Loading...

સુરતમાં સમી સાંજે વાતાવરણમાં પલટોઃ ધૂળની આંધીએ શહેરને ઘમરોળ્યું, પર્વત પાટિયામાં ભારે પવનથી મનપાનું બોર્ડ પડતાં નીચે ઉભેલા યુવકનું મોત

નીતિન વાજા નામનો યુવક શાયોના પ્લાઝા નજીક ટેબલ નાંખીને ઘુઘરા વેચતો હતો, ત્યારે જ વાવાઝોડું ફૂંકાતા મનપાનું બોર્ડ તૂટીને તેના પર પડ્યું હતુ.

By: Sanket ParekhEdited By: Sanket Parekh Publish Date: Thu 19 Mar 2026 10:53 PM (IST)Updated: Thu 19 Mar 2026 11:06 PM (IST)
mini-cyclone-hits-surat-man-killed-after-hoarding-falls-during-dust-storm-711588
HIGHLIGHTS
  • વિઝિબિલિટી ઘટી જતાં વાહન ચાલકોને ભારે હાલાકી
  • કતારગામમાં ત્રીજા માળેથી પતરાનો શેડ ઉડીને નીચે પડયો

Surat: સુરતમાં આજે સાંજે અચાનક વાતાવરણમાં પલટો આવતાં મિની વાવાઝોડું ફૂંકાયું હતુ, જેના કારણે ઠેર-ઠેર વૃક્ષો અને હોર્ડિંગ્સ ધરાશાયી થવાના બનાવો સામે આવ્યા છે. જેમાં પર્વત પાટિયા વિસ્તારમાં મનપાનું તોતિંગ બોર્ડ પડતાં નીચે રહેલ યુવકનું ગંભીર ઈજા થવાથી મોત નીપજ્યું છે.

આજે સાંજના સમયે સુરતનું આકાશ કાળા ડિંબાગ વાદળોથી ઘેરાઈ ગયું હતુ. ભારે પવનના કારણે ધુળની ડમરીઓ ઉડતા વિઝિબિલિટી ઘટી ગઈ હતી. જેના કારણે વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.

લોખંડનું બોર્ડ નીચે પડતાં ઘુઘરા વેચતા યુવકનું મોત

સુરતના પર્વત પાટીયા વિસ્તારમાં મિની વાવાઝોડાએ એક યુવકનો ભોગ લીધો છે. જેમાં શહેરના કારગીલ ચોક વિસ્તારની સોસાયટીમાં રહેતો નીતિન વાજા (48) નામનો યુવક પર્વત પાટીયા વિસ્તારમાં આવેલા શાયોના પ્લાઝા નજીક ઘુઘરા વેચીને પરિવારનું ગુજરાન ચલાવતો હતો.

આજે સાંજના સમયે નીતિન પોતાની જગ્યાએ ટેબલ નાંખીને ઘુઘરા વેચી રહ્યો હતો. આ સમયે ફૂંકાયેલા મીની વાવાઝોડાના કારણે ઉપર રહેલ મનપાનું લોખંડનું વજનદાર બોર્ડ તૂટીને નીતિન પર પડ્યું હતુ. જેના કારણે ગંભીર ઈજાને પગલે નીતિનનું ઘટના સ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું છે.

ઠેર-ઠેર વૃક્ષો અને વીજ પોલ ધરાશાયી થયાની ફરિયાદ

મીની વાવાઝોડામાં શહેરના અનેક વિસ્તારોમાં ઝાડ અને વીજપોલ ધારાશાયી થયા હોવાના બનાવો સામે આવ્યા છે.

  • નાનપુરા વિસ્તારમાં વિશાળ વૃક્ષ તૂટીને કાર પર પડ્યું હતુ
  • પીપલોદ શારદાયતન સ્કૂલ નજીક પણ ઝાડ તૂટ્યું હતુ
  • ઉમરગામમાં વૃક્ષ ધરાશાયી થતાં રોડ પર વાહન વ્યવહાર બંધ કરવો પડ્યો
  • સિટી લાઈટ વિસ્તારમાં નારિયેળીનું વૃક્ષ નીચે પાર્ક વાહનો પર પડ્યું
  • સિંગણપોરમાં તોતિંગ વૃક્ષ શાક માર્કેટ પર પડ્યું

આવી જ રીતે પૂણા લેન્ડમાર્ક નજીક લોખંડનો પોલ ધરાશાયી થયો હતો. કતારગામ-ડભોલી ચાર રસ્તા પાસે કોમર્શિયલ કોમ્પલેક્સના ત્રીજા માળેથી પતરાનો શેડ ઉડીને નીચે પડ્યો હતો. હાલ તો સુરત મનપા તેમજ ફાયર વિભાગની ટીમો દ્વારા રસ્તા પર નડતરરૂપ વૃક્ષો અને હોર્ડિંગ્સને દૂર કરવાના પ્રયાસ કરવમાં આવી રહ્યા છે.