Loading...

Sabarkantha: મુડેટી ખાતે યાજ્ઞવલ્ક્ય વેદ સંસ્કૃત મહાવિદ્યાલયના નૂતન સંકુલનું લોકાર્પણ, CM ભુપેન્દ્ર પટેલે કર્યું ઉદ્ઘાટન

યાજ્ઞવલ્ક્ય વેદ સંસ્કૃત મહાવિદ્યાલયના નૂતન સંકુલનો ત્રિ-દિવસીય ઉદ્ઘાટન સમારોહ.

By: Purvalak DabhiEdited By: Purvalak Dabhi Publish Date: Sat 04 Apr 2026 04:57 PM (IST)Updated: Sat 04 Apr 2026 04:57 PM (IST)
sabarkantha-yajnavalkya-veda-sanskrit-mahavidyalaya-sankul-at-mudeti-721662
HIGHLIGHTS
  • વેદ સંસ્કૃત મહાવિદ્યાલયનું ઉદ્ઘાટન
  • સાબરકાંઠાના મુડેટીમાં આયોજન 
  • CM ભુપેન્દ્ર પટેલના હસ્તે લોકાર્પણ

Sabarkantha News: સાબરકાંઠા જિલ્લાના મુડેટી ખાતે આધ્યાત્મિક માહોલમાં ભગવાન યાજ્ઞવલ્ક્ય વેદ સંસ્કૃત મહાવિદ્યાલયના "નૂતન સંકુલ" નો ત્રિ-દિવસીય ઉદ્ઘાટન સમારોહ યોજાયો હતો. આ પાવન અવસરે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને શારદાપીઠાધીશ્વર જગદગુરુ શંકરાચાર્ય સ્વામી સદાનંદ સરસ્વતી મહારાજની પ્રેરક ઉપસ્થિતિ રહી હતી.

CM પટેલને 'સદધર્મ સમાજસેવા રત્ન' અર્પણ

આ વિશેષ પ્રસંગે ભગવાન યાજ્ઞવલ્ક્ય વેદ તત્વજ્ઞાન યોગાશ્રમ ટ્રસ્ટ દ્વારા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને 'સદધર્મ સમાજસેવા રત્ન' થી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ તકે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે, આ મહાવિદ્યાલય માત્ર એક સંસ્થા ન રહેતા ભારતની અનાદિકાળની વૈદિક પરંપરા અને જ્ઞાન ગંગાને નવી દિશા આપતું પવિત્ર 'ચેતના કેન્દ્ર' બનશે. 

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની રાષ્ટ્રીય શિક્ષણ નીતિનો ઉલ્લેખ કરતા મુખ્યમંત્રીએ જણાવ્યું કે, યુવાનોને સંસ્કૃતિના મૂળ સાથે જોડીને 'વિકાસ ભી, વિરાસત ભી'ના મંત્રને આ સંકુલ સાકાર કરશે. અહીંથી મળતું જ્ઞાન વિદ્યાર્થીઓને માત્ર શાસ્ત્રજ્ઞાની જ નહીં, પરંતુ રાષ્ટ્ર નિર્માણના સબળ સંવાહક બનાવશે.

સંસ્કૃત ભાષાનું મહત્વ સમજાવતા મુખ્યમંત્રીએ ઉમેર્યુ કે, સંસ્કૃત ભાષા આપણા વેદ-ઉપનિષદોનો મૂળ સ્ત્રોત છે, અને તેના વિના આપણો ઇતિહાસ સમજવો અશક્ય છે. તેમણે આંતરિયાળ વિસ્તારમાં સંસ્કૃતની સાથે અંગ્રેજી અને કોમ્પ્યુટર જેવા આધુનિક વિષયોના શિક્ષણની પણ ભારે પ્રશંસા કરી હતી.

શંકરાચાર્ય સદાનંદ સરસ્વતીના આશીર્વચન

આ પ્રસંગે આશીર્વચન પાઠવતા જગદગુરુ શંકરાચાર્ય સ્વામી સદાનંદ સરસ્વતી મહારાજે જણાવ્યું કે, સંસ્કૃત એ માત્ર ભાષા નથી પરંતુ આપણા ઋષિ-મુનિઓએ આપેલા જ્ઞાન, સંસ્કાર અને આધ્યાત્મિક વારસાનું મૂળ છે. શિક્ષણ અને સંસ્કારના આ સંગમથી આવનારી પેઢી વિશ્વભરમાં ભારતીય સંસ્કૃતિનો પ્રકાશ ફેલાવશે.

વેદ વિદ્યાલયનો ગૌરવશાળી ઈતિહાસ

ઉલ્લેખનીય છે કે, શુક્લ યજુર્વેદ અને ઉપનિષદના જ્ઞાનને જીવંત રાખવાના સંકલ્પ સાથે પૂજ્ય નર્મદાશંકર ભવાનીશંકર શુક્લ દ્વારા આ વેદ વિદ્યાલયની સ્થાપના કરવામાં આવી હતી. સમય જતાં પાંડુરંગ શાસ્ત્રીજી (દાદા) ની પ્રેરણાથી અને અનંતદેવ હરિશંકર શુક્લ તથા વૈદ્યરાજ અનિરૂદ્ધ શુક્લના સહયોગથી 1988માં ટ્રસ્ટની પુન: સ્થાપના થઈ અને 17 ફેબ્રુઆરી, 1997 ના રોજ "શ્રી ભગવાન યાજ્ઞવલ્ક્ય વેદ સંસ્કૃત મહાવિદ્યાલય" ના બીજ રોપાયા હતા.