Sabarkantha Accident: હાથરોલ નજીક ગમખ્વાર અકસ્માત, કાર અને રિક્ષા ધડકાભેર અથડાઈ; ત્રણ લોકોના મોત

આ બનાવમાં ઈજાગ્રસ્ત થયેલા અન્ય બેથી વધુ લોકો હાલ સારવાર હેઠળ છે.

By: Purvalak DabhiEdited By:Purvalak DabhiPublish Date: Tue, 09 Jun 2026 12:49 PM (IST)Updated: Tue, 09 Jun 2026 12:49 PM (IST)
sabarkantha-accident-three-killed-in-car-and-rickshaw-collision-near-hathrol

Sabarkantha Road Accident: સાબરકાંઠા જિલ્લાથી માર્ગ અકસ્માતના એક ગંભીર સમાચાર સામે આવ્યા છે. હિંમતનગર તાલુકાના હાથરોલ ગામ નજીક પસાર થતા ગાંભોઈ-રણાસણ સ્ટેટ હાઇવે પર એક રિક્ષા અને કાર વચ્ચે ટક્કર થઈ હતી. આ અકસ્માતમાં ઘટનાસ્થળે જ ત્રણ લોકોના મોત નિપજ્યા છે.

રિક્ષા અને કાર વચ્ચે જોરદાર ટક્કર

આ બનાવ અંગે મળતી પ્રાથમિક માહિતી અનુસાર, ગાંભોઈ-રણાસણ સ્ટેટ હાઇવે પર હાથરોલ નજીક એક રિક્ષાના ચાલકે અચાનક ટર્ન લેવાનો પ્રયાસ કર્યો હતો. આ જ સમયે પાછળથી આવી રહેલી કાર ધડાકાભેર રિક્ષા સાથે અથડાઈ ગઈ હતી. ટક્કર એટલી જોરદાર હતી કે રિક્ષાને ભારે નુકસાન પહોંચ્યું અને તેમાં સવાર મુસાફરો ગંભીર રીતે ઘાયલ થયા હતા.

ત્રણ લોકોએ ઘટનાસ્થળે જ દમ તોડ્યો

અકસ્માત થતા અને મોટો ધડાકો સાંભળીને આસપાસના સ્થાનિક લોકો ઘટનાસ્થળે ઉમટી પડ્યા અને બચાવ કામગીરી હાથ ધરી હતી. આ દુર્ઘટનામાં રિક્ષામાં મુસાફરી કરી રહેલા ત્રણ વ્યક્તિઓના ઘટનાસ્થળે જ અથવા સારવાર દરમિયાન મોત થયા હોવાનું સામે આવ્યું છે. તમામ મૃતક મહિલા હોવાનું પણ સામે આવ્યું છે. 

આ ઉપરાંત જ કારચાલક સહિત અન્ય બેથી વધુ લોકોને ઇજાઓ પહોંચી છે. તમામ ઘાયલોને 108 એમ્બ્યુલન્સ મારફતે તાત્કાલિક વધુ સારવાર માટે હિંમતનગર સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. આ ગમખ્વાર અકસ્માતના પગલે સમગ્ર પંથકમાં ભારે શોકનો માહોલ છવાઈ ગયો છે.

ગાંભોઈ પોલીસ દ્વારા તપાસ-કાર્યવાહી

ગંભીર અકસ્માતને કારણે હાઇવે પર થોડા સમય માટે ટ્રાફિક વ્યવહાર પ્રભાવિત થયો, પરંતુ પોલીસે વાહનોની અવરજવર સુચારૂ બનાવી હતી. ઘટનાની જાણ થતાં જ ગાંભોઈ પોલીસ અને ઈમરજન્સી સેવા ટીમો તાત્કાલિક સ્થળ પર પહોંચી ગઈ હતી. પોલીસે મૃતકોની ઓળખ મેળવવા અને તેઓ ક્યાંના રહેવાસી હતા તે અંગેની તપાસ શરૂ કરી છે.

આ અકસ્માતનું ચોક્કસ કારણ જાણવા માટે પોલીસ દ્વારા સ્થળ પંચનામું, વાહનોની સ્થિતિ અને પ્રત્યક્ષદર્શીઓના નિવેદનના આધારે તપાસ ચાલી રહી છે. વધુ વિગતો પોસ્ટમોર્ટમ રિપોર્ટ અને તપાસ પૂર્ણ થયા બાદ જ સ્પષ્ટ થશે. ઈજાગ્રસ્તોની હાલત અંગે અધિકૃત માહિતીની રાહ જોવામાં આવી રહી છે.