Cheetah In Gujarat: ભારતમાં ચિતાના પુન:વસવાટ માટે કેન્દ્ર સરકારે ઘણા પ્રયત્નો હાથ ધર્યા છે. આફ્રિકાથી ચિતાઓ લાવીને મધ્ય પ્રદેશના કુનો નેશનલ પાર્કમાં વસવાટ કરાવ્યા પછી, હવે ગુજરાતમાં પણ ચિત્તાઓ માટે નવું ઠેકાણું બનશે.
આ માટે નેશનલ ટાઈગર કંઝર્વેશન ઓથોરિટી અને ચીતા સ્ટીયરિંગ કમિટીએ મધ્યપ્રદેશના કુનોમાં વસવાટ કરતા બે નર અને બે માદા ચિતાઓને ગુજરાતનાં કચ્છના બન્ની ઘાસના મેદાનોમાં વસાવવાની મંજૂરી આપી છે.
ગુજરાત બનશે ચિત્તાઓનું નવું રહેણાંક
કચ્છમાં આવેલા બન્ની ઘાસ મેદાનોને ભારતના પ્રથમ ચિત્તા સંરક્ષણ સંવર્ધન કેન્દ્ર તરીકે વિકસિત કરવામાં આવી રહ્યું છે. આફ્રિકન ચિત્તાઓ ગુજરાતના બન્નીના ઘાસના મેદાનોમાં મુક્તપણે ફરી શકશે. આ વિસ્તાર મોટા ઘાસના મેદાનો, ન્યૂનતમ માનવીય હસ્તક્ષેપ તેમજ અનુકૂળ ઈકોસિસ્ટમને લીધે ચિત્તાઓ માટે નવું રહેઠાણ બનશે. નિષ્ણાંતોના જણાવ્યા મુજબ, આ મેદાનોમાં ચિત્તાઓની વસ્તીમાં વધારો થાય અને તેમની સુરક્ષા પણ જળવાય, આ બાબતે યોગ્ય રીતે ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે.
આ પણ વાંચો
આફ્રિકન ચિત્તાઓ માટે નવી ઈકોસિસ્ટમ તૈયાર
ગુજરાતમાં સ્થાનાંતરિત થનારા ચારેય ચિત્તાઓ હાલ મધ્યપ્રદેશના કૂનો ને્શનલ પાર્કમાં દેખરેખ અને પુનર્વસનની પ્રક્રિયામાંથી પસાર થઈ રહ્યા છે, અધિકારીઓ પાસેથી જાણકારી મુજબ, બન્નીના ઘાસના મેદાનોમાં ચિત્તાઓ માટે ખાસ સુવિધાઓનો વિકાસ કરવામાં આવ્યો છે. જ્યારે તેઓ અહીં આવે તો નવા વાતાવરણમાં સલામતી અને અનુકૂળ વાતાવરણ સુનિશ્ચિત થાય. ભારતમાં ચિત્તાઓની વસ્તીમાં વધારો કરવા અને તેમને વિવિધ સ્થાને સ્થાપિત કરવાની વ્યૂહરચનાના ભાગરુપે ભારત સરકારનું એક મહત્વપૂર્ણ પગલું છે.
રાજ્યના વન્યજીવન પર્યટનને મળશે વેગ
નિષ્ણાંતોના જણાવ્યા મુજબ, ગુજરાતમાં ચિત્તાઓનું અભ્યારણ્ય હશે. તો રાજ્યના પ્રવાસન ઉદ્યોગને નોંધપાત્ર લાભ પ્રાપ્ત થશે. જેવી રીતે કુનો નેશનલ પાર્કે આંતરરાષ્ટ્રીય સ્તર પર ધ્યાન ખેંચ્યું હતું. તેવી જ રીતે બન્ની ઘાસના મેદાનો પર ચિત્તા વન્યજીવ પર્યટન માટે એક મુખ્ય કેન્દ્ર તરીકે ઉભરી શકે છે. આનાથી સ્થાનિક સ્તરે રોજગારીની નવી તકો ઉભી થાય અને પર્યટન આધારિત અર્થતંત્ર મજબૂત બને તેવી અપેક્ષા છે.
ભારતમાં ચિત્તાઓની વાપસીનો તબક્કો શરુ થશે
ભારતમાં દાયકાઓ બાદ ચિત્તાઓની વાપસી એક ઐતિહાસિક વન્યજીવન સંરક્ષણ પ્રોજેક્ટ તરીકે જોવામાં આવી રહ્યો છે. ગુજરાત હવે મધ્યપ્રદેશ પછી ચિત્તાઓનું નવું નિવાસસ્થાન બનવા જઈ રહ્યું છે. આનાથી ચિત્તાઓની વસ્તીમાં વધારો થશે.ભારત સરકાર અને વન્યજીવન નિષ્ણાંતો મુજબ, જો ચિત્તાઓ માટે દેશના વિવિધ રાજ્યોમાં સુરક્ષિત રહેણાંક બનાવવામાં આવે, તો ચિત્તાઓની વસ્તીમાં વધારો થઈ શકે છે.
