Surat: સુરતના જાણીતા બિલ્ડર તુષારભાઈ ઘેલાણીએ પોતાના નિવાસ સ્થાને પોતાની લાયસન્સ વાળી રિવોલ્વરથી ગોળી મારીને આપઘાતનો પ્રયાસ કર્યો હતો. જે બાદ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા બિલ્ડરને તબીબોએ બ્રેઈન ડેડ જાહેર કરતાં પરિવારજનોએ તેમના અંગદાનનો નિર્ણય લીધો છે. એવામાં આજે તેમણે અંતિમ શ્વાસ લીધા છે.
સુરત શહેરના જાણીતા બિલ્ડર તુષારભાઈ ઘેલાણીએ ગત શનિવારે રાત્રિના સમયે તેમના નિવાસ્થાને લાયસન્સ વાળી રિવોલ્વરથી લમણે ગોળી મારીને આપઘાતનો પ્રયાસ કર્યો હતો.
તુષારભાઈને સારવાર અર્થે મહાવીર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. છેલ્લા ચાર દિવસથી તેઓ હોસ્પિટલમાં સારવાર હેઠળ હતા. દરમિયાન ગતરોજ ડોક્ટરોની ટીમે તુષારભાઈને બ્રેઇન ડેડ જાહેર કર્યા હતા. બીજી તરફ તેમના પરિવારે આ દુઃખદ ક્ષણે સમાજહિતને પ્રાધાન્ય આપતો નિણર્ય લઇ તેમના અંગદાન કરવાનો નિણર્ય લીધો હતો.
ઉલ્લેખનીય છે કે, આજે પાંચ ફેબ્રુઆરીના રોજ તુષારભાઈની દીકરીના લગ્ન હતા. આ દીકરીના લગ્નની કંકોત્રી લેખનની આગલી રાત્રે જ તુષારભાઈએ અંતિમ પગલું ભર્યું હતુ. આ કપરા સમયમાં પણ પરિવારે તુષારભાઈના અંગદાનનો મહત્વપૂર્ણ નિર્ણય લીધો હતો.
જો કે આજે અંગદાન ની પ્રક્રિયા શરૂ થાય તે પહેલા જ તુષારભાઈને હાર્ટ અટેક આવ્યો હતો અને તેમનો અવસાન થયું છે. જેથી માત્ર ચક્ષુનું દાન થઈ શક્યું છે.
ડોનેટ લાફ સંસ્થાની ટીમ મહાવીર હોસ્પિટલ પહોંચી
તુષારભાઈ ઘેલાણી ની અંતિમયાત્રા આજે અઢી વાગે તેમના નિવાસ્થાનેથી નીકળશે. તુષાર ઘેલાણીના પરિવારે અંગદાનની સંમતિ આપતા જ 'ડોનેટ લાઈફ' સંસ્થાની ટીમ અંગદાનની પ્રક્રિયા હાથ ધરવા માટે તાત્કાલિક મહાવીર હોસ્પિટલ પહોંચી હતી. આ સમયે ઉદ્યોગપતિ મુકેશ પટેલ, સામાજિક કાર્યકર મહેશ સવાણી અને તુષારભાઈના વિશાળ મિત્ર વર્તુળ પણ હોસ્પિટલ ખાતે ઉમટી પહોચ્યા હતા
જ્યારે અંગો મેળવવાની પ્રક્રિયા શરૂ થવાની તૈયારીમાં હતી, ત્યારે જ અચાનક તુષારભાઈને કાર્ડિયાક અરેસ્ટ (હૃદય બંધ પડી જવું) આવ્યો હતો. હાર્ટ બેસી જવાને કારણે શરીરના મહત્વના અંગો ફેઈલ થવા લાગ્યા હતા, જેના પરિણામે કિડની, લિવર કે હૃદય જેવા અન્ય અંગોનું દાન કરી શકાયું નહોતું. અંતે, માત્ર તેમના ચક્ષુઓનું દાન સ્વીકારવામાં આવ્યું હતું.
