Surat News: સુરત શહેરમાં ગતસાંજે મીનીવાવાઝોડું ફુંકાયું હતું. આ મીનીવાવાઝોડાએ જાણે સુરતને ઘમરોળ્યું હોય તેમ શહેરના અનેક વિસ્તારોમાં ઝાડ પડવાના બનાવો બન્યા હતા એટલું જ નહી બેનરો, હોર્ડિંગ્સ પતરાઓ ઉડયા હોવાની ઘટના સામે આવી હતી. શહેરમાં ગત સાંજે ૭ વાગ્યાથી આજે બપોરે 10 વાગ્યા સુધીમાં 100 જેટલા કોલ ફાયર વિભાગને મળ્યા હતા.
સુરત શહેરમાં ગતસાંજે 7 વાગ્યાની આસપાસ વાતાવરણમાં પલટો આવ્યો હતો અને શહેરમાં ભારે પવન ફુકાયો હતો. ભારે પવન સાથે ધૂળની ડમરીઓ ઉડતા વાહન ચાલકોને હાલાકી પડી હતી. એટલું જ નહી અંદાજીત અડધો કલાક સુધી ફૂકાયેલા મીની વાવાઝોડાએ જાણે શહેરને બાનમાં લીધું હોય તેમ અનેક જગ્યાએ ઝાડ પડવાના બનાવો સામે આવ્યા હતા.
આ ઉપરાંત બેનરો, હોર્ડિંગ્સને નુકશાન થયું હતું. તો કેટલીક જગ્યાએ પતરાઓ ઉડીને નીચે પડ્યા હોવાના બનાવો સામે આવ્યા હતા. આ ઉપરાંત શહેરના અડાજણ, પાલ, વેસુ, સચિન, વરાછા સહિતના વિસ્તારોમાં વીજળીડુલ થઇ જવા પામી હતી. આ ઉપરાંત સુરતના ડુમસ એરપોર્ટ રોડ ઉપર લગ્ન માટે તૈયાર કરવામાં આવેલો તૈયાર સેટ પણ ધરાશાયી થઇ ગયો હતો.
ફાયર વિભાગ પાસેથી મળતી માહિતી મુજબ ગત સાંજે 7 થી 12 વાગ્યા સુધીમાં ઝાડ પડવાના, પતરાના શેડ પડ્યા હોય તેવા 75 જેટલા કોલ મળ્યા હતા આ ઉપરાંત આજે સવારે 12 વાગ્યા સુધીમાં 23 જેટલા કોણ ફાયર વિભાગને મળી ચુક્યા છે.કોલ મળતા જ ફાયર વિભાગની ટીમો ઘટના સ્થળે પહોચી હતી અને કામગીરી હાથ ધરી હતી. કેટલીક જગ્યાએ ઝાડ તૂટીને વાહનો પર પડ્યા હતા જેને લઈને વાહનોને નુકશાન પણ થયું હોવાનું જાણવા મળ્યું હતું.
સુરતના પર્વત પાટિયા વિસ્તારમાં આવેલા શાયોના પ્લાઝા પાસે ભારે પવનને કારણે સુરત મહાનગરપાલિકાનું એક વિશાળ લોખંડનું બોર્ડ ધરાશાયી થયું હતું. કમનસીબે, આ બોર્ડ યુવક પર પડ્યું હતું. બોર્ડ એટલું વજનદાર હતું કે યુવકનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. ઘટનાની જાણ થતા જ પોલીસ કાફલો દોડી આવ્યો હતો અને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સ્મીમેર હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે.
