Loading...

RTE Admission 2026: એક દીકરીના પ્રમાણપત્ર માટે રાજકોટ મનપામાં સવારે 6 વાગ્યાથી અરજદારોની લાંબી લાઈનો લાગી

અરજદારોની કતારો વચ્ચે પ્રમાણપત્ર આપવા માટે એક જ ઑપરેટર હોવાથી જન્મ-મરણ વિભાગના મુખ્ય અધિકારી પણ મદદમાં આગળ આવ્યા.

By: Sanket ParekhEdited By: Sanket Parekh Publish Date: Sat 04 Apr 2026 09:00 PM (IST)Updated: Sat 04 Apr 2026 09:00 PM (IST)
rte-admission-2026-long-queues-at-rajkot-municipal-office-from-6-am-for-single-girl-certificate-721747
HIGHLIGHTS
  • નાની દીકરીઓ સાથે માતાઓ લાંબી લાઈનોમાં ઉભી રહેવા મજબૂર

Rajkot RTE Admission 2026: રાઈટ ટુ એજ્યુકેશન (RTE) માટે એક માત્ર દીકરી હોવા અંગેના પ્રમાણપત્ર આપવાનો રાજકોટ મહાનગરપાલિકામાં આજથી પ્રારંભ કરવામાં આવ્યો છે.

અગાઉ જાહેરાત કરેલ હોવાથી આજે વહેલી સવારે છ વાગ્યાથી અરજદારોએ લાઈનો લગાવી હતી. જેની સામે પ્રમાણપત્ર કાઢવા માટે ફકત એક ઓપરેટર હોવાથી જન્મ મરણ વિભાગનાં મુખ્ય અધિકારી પણ સ્ટાફના અભાવે લોકોની મદદગારી કરવા ફોર્મ ભરવા સહિતના કામો કરવા લાગ્યા હતાં.

જ્યારે ઈસ્ટ ઝોન કચેરી ખાતે સુવિધા ન મળતાં આ વિસ્તારનાં લોકો સેન્ટ્રલ ઝોન ખાતે આવી અમારા વિસ્તારને શા માટે બાકાત રાખવામાં આવ્યો છે? તે પ્રકારના બળાપા કાઢતાં જોવા મળ્યા હતાં.

એક માત્ર દીકરીના પ્રમાણપત્ર માટે આજે મહાનગરપાલિકાની સેન્ટ્રલ ઝોન કચેરી અને વેસ્ટ ઝોન કચેરી ખાતે મોટી સંખ્યામાં અરજદારો ઉમટી પડયા હતાં. સેન્ટ્રલ ઝોન કચેરી ખાતે પ્રથમ વખત કોઈ પ્રમાણપત્ર મેળવવા માટે લોકોએ સવારે છ વાગ્યાથી લાઈન લગાવી હોય તેવો પ્રથમ બનાવ હતો.

નાની નાની દીકરીઓ સાથે માતાઓએ લાઈનમાં ઉભી પ્રમાણપત્ર માટે કયારે વારો આવે તેની રાહ જોતા જોવા મળ્યા હતાં. જ્યારે ઈસ્ટ ઝોનમાં આ કામગીરી થતી ન હોવાથી આ વિસ્તારનાં અનેક લોકો પણ સેન્ટ્રલ ઝોન કચેરી ખાતે ઉમટી પડતાં જન્મ-મરણ વિભાગમાં થતી કામગીરી દરમિયાન અરજદારોની લાંબી લાઈનો જોવા મળી હતી.

આજે અરજદારો મોટી સંખ્યામાં આવશે, તેમ જાણતા હોવા છતાં તંત્ર દ્વારા વધુ કીટ અને વધુ ઓપરેટર દ્વારા કામગીરી શરૂ ન કરાતા અરજદારો અને ખાસ કરીને મહિલાઓમાં ભારે નારાજગી જોવા મળી હતી અને આ મુદ્દે ઉચ્ચ અધિકારીઓને રજૂઆત કરી હોવાનું જાણવા મળેલ છે.