Kutch News: ભુજ તાલુકાના માધાપર ગામમાં માનવતાને શર્મસાર કરતી ઘટના સામે આવી છે. માત્ર 2 વર્ષની બાળા પર અમાનુષિ ઘટના સામે આવતા ચકચાર ફેલાઈ જવા પામી છે. મળતી માહિતી મુજબ, માધાપર ગામે જુનાવાસ વિસ્તારમાં એક દંપતિ દ્વારા તેમની જ 2 વર્ષીય માસૂમ દિકરી પર અત્યાચાર ગુજારાયો હતો. જે બાબતે એક જાગરુક નાગરિકે ફરિયાદ કરી હતી.
સાવકા પિતાનો અત્યાચાર
મળતી માહિતી મુજબ, માધાપર ગામમાં આરોપી સાવકા પિતાએ માસૂમ બાળકીને દિવાલ પર પછાડીને ગંભીર રીતે ઈજાગ્રસ્ત કરી હતી. તેમજ આવેશમાં આવીને આરોપી પિતાએ બાળકીને ઉંધી સૂવડાવીને બીડીના ડામ આપ્યા હતા. તેમજ શરીરના અન્ય ભાગો પર બચકા ભરીને લોહીલુહાણ કરી મૂક્યા હતા. ત્યારે આ અત્યાચારમાં આરોપી પિતાની સાથે બાળકીની સગી માતાએ પણ સાથ આપ્યો હતો.
આરોપી માતા-પિતા વિરુદ્ધ ગુનો
વિગતો મુજબ, બાળકીને માથાના ભાગે માર મારતા બાળકીને હેમરેજ થયું હોવાનું સામે આવ્યું છે. પોલીસ તપાસમાં બહાર આવ્યું કે, બાળકીની માતાએ પહેલા પતિ સાથે છૂટાછેડા લઈને બીજા લગ્ન કર્યા હતા. હાલ માધાપર પોલીસે બાળકીની માતા અને સાવકા પિતા વિરુદ્ધ પોક્સો સહિતની ગંભીર કલમો હેઠળ ગુનો નોંધીને કાર્યવાહી કરી છે.
