Rajkot News: રાજકોટ-મોરબી હાઇવે પર આવેલા હડાળા પાટીયા પાસે બપોરના સમયે એક અત્યંત કરુણ અને હચમચાવી દે તેવી ઘટના સામે આવી છે. વડોદરાથી રોજગારીની આશા સાથે સૌરાષ્ટ્ર આવેલા 39 વર્ષીય જગદીશભાઈ રામદૂતપ્રસાદ જોશીએ આર્થિક તંગી અને કામ ન મળવાની હતાશામાં અજાણ્યા ટ્રક નીચે પડતું મૂકીને જીવન ટૂંકાવ્યું છે.
ટ્રક આગળ સૂઈ ગયો યુવક
મળતી માહિતી મુજબ, જગદીશભાઈ હડાળા પાટીયા પાસે આવેલી વિરાટ હોટલમાં આશરો લઈ રહ્યા હતા. બપોરે 12:30 વાગ્યાની આસપાસ તેઓ હોટલ પાસે ચાલીને જઈ રહ્યા હતા, ત્યારે તેમણે સામેથી પૂરઝડપે આવી રહેલા એક ટ્રક નીચે ઝંપલાવી દીધું હતું.
આપઘાત કરેલા યુવકે શું કહ્યું?
આ ઘટના બાદ એક વીડિયો વાયરલ થયો છે, જેમાં લોહીલુહાણ હાલતમાં રસ્તા પર પડેલા જગદીશભાઈ આસપાસના લોકોને સ્પષ્ટપણે કહી રહ્યા છે કે, "ગાડીવાળાનો કોઈ વાંક નથી, મેં મારી મરજીથી આપઘાત કર્યો છે." જ્યારે લોકોએ પૂછ્યું કે ડ્રાઈવરે બચાવવાનો પ્રયત્ન કર્યો હતો કે કેમ, ત્યારે તેમણે હકારમાં જવાબ આપ્યો અને ડ્રાઈવર વિરુદ્ધ કોઈ પોલીસ ફરિયાદ ન કરવા વારંવાર વિનંતી કરી હતી.
યુવકના બંને પગ કપાઈ ગયા
આ ગમખ્વાર અકસ્માતમાં જગદીશભાઈના બંને પગ કપાઈ ગયા હતા, અને તેમને શરીરે ગંભીર ઈજાઓ પહોંચી હતી. સ્થાનિક લોકો અને પોલીસની મદદથી તેમને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, પરંતુ ટૂંકી સારવાર દરમિયાન જ તેમણે દમ તોડી દીધો હતો. જગદીશભાઈના પરિવારમાં એક દીકરો અને એક દીકરી છે.
રોજગારની શોધમાં આવ્યો રાજકોટ
પોલીસની પ્રાથમિક તપાસ સામે આવ્યું છે કે, મૃતક જગદીશભાઈ છેલ્લા પાંચ દિવસથી વડોદરાથી અહીં આવ્યા હતા, અને સતત રોજગારીની શોધમાં હતા. લાંબા સમય સુધી કામ ન મળવાને કારણે તેઓ આર્થિક સંકડામણ અને અનિશ્ચિત ભવિષ્યના ડરથી માનસિક રીતે અસ્વસ્થ અને હતાશ થઈ ગયા હતા, જેના પરિણામે તેમણે આ અંતિમ પગલું ભર્યું હતું.
યુવાનનો દેહ વતન પરત મોકલાશે
આ ઘટનાની જાણ થતાં જ પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. પોલીસે મૃતકના પરિવારજનોને આ અંગે જાણ કરી છે, અને વડોદરાથી આશા લઈને આવેલા આ યુવાનનો દેહ હવે તેના માદરે વતન પરત મોકલવામાં આવશે. હાલમાં પોલીસે આ મામલે અકસ્માત મોતનો ગુનો નોંધીને આગળની કાયદેસરની તપાસ હાથ ધરી છે. આ સમગ્ર ઘટનાની જાણ થતાં પંથકમાં ભારે અરેરાટી વ્યાપી ગઈ છે.
