Rajkot News: રાજકોટના વ્યસ્ત ગણાતા રૈયા રોડ પર આજે સવારે એક અત્યંત કંપાવનારો અને કાળજું કંપાવી દેતો અકસ્માત સર્જાયો હતો. આમ્રપાલી અંડરબ્રિજમાંથી બહાર નીકળેલી એક પૂરપાટ ઝડપે જતી કાળા રંગની વર્ના કારે સ્પીડબ્રેકર પર કાબૂ ગુમાવ્યો હતો.
કાર હવામાં આશરે 4 થી 5 ફૂટ ઊંચી ઉછળી હતી અને રસ્તા પરથી પસાર થતા એક મોપેડ સવાર વૃદ્ધને જોરદાર હડફેટે લીધા હતા. ટક્કર એટલી ભયાનક હતી કે, વૃદ્ધ ફૂટબોલની જેમ હવામાં ફંગોળાઈને રસ્તા પર પટકાયા હતા.

કારચાલકે વૃદ્ધને અડફેટે લીધા
અકસ્માત સર્જ્યા બાદ કાર ચાલકે ઊભા રહેવાના બદલે ઘટનાસ્થળેથી ભાગવાનો પ્રયાસ કર્યો હતો. આ નાસભાગમાં કારે આગળ જતાં બીજા બે વાહનોને પણ અડફેટે લીધા હતા. અંતે 200 મીટર દૂર એક શેરીમાં વળવા જતાં કાર રસ્તા કિનારે આવેલા વૃક્ષ પાસેના બોર્ડ સાથે ધડાકાભેર અથડાઈને અટકી ગઈ હતી. અકસ્માત એટલો પ્રચંડ હતો કે, કારની એરબેગ્સ ખુલી ગઈ હતી.

કાર ચાલક અને શખ્સો ફરાર થયા
ટક્કર બાદ કાર ચાલક અને તેમાં સવાર અન્ય શખ્સો ગાડી રેઢી મૂકીને સ્થળ પરથી ફરાર થઈ ગયા હતા. આ અકસ્માતને પગલે રૈયા રોડ પર ભારે અફરાતફરી મચી ગઈ હતી અને લોકોના ટોળેટોળા એકઠા થઈ ગયા હતા. સ્થાનિક લોકો દ્વારા ઈજાગ્રસ્ત વૃદ્ધને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા હતા.

કાર ચાલક સગીર હોવાની આશંકા
આ સમગ્ર ઘટનાના કંપાવનારા CCTV ફૂટેજ પણ સામે આવ્યા છે, જેમાં કારની બેફામ ગતિ અને અકસ્માતનો ભયાનક દ્રશ્ય સ્પષ્ટ જોઈ શકાય છે. આશ્ચર્યની વાત એ છે કે અકસ્માત સર્જનાર કારની પાછળના ભાગે કોઈ નંબર પ્લેટ નહોતી. પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા મુજબ કાર કોઈ સગીર વયનો છોકરો ચલાવી રહ્યો હતો. હાલ આ મામલે સ્થાનિક પોલીસે ગુનો નોંધી ફરાર કાર ચાલકની શોધખોળ અને આગળની કાયદેસરની તપાસ હાથ ધરી છે.
