Loading...

Sabarkantha: ઈડર સિવિલમાં નસબંધી નિષ્ફળ, ગર્ભપાતનું ઑપરેશન કરાવ્યા છતા મહિલાને ગર્ભ રહી જતાં ગાયનેક તબીબ સામે પગલાની માગ

ગત નવેમ્બરમાં પ્રેગ્નેન્ટ મહિલા સારવાર માટે આવી હતી, જેને પહેલાથી 4 સંતાન હોવાથી ગાયનેક તબીબે ગર્ભપાતનું ઑપરેશન કરાવવાની સલાહ આપી હતી.

By: Sanket ParekhEdited By: Sanket Parekh Publish Date: Sun 29 Mar 2026 04:55 PM (IST)Updated: Sun 29 Mar 2026 04:55 PM (IST)
sabarkantha-news-woman-gets-pregnant-after-sterilization-surgery-in-idar-civil-717794
HIGHLIGHTS
  • ગર્ભવતી મહિલાના પતિએ ઈડર પોલીસ તેમજ આરોગ્ય વિભાગમાં અરજી આપી
  • ગાયનેક ડૉક્ટરની બેદરકારીના કારણે પત્ની ગર્ભવતી થઈ હોવાનો આક્ષેપ

Sabarkantha: સાબરકાંઠા જિલ્લાના ઈડરની સિવિલ હોસ્પિટલમાં ફરજ બજાવતા મહીલા તબીબ પર બેદરકારીનો આક્ષેપ કરવામાં આવ્યો છે. જેમાં તાલુકાના ગ્રામ્યની એક મહિલાએ 15 સપ્તાહ પૂર્વે સિવિલમાં ફરીવાર ગર્ભ ના રહે તે માટેનું ઓપરેશન કરાવ્યું હોવા છતાં તે ગર્ભવતી બનતા પતિએ ઈડર પોલીસમાં લેખિત અરજી આપી છે.

આ અંગે પ્રાપ્ત વિગતો પ્રમાણે, ગત નવેમ્બર મહિનામાં ઈડર તાલુકાના એક ગામની મહિલાને પેટમાં દુખાવો ઉપડતા તેનો પતિ સિવિલ હોસ્પિટલમાં લઈને આવ્યો હતો. જ્યાં તબીબી તપાસમાં મહિલા ગર્ભવતી હોવાનું નિદાન થયું હતુ.

જો કે મહિલાને પહેલાથી ચાર બાળકો હોવાથી તબીબે આ ગર્ભ પાડી દેવાનું તેમજ ભવિષ્યમાં ગર્ભ ના રહે તે માટે નસબંધીનું ઑપરેશન કરાવી દેવાની સલાહ આપી હતી. જેથી મહિલા અને તેનો પતિ સંમત થઈ જતાં એજ દિવસે ગર્ભપાત અને નસબંધીના બન્ને ઓપરેશન કરવામાં આવ્યા હતા. જે બાદ બીજા દિવસે મહિલાને રજા આપી દેવામાં આવી હતી.

ગત 16 માર્ચના રોજ મહિલાને તાવ આવતા તે ફરીથી સિવિલમાં સારવાર માટે આવી હતી. જ્યાં તપાસ કરનાર તબીબની સલાહના આધારે સોનોગ્રાફી કરાવતા મહિલાને 23 સપ્તાહનો ગર્ભ હોવાનું સામે આવ્યું હતુ.

આખરે મહિલાના પતિએ આ મામલે સિવિલ અધિક્ષકને જાણ કરીને પોતાની પત્નીનું ઑપરેશન કરનાર મહિલા તબીબ પર બેદરકારીના આક્ષેપ કર્યાં હતા. આ સાથે જ રાજ્યના આરોગ્ય વિભાગ તેમજ પોલીસને પણ અરજી આપીને પત્નીનું ઑપરેશન કરનાર ગાયનેક તબીબ વિરુદ્ધ કાયદેસરના પગલા લેવાની માંગ કરી હતી.

બીજી તરફ ઈડર સિવિલ હોસ્પિટલના અધિક્ષક સંજય ચૌહાણે મહિલા દર્દીના પતિના આક્ષેપને ફગાવતા જણાવ્યું કે, આમાં મહિલા તબીબનો કોઈ વાંક નથી. 1000 કેસમાં આવો એકાદ કેસ નિષ્ફળ જતો હોય છે.