Gujarat News Today Live, 05 February, 2026: શેત્રુંજી સિંચાઈ યોજનામાં રવિ/ઉનાળુ મોસમ 2025-26 માટે પાણી મેળવવા માટે બાગાયતદારો પાસેથી 31 જાન્યુઆરી 2026 સુધીમાં અરજી ફોર્મ માંગવામાં આવ્યાં હતાં પરંતુ સિંચાઇ માટેના પૂરતાં પ્રમાણમાં ફોર્મ આવ્યાં ન હોવાથી અરજી ફોર્મ સ્વીકારવાની મુદત 28 ફેબ્રુઆરી 2026 સુધી લંબાવવામાં આવી છે. જેથી દરેક બાગાયતદારોએ વધારેલ મુદતમાં સિંચાઈના ફોર્મ અચુક ભરી દેવા. મુળ જાહેરાતની અન્ય શરતો યથાવત રહેશે.
બાગાયતદારોએ રવિ/ઉનાળુ મોસમ 2025-26 માટે અરજી ફોર્મ લગત સેકશન કચેરીમાં તાત્કાલિક અસરથી ભરી જવા ભાવનગર જળ સિંચન વિભાગના કાર્યપાલક ઇજનેરની કચેરી દ્વારા જણાવાયું છે.લંબાવેલ મુદત બાદ સિંચાઇના ફોર્મ દોઢ ગણા દરે સ્વીકારવામાં આવશે. જેની દરેક બાગાયતદારોએ નોંધ લેવી તેમ જળ સિંચન વિભાગની અખબારી યાદીમાં જણાવ્યું છે.
1 એપ્રિલથી 18 પ્રમાણપત્રો ઓનલાઈન મળશે
ગુજરાત સરકારે રાજ્યના નાગરિકોને સરકારી સેવાઓનો લાભ વધુ સરળતાથી મળે તે માટે એક મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. આગામી 1 એપ્રિલથી આવકનો દાખલો, જાતિનું પ્રમાણપત્ર સહિત કુલ 18 પ્રકારના વિવિધ સરકારી પ્રમાણપત્રો ઓનલાઈન ઉપલબ્ધ બનશે. આ નિર્ણયથી રાજ્યના અંદાજે 80 લાખ પરિવારોને સીધો ફાયદો થશે અને સરકારી કચેરીઓના ધક્કા ખાવામાંથી મુક્તિ મળશે.
