Loading...

Sabarkantha: સલાલ ખાતે 'ટ્રોપિક ઓફ કેન્સર સાયન્સ પાર્ક' ખુલ્લો મૂકાયો, કર્કવૃત્ત સહિત પૃથ્વી-સૂર્ય સંબંધિત વિજ્ઞાન સમજવાની તક મળશે

8 કરોડના ખર્ચે બનેલો આ પાર્ક આશરે 5,930 ચોરસ મીટરમાં ફેલાયેલો છે.

By: Purvalak DabhiEdited By: Purvalak Dabhi Publish Date: Thu 12 Mar 2026 12:05 PM (IST)Updated: Thu 12 Mar 2026 12:05 PM (IST)
tropic-of-cancer-science-park-inaugurated-at-salal-sabarkantha-706904
HIGHLIGHTS
  • ટ્રોપિક ઓફ કેન્સર સાયન્સ પાર્ક ખુલ્લો મૂકાયો
  • 8 કરોડના ખર્ચે 5,930 ચોરસ મીટરમાં નિર્માણ
  • મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સલાલમાં કર્યું ઉદ્ઘાટન

Tropic of Cancer Science Park: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સાબરકાંઠા જિલ્લાના વિવિધ વિકાસલક્ષી કામોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કર્યું હતું. આ તકે તેમણે સલાલ ખાતે નવ નિર્મિત 'ટ્રોપિક ઓફ કેન્સર સાયન્સ પાર્ક' (Tropic of Cancer Science Park) નું પણ શાનદાર ઉદ્ઘાટન કર્યું છે. આ પાર્ક વિદ્યાર્થીઓ અને વિજ્ઞાન રસિકો માટે આકર્ષણનું નવું કેન્દ્ર બનશે.

સલાલનો 'ટ્રોપિક ઓફ કેન્સર સાયન્સ પાર્ક' 

સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર હાઇવે પર આવેલા સલાલ ખાતે આશરે 5,930 ચોરસ મીટરના વિશાળ વિસ્તારમાં 'ટ્રોપિક ઓફ કેન્સર સાયન્સ પાર્ક' વિકસાવવામાં આવ્યો છે. કર્કવૃત્તના વૈજ્ઞાનિક મહત્વ વિશે જાગૃતિ અને સમજણ લાવવાના ઉદ્દેશ્ય સાથે બનાવેલા આ પાર્કના સ્થળ પરથી જ કર્કવૃત્ત પસાર થાય છે.

8 કરોડના ખર્ચે 5,930 ચોરસ મીટરમાં નિર્માણ

આશરે 5,930 ચોરસ મીટરના વિશાળ વિસ્તારમાં બનેલા આ અત્યાધુનિક પાર્કના નિર્માણ પાછળ અંદાજિત 8 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે. ગુજરાત સરકારના વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગના નેજા હેઠળ કાર્યરત ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજી (GUJCOST) દ્વારા આ શૈક્ષણિક અને સંશોધન બિંદુ વિકસાવવામાં આવ્યું છે.

વૈજ્ઞાનિક અને ખગોળશાસ્ત્રીય મહત્વ

આ સાયન્સ પાર્ક એ જ સ્થળ પર બનાવવામાં આવ્યો છે, જ્યાંથી કર્કવૃત પસાર થાય છે. આ પાર્કનો મુખ્ય ઉદ્દેશ્ય મુલાકાતીઓ અને વિદ્યાર્થીઓને નીચે મુજબની ખગોળશાસ્ત્રીય અને વૈજ્ઞાનિક ઘટનાઓ સમજાવવાનો છે. CM પટેલે પણ પાર્કની મુલાકાત લઈને તેના ભૌગોલિક અને ખગોળશાસ્ત્રીય મહત્વ વિશે ઊંડી જાણકારી મેળવી હતી. સાથે જ ઉપસ્થિત વિદ્યાર્થીઓ સાથે સંવાદ પણ સાધ્યો હતો.

  • કર્કવૃત્તનું ભૌગોલિક અને વૈજ્ઞાનિક મહત્વ સમજાવવું
  • પૃથ્વી અને સૂર્ય વચ્ચેના સંબંધોની આકર્ષક જાણકારી
  • ઋતુઓમાં થતા ફેરફારો અને સંબંધિત વૈજ્ઞાનિક ઘટનાઓનું નિદર્શન

મુલાકાતીઓ માટેનો સમય અને પર્યટન

નેશનલ હાઇવે-48 (NH-48) પર સ્થિત હોવાથી આ પાર્ક તમામ મુલાકાતીઓ માટે વિજ્ઞાન પર્યટન અને શૈક્ષણિક કેન્દ્ર તરીકે સેવા આપશે. GUJCOST દ્વારા તમામ શાળા, કોલેજો અને યુનિવર્સિટીના વિદ્યાર્થીઓને આ પાર્કની મુલાકાત લેવા ખાસ આમંત્રણ આપવામાં આવ્યું છે. આ સાયન્સ પાર્ક મુલાકાતીઓ માટે દરરોજ સવારે 9:00 કલાકથી સાંજે 6:00 કલાક સુધી ખુલ્લો રહેશે.

'એક પેડ માઁ કે નામ' અભિયાન

આ ઉદ્ઘાટન પ્રસંગે સાયન્સ પાર્કના પ્રાંગણમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને અન્ય મહાનુભાવો દ્વારા ‘એક પેડ માઁ કે નામ’ અભિયાન અંતર્ગત વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. આ તકે અર્જુન મોઢવાડિયા, શિક્ષણ મંત્રી પ્રદ્યુમન વાજા, વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગના સચિવ, સાબરકાંઠા જિલ્લા કલેક્ટર અને જિલ્લા વિકાસ અધિકારી સહિત સ્થાનિક ધારાસભ્યો વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.