવલપમેન્ટના લક્ષ્યોને પણ હાંસલ કરવામાં મદદ મળશે.

સ્વચ્છતા અભિયાન દેશના સ્વસ્થ ભવિષ્ય માટેનું સંસ્કાર પર્વ

આજે વિશ્વના દેશો પર્યાવરણ સુરક્ષા અને ‘ગ્રીન ફ્યુચર’ તરફ આગળ વધી રહ્યા છે, ત્યારે ભારત પણ ‘ઈકોનોમી’ અને ‘ઈકોલોજી’ના સમન્વય સાથે ‘ગ્રીન ગ્રોથ’ની દિશામાં અગ્રેસર બની રહ્યું છે. આ દિશામાં ગુજરાતે આ સદીના પ્રારંભે દેશમાં સૌપ્રથમ ક્લાઈમેટ ચેન્જ વિભાગની સ્થાપના કરી હતી અને પાટણના ચારણકામાં ભારતનો પ્રથમ સોલાર પાર્ક સ્થાપીને દેશને દિશા ચીંધી હતી.

આજે ભારત વિશ્વના ટોચના ૫ સોલાર એનર્જી ઉત્પાદક દેશોમાં સામેલ છે, જેમાં ગુજરાતનું યોગદાન અત્યંત મહત્વનું છે. દેશની કુલ રિન્યુએબલ એનર્જી કેપેસિટીમાં ગુજરાતનો હિસ્સો 20 ટકા જેટલો છે એનો આનંદ વ્યક્ત કર્યો હતો.

પ્રકૃતિ સાથે પ્રગતિનો મંત્ર અપનાવી વિકાસની વાટ પકડી છે. છેલ્લા 12 વર્ષથી સમગ્ર દેશમાં ‘વેસ્ટ ટુ વેલ્થ’ ના ધ્યેય સાથે ‘કચરામાંથી કંચન’ એટલે કે કચરાનું સંપત્તિમાં મોટા પાયે પરિવર્તન કરવાનું અભિયાન ચાલી રહ્યું છે. આ અભિયાન આપણા શહેરોને સાફ રાખવા અને તેમને હરિયાળા તથા સ્વચ્છ બનાવવામાં ખૂબ જ ઉપયોગી સાબિત થઈ રહ્યું છે.

વર્તમાન વૈશ્વિક સ્થિતિ અંગે PM મોદીએ જણાવ્યું કે, વર્તમાન દાયકો સમગ્ર વિશ્વ માટે આપત્તિનો દાયકો સાબિત થઈ રહ્યો છે. વિકટ કોરોના સંકટ અને ત્યારબાદ વિવિધ દેશો વચ્ચે યુદ્ધો ફાટી નીકળ્યા અને હવે વિશાળ ઉર્જા સંકટે સમગ્ર વિશ્વને અવ્યવસ્થામાં ધકેલી દીધું છે, પરંતુ કેન્દ્ર સરકારે ઉર્જા સપ્લાય ચેનને ખોરવાવા દીધી નથી. 1.4 અબજ ભારતીયોના સામૂહિક પ્રયાસોથી દેશ આવા દરેક સંકટનો મજબૂતીથી સામનો કરી રહ્યો છે.

સુરતની ‘સર્ક્યુલર વોટર ઈકોનોમી’ની પ્રશંસા કરતા વડાપ્રધાને જણાવ્યું કે, શહેરના વેસ્ટ વોટરને ટ્રીટ કરીને ઉદ્યોગોને વેચાણ થકી પૂરૂ પાડવાની આ પદ્ધતિ પર્યાવરણ સુરક્ષાની સાથે આર્થિક ઉપાર્જનનું પણ ઉત્તમ ઉદાહરણ છે.

તેમણે આગામી સમયમાં તાપી બેરેજ પ્રોજેક્ટ દ્વારા સુરતની પાણીની સમસ્યાનો કાયમી ઉકેલ આવશે એમ જણાવી પાંચ દાયકા સુધી શહેરની પાણીની તંગી ન પડે તેવી સુરત મનપાના આયોજનને બિરદાવ્યું હતું.

આત્મનિર્ભર ભારતનો ઉલ્લેખ કરતા વડાપ્રધાને જણાવ્યું હતું કે, સુરતનું હજીરા આજે મેરીટાઈમ હબ અને ડિફેન્સ પ્રોડક્શનના ગ્લોબલ સેન્ટર તરીકે ઉભરી રહ્યું છે. અહીં વૈશ્વિક વ્યાપારની ઇકોસિસ્ટમ નિર્માણ પામી છે, નોમિક ઉજળી તકો છે.

વડોદરા-મુંબઈ એક્સપ્રેસ-વે, ડેડિકેટેડ ફ્રેટ કોરિડોર અને આધુનિક રેલવે નેટવર્ક દ્વારા આદિવાસી અને ગ્રામીણ વિસ્તારોને પણ વિકાસની મુખ્ય ધારામાં જોડવામાં આવ્યા છે.

દેશના નાગરિકો અનિશ્ચિતતા, અરાજકતા અને નિરાશાને ક્યારેય પસંદ નથી કરતા જેની સાબિતી પશ્ચિમ બંગાળની વિધાનસભા ચૂંટણીમાં જોવા મળી હોવાનું જણાવી દેશના કરોડો નાગરિકો આગવા સંકલ્પોથી સિદ્ધિ મેળવવા પ્રતિબદ્ધ બને, દેશવાસીઓ બે કદમ આગળ વધે તો પોતે ત્રણ કદમ આગળ વધવા અને દેશવાસીઓની વિકાસની ઝંખના અને વિશ્વાસને પરિપૂર્ણ કરવા તત્પર છે એવી ખાતરી આપી હતી.

ગુજરાત અને દેશના ઔદ્યોગિક વિકાસમાં દક્ષિણ ગુજરાતનું યોગદાન અત્યંત મહત્વનું છે, ત્યારે દક્ષિણ ગુજરાતના નર્મદા, તાપી, ભરૂચ અને છોટાઉદેપુર જિલ્લાઓમાં હાઈવે કનેક્ટિવિટી વધવાથી ‘‘પઢાઈ, દવાઈ અને કમાઈ’’- શિક્ષણ, સ્વાસ્થ્ય અને રોજગારીની તકોમાં વધારો થશે એમ જણાવી વડાપ્રધાનશ્રીએ ઉપસ્થિત જનમેદનીને ‘વિકસિત ભારત’ અને ‘વિકસિત ગુજરાત’ના સંકલ્પને સિદ્ધ કરવા માટે સંપૂર્ણ સમર્પણ સાથે કામ કરવા આહવાન કર્યું હતું.