Loading...

હિંમતનગરમાં નકલી સરકારી સિક્કાનું મસમોટું કૌભાંડ ઝડપાયું: LCB એ જનસેવા કેન્દ્રના ઓપરેટર સહિત બેની ધરપકડ કરી; રૂ 1.05 લાખનો મુદ્દામાલ જપ્ત

આ સમગ્ર મામલે હિંમતનગર બી ડિવિઝન પોલીસ મથકે ગુનો નોંધવામાં આવ્યો છે.

By: Mukesh JoshiEdited By: Mukesh Joshi Publish Date: Fri 20 Mar 2026 09:15 AM (IST)Updated: Fri 20 Mar 2026 09:15 AM (IST)
scam-of-making-fake-government-stamp-aadhaar-card-caste-and-income-samples-busted-in-himmatnagar-711720

Himmatnagar News: સાબરકાંઠા જિલ્લામાં નકલી દસ્તાવેજોના આધારે આધારકાર્ડમાં છેડછાડ કરવાનું ગંભીર કૌભાંડ લોકલ ક્રાઈમ બ્રાન્ચે પકડી પાડ્યું છે. હિંમતનગરના જનસેવા કેન્દ્રમાં કામ કરતા કર્મચારીની સંડોવણીથી ચાલતા આ રેકેટમાં પોલીસે લાખો રૂપિયાના મુદ્દામાલ સાથે બે આરોપીઓની ધરપકડ કરી છે. આ આરોપીઓ મામલતદાર અને નગરપાલિકાના સિક્કાઓનો દુરુપયોગ કરી ખોટા જાતિ અને આવકના દાખલા બનાવતા હતા.

બાતમીના આધારે દરોડો

સાબરકાંઠા LCB ના PI ડી.સી. સાકરીયાના જણાવ્યા અનુસાર, પોલીસ ટીમને ટેકનિકલ દેખરેખ અને હ્યુમન સોર્સ દ્વારા પાકી બાતમી મળી હતી કે હિંમતનગરના મહેતાપુરા વિસ્તારમાં આવેલા બ્રહ્માણીનગરની એક સોસાયટીમાં નકલી દસ્તાવેજો બનાવવાની ગેરકાયદેસર પ્રવૃત્તિ ચાલી રહી છે. આ બાતમીના આધારે LCB ની ટીમે બ્રહ્માણીનગર સ્થિત વિષ્ણુનગર સોસાયટીમાં કિશોરકુમાર પ્રજાપતિના ઘરે ઓચિંતો દરોડો પાડ્યો હતો. દરોડા દરમિયાન પોલીસને ત્યાંથી વાંધાજનક સામગ્રી અને બંને આરોપીઓ રંગેહાથ મળી આવ્યા હતા.

કઈ રીતે ચાલતું હતું કૌભાંડ?

તપાસમાં બહાર આવ્યું છે કે આ કૌભાંડ પાછળનું મુખ્ય કારણ આધારકાર્ડમાં થતા સુધારા-વધારા હતા. ઘણા લોકો પાસે આધારકાર્ડ અપડેટ કરવા માટે જરૂરી કાયદેસરના દસ્તાવેજો (જેમ કે જાતિનો દાખલો કે આવકનું પ્રમાણપત્ર) હોતા નથી. આવા લોકોનો સંપર્ક કરીને આ આરોપીઓ:

  • 1) હિંમતનગર નગરપાલિકા અને મામલતદાર કચેરીના નકલી સિક્કાઓ જાતે જ બનાવી રાખ્યા હતા.
  • 2) ખોટી સહીઓ અને આ સિક્કાનો ઉપયોગ કરીને જાતિ, આવક અને EWS (આર્થિક પછાત વર્ગ) ના બોગસ દાખલાઓ તૈયાર કરતા હતા.
  • 3) આ નકલી દાખલાઓને UIDAI (આધાર) ની સત્તાવાર વેબસાઈટ પર વેલિડ દસ્તાવેજ તરીકે અપલોડ કરીને ખોટી રીતે આધારકાર્ડ અપડેટ કરી આપતા હતા.

ઝડપાયેલા આરોપીઓની ઓળખ

પોલીસે નીચે મુજબના બે આરોપીઓની ધરપકડ કરી છે:

  • 1) કિશોરકુમાર કનૈયાલાલ પ્રજાપતિ (ઉં. 32): રહે. વિષ્ણુનગર સોસાયટી, મહેતાપુરા, હિંમતનગર. જે મૂળ રાજસ્થાનના પાલી જિલ્લાનો વતની છે.
  • 2) ચંદ્રકેતુ ભરતભાઈ પ્રજાપતિ (ઉં. 35): રહે. કૃષ્ણ પાર્ક સોસાયટી, હિંમતનગર. સૌથી ચોંકાવનારી વાત એ છે કે ચંદ્રકેતુ હિંમતનગર બહુમાળી ભવનમાં આવેલા જનસેવા કેન્દ્રમાં આધાર ઓપરેટર તરીકે કામ કરતો હતો. સરકારી વ્યવસ્થામાં રહીને જ તે આ ગુનામાં સક્રિય હતો.

મુદ્દામાલની જપ્તી

પોલીસે આરોપીઓના રહેણાંક સ્થળેથી કૌભાંડમાં વપરાતા સાધનો જપ્ત કર્યા છે, જેમાં, અત્યાધુનિક લેપટોપ અને કોમ્પ્યુટર સિસ્ટમ, કલર પ્રિન્ટર અને સ્કેનર્સ, વિવિધ સરકારી કચેરીઓના નકલી સિક્કાઓ તેમજ તૈયાર કરેલા નકલી દસ્તાવેજો સહિત કુલ કિંમત રૂ 1,05,850 નો મુદ્દામાલ ઝડપાયો હતો.

આ સમગ્ર મામલે હિંમતનગર બી ડિવિઝન પોલીસ મથકે ગુનો નોંધવામાં આવ્યો છે. જનસેવા કેન્દ્રના ઓપરેટરની સંડોવણી હોવાથી પોલીસે હવે એ દિશામાં તપાસ શરૂ કરી છે કે અત્યાર સુધી કેટલા લોકોના આધારકાર્ડ આ નકલી દસ્તાવેજોના આધારે અપડેટ કરવામાં આવ્યા છે. પોલીસને આશંકા છે કે આ રેકેટના તાર અન્ય જિલ્લાઓ કે રાજ્યો સાથે પણ જોડાયેલા હોઈ શકે છે.