હિંમતનગર સલૂન મર્ડર કેસમાં ચુકાદો, 2 ગુનેગારને ફાંસી- એકને સાત વર્ષની કેદ; જાણો સમગ્ર મામલો

ઈલોલ ગામમાં પૈસાની લેતીદેતીમાં સલૂન સંચાલકની હત્યા કરવામાં આવી હતી.

By: Purvalak DabhiEdited By:Purvalak DabhiPublish Date: Fri, 12 Jun 2026 10:37 AM (IST)Updated: Fri, 12 Jun 2026 10:37 AM (IST)
himatnagar-salon-murder-case-two-accused-death-sentence-gujarat-crime

Sabarkantha News, Himmatnagar Salon Murder Case: સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર તાલુકાના ઈલોલ ગામમાં ત્રણ વર્ષ અગાઉ થયેલી સલૂન સંચાલકની અત્યંત ક્રૂર હત્યાના કેસમાં અદાલતનો ચુકાદો સામે છે. હિંમતનગર સેશન્સ કોર્ટે આ સંવેદનશીલ ઘટનાને 'રેરેસ્ટ ઓફ ધ રેર' (Rarest of the Rare) કેસ ગણીને બે ગુનેગારને ફાંસીની સજા ફટકારી છે, જ્યારે અન્ય એક આરોપીને સાત વર્ષની કેદની સજા સંભળાવી છે.

પૈસા માટે રમાયો ખૂની ખેલ, શું હતો સમગ્ર મામલો? 

સરકારી વકીલ હિરેન ત્રિવેદીના જણાવ્યા અનુસાર, વર્ષ 2023માં અકબર અબ્દુલ સલામ સાની નામના યુવાને ઈલોલમાં આવેલી પોતાની સલૂનની દુકાન મોહમ્મદ નદીમ અંસારીને કોન્ટ્રાક્ટ પર આપી હતી. આ ડીલ વખતે દુકાનના સામાન પેટે રૂ. 1.50 લાખ આપવાની મૌખિક વાતચીત થઈ હતી.

જોકે, નદીમ અંસારી પૈસા આપવાના વાયદા જ કરતો હતો, જેથી અકબર સાની તેની પાસે વારંવાર ઉઘરાણી કરતો હતો. આ વાતની અદાવત રાખીને 11 માર્ચ 2023ના રોજ મોહમ્મદ નદીમ, શહેબાજ અહેમદ અને પરવેઝ મુશરફ અંસારીએ મળીને એક બાળકિશોરની હાજરીમાં અકબરને પૈસા આપવાના બહાને સલૂનમાં બોલાવ્યો હતો.

ફેસવોશના બહાને ખુરશી પર બેસાડી રહેંસી નાખ્યો

સલૂનમાં પહોંચ્યા બાદ આરોપીઓએ અગાઉથી રચેલા કાવતરા મુજબ અકબર સાનીને ફેસવોશ કરવાના બહાને ખુરશી પર બેસાડ્યો હતો. અકબર કંઈ સમજે તે પહેલા જ તેમણે કાતર અને અસ્ત્રા વડે તેની ગરદન પર ઘાતક હુમલો કરી અત્યંત ક્રૂરતાપૂર્વક હત્યા કરી નાખી હતી.

પુરાવાનો નાશ કરી મૃતદેહને ડોલમાં ભરી દીધો

હત્યા બાદ આરોપીઓએ પુરાવાનો નાશ કરવા માટે લોહીવાળા કપડાં અને અન્ય ચીજવસ્તુઓ ઈલોલથી કનાઈ જતા રોડ પર આવેલી નદીમાં ફેંકી દીધી હતી. એટલું જ નહીં, આરોપીઓએ મૃતદેહને કપડામાં બાંધી, એક પ્લાસ્ટિકની ડોલમાં ભરીને ગામની સીમમાં એક નિર્જન સ્થળે ફેંકી દીધો હતો.

પોલીસને ગેરમાર્ગે દોરવા અને ગુનો છુપાવવા માટે મોહમ્મદ નદીમે 14 માર્ચ 2023ના રોજ અકબર ગુમ થયાની ખોટી જાણ ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં કરી દીધી હતી. પરંતુ મૃતદેહ મળ્યા બાદ પોલીસ ટીમોએ FSL અને PM રિપોર્ટના આધારે ઊંડી તપાસ કરી અને આરોપીઓનો ભાંડો ફોડી નાખ્યો. 

ઓનલાઈન સુનાવણી અને કોર્ટનો આકરો ચુકાદો

હિંમતનગર ડીસ્ટ્રીકટ કોર્ટના જજ કે.આર. રબારીની કોર્ટમાં ચાર્જશીટ રજૂ કરવામાં આવી હતી. ગુરુવારે આ કેસની સુનાવણી હાથ ધરવામાં આવી હતી, જેમાં હિંમતનગર સબજેલમાં રહેલા ત્રણેય આરોપીઓને કેમેરાના માધ્યમથી ઓનલાઈન હાજર રાખવામાં આવ્યા હતા.

ન્યાયાધીશે બંને પક્ષની દલીલો અને પુરાવાનો અભ્યાસ કર્યા બાદ મુખ્ય આરોપીઓ મોહમ્મદ નદીમ મોહમ્મદ કુતબુદ્દીન અન્સારી અને શહેબાજ અહેમદ મોહમ્મદ મતલુબ (મુલતાની) અન્સારીને ફાંસીની સજાનો હુકમ કર્યો હતો. જ્યારે આ ગુનામાં સાથ આપનાર પરવેઝ મુશર્રફ નૌશાદહુસેન અન્સારીને સાત વર્ષની કેદની સજા ફટકારી છે.