Sabarkantha News: રાજ્ય સરકારના પ્રજાભિમુખ અભિગમ ‘સ્વાગત’ (SWAGAT) કાર્યક્રમ હેઠળ મળેલી દબાણની રજૂઆતોને પગલે જિલ્લા વહીવટી તંત્રે લાલ આંખ કરી છે. સાબરકાંઠા જિલ્લાના ઇડર તાલુકાના ચિત્રોડા અને ચોરીવાડ ગામોમાં વર્ષોથી અવરોધરૂપ બનેલા રસ્તાના દબાણો દૂર કરી અરજદારોને ન્યાય અપાવવામાં આવ્યો છે.
ચિત્રોડા ગામે રસ્તાનું દબાણ હટાવાયું
ચિત્રોડા ગામના અરજદાર જ્યોત્સનાબેન મગનભાઈ વણકર દ્વારા તેમના ઘર તરફ જતા રસ્તામાં નડતરરૂપ દબાણ બાબતે તાલુકા ‘સ્વાગત’ કાર્યક્રમમાં અરજી કરવામાં આવી હતી. આ ફરિયાદના આધારે તાલુકા પંચાયત દ્વારા રસ્તાની જગ્યાની ચોક્કસ માપણી કરવામાં આવી હતી. માપણી બાદ પોલીસ પ્રોટેક્શન હેઠળ ગ્રામ પંચાયત અને તાલુકા પંચાયતના પ્રતિનિધિઓની હાજરીમાં આ દબાણ દૂર કરી રસ્તો ખુલ્લો કરવામાં આવ્યો હતો.

ચોરીવાડ ગામે 13 ઘરોના નડતરરૂપ દબાણો પર તવાઈ
ચોરીવાડ ગામના પટેલ ફળિયામાં ખેતર તરફ જતો રસ્તો દબાણના કારણે સાંકડો થઈ ગયો હતો. ખેતરમાં બટેકાના પાકને લાવવા-લઈ જવા માટે વાહન જઈ શકે તેવી સ્થિતિ ન હોવાથી ખેડૂતે મુખ્યમંત્રીના ‘સ્વાગત’ કાર્યક્રમમાં રજૂઆત કરી હતી.
હાલમાં વિધાનસભા સત્ર અને બોર્ડની પરીક્ષાઓ ચાલતી હોવાથી ચાલુ દિવસોમાં પોલીસ બંદોબસ્ત મળવો મુશ્કેલ હતો. પરંતુ, ખેડૂતોની હાલાકીને ધ્યાને રાખી કલેક્ટરની ખાસ સૂચનાથી રવિવારના રોજ પોલીસ બંદોબસ્ત ફાળવવામાં આવ્યો હતો. મામલતદાર કચેરી, તાલુકા પંચાયત અને ગ્રામ પંચાયતના સ્ટાફે સંયુક્ત રીતે ઓપરેશન હાથ ધરી13 જેટલા ઘરોના રસ્તાને નડતરરૂપ ભાગોને દૂર કર્યા હતા.
