Sabarkantha News: બ્લડ ગ્રૂપ અલગ છતાં પિતાએ પુત્રીને કિડની આપી આપ્યું નવજીવન, અમદાવાદમાં સફળ કિડની ટ્રાન્સપ્લાન્ટ કરાયુ

પ્રાઇવેટ હોસ્પિટલમાં સિઝેરિયન દ્વારા બાળકના જન્મ બાદ થયેલી સંભવિત તબીબી બેદરકારીના કારણે તેમની બંને કિડની ગંભીર રીતે અસરગ્રસ્ત થઈ હતી.

By: Rakesh ShuklaEdited By:Rakesh ShuklaPublish Date: Sun, 24 May 2026 06:34 PM (IST)Updated: Sun, 24 May 2026 06:34 PM (IST)
sabarkantha-news-ather-gives-daughter-a-new-life-through-kidney-donation-despite-blood-group-difference

Sabarkantha News: પરિવારપ્રેમ, ત્યાગ અને આધુનિક તબીબી સેવાનું પ્રેરણાદાયક ઉદાહરણ અમદાવાદ સ્થિત IKDRC અને સિવિલ હોસ્પિટલ ખાતે જોવા મળ્યું હતું, જ્યાં બ્લડ ગ્રૂપ અલગ હોવા છતાં એક પિતાએ પોતાની પુત્રીને કિડની દાન કરીને તેને નવજીવન આપ્યું હતું.

મોટા કોટડા સાસરી ધરાવતી નમ્રતાબેન છેલ્લા પાંચ વર્ષથી કિડનીની ગંભીર સમસ્યાનો સામનો કરી રહ્યા હતા. પરિવારના જણાવ્યા મુજબ, પ્રાઇવેટ હોસ્પિટલમાં સિઝેરિયન દ્વારા બાળકના જન્મ બાદ થયેલી સંભવિત તબીબી બેદરકારીના કારણે તેમની બંને કિડની ગંભીર રીતે અસરગ્રસ્ત થઈ હતી.ત્યારબાદ વિવિધ મલ્ટીસ્પેશિયાલિટી હોસ્પિટલોમાં સારવાર કરાવવા છતાં કોઈ ખાસ હકારાત્મક પરિણામ મળ્યું નહોતું.

આવી મુશ્કેલ પરિસ્થિતિમાં ઈડરના ચોરીવાડ ગામના વતની પિતા રમેશભાઈએ પોતાની પુત્રીને કિડની દાન કરવાનો સાહસિક અને લાગણીસભર નિર્ણય લીધો. બ્લડ ગ્રૂપ અલગ હોવા છતાં (ABO incompatible transplant) અમદાવાદની સરકારી સિવિલ હોસ્પિટલ અને IKDRCના નિષ્ણાત ડોક્ટરો દ્વારા અદ્યતન સારવાર, પ્લાઝમા થેરાપી અને સતત દેખરેખ હેઠળ સફળ કિડની ટ્રાન્સપ્લાન્ટ પ્રક્રિયા હાથ ધરવામાં આવી.

આ સમગ્ર સારવાર અને ઓપરેશન સરકારની આરોગ્ય યોજના હેઠળ કરવામાં આવ્યું, જેના કારણે અત્યંત ખર્ચાળ મનાતી સારવાર દર્દી માટે આશીર્વાદરૂપ બની. પરિવારજનોએ જણાવ્યું કે સરકારની યોજના હેઠળ સારવાર મળતા આર્થિક બોજમાં મોટી રાહત મળી.

આ સમગ્ર સારવાર પ્રક્રિયામાં હોસ્પિટલના ડાયરેક્ટર ડૉ. પ્રાંજલ મોદી, ડૉ. સૈયદ જમાલ રિઝવી, ડૉ. શુભો બેનર્જી, ડૉ. સુરેશ કુમાર અને ડૉ. નૌકા શાહ સહિત તમામ તબીબો, નર્સિંગ સ્ટાફ અને આરોગ્યકર્મીઓએ અત્યંત સમર્પણભાવ, સંવેદનશીલતા અને કુશળતા સાથે કામગીરી નિભાવી હતી, જે ખરેખર પ્રશંસનીય અને સરાહનીય છે.

આ ઘટના માત્ર એક સફળ કિડની ટ્રાન્સપ્લાન્ટની નથી, પરંતુ પિતા-પુત્રીના અતૂટ પ્રેમ, ત્યાગ અને વિશ્વાસનું જીવંત ઉદાહરણ છે. સાથે જ સરકારી હોસ્પિટલોમાં પણ ઉચ્ચ સ્તરની અને જટિલ સારવાર સફળતાપૂર્વક શક્ય છે તેવો મજબૂત સંદેશ સમાજ સુધી પહોંચાડે છે.