Sabarkantha: સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર તાલુકાના દલપુર ગામમાં દીવાલ ધરાશાયી થતાં 3 લોકો કાટમાળ હેઠળ દટાઈ ગયા હોવાની ઘટના સામે આવી છે. જેમાં એક વ્યક્તિનું મોત નીપજ્યું છે, જ્યારે અન્ય બે ઘાયલ થતાં તેમને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા ચે.
આ અંગે પ્રાપ્ત વિગતો પ્રમાણે, હિંમતનગર તાલુકાના દલપુર ગામમાં એક ખાલી પ્લોટમાં પાયાનું ખોદકામ ચાલી રહ્યું હતુ. આ દરમિયાન પ્લોટને અડીને આવેલી બાજુના મકાનની દીવાલ અચાનક જમીનદોસ્ત થઈ ગઈ હતી.
આ સમયે પ્લોટમાં પાયાનું ખોદકામ કરી રહેલી બે શ્રમિકો તેમજ મકાન માલિક દીવાલના કાટમાળ હેઠળ દબાઈ ગયા હતા. આ ઘટનાના પગલે ગ્રામજનો તાત્કાલિક મદદ માટે ઘટના સ્થળે દોડી આવ્યા હતા.
આ પણ વાંચો
ગ્રામજનોએ દીવાલનો કાટમાળ હટાવીને નીચે દબાયેલા ત્રણેય લોકોને બહાર કાઢ્યા હતા. જો કે ગંભીર ઈજાના પગલે મકાનના માલિકનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતુ. જ્યારે બે શ્રમિકોને ગંભીર હાલતમાં સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. બીજી તરફ આ બનાવની જાણ થતાં પોલીસની ટીમ પણ તાત્કાલિક દલપુર ગામે દોડી આવી હતી. જ્યાં મૃતક મકાન માલિકના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે મોકલીને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
