ચોટીલા પાસે હિટ એન્ડ રનઃ પીપળિયા ગામે દર્શને જતાં રાજકોટના બે પિતરાઈના મોત

ચોટીલા નજીક સાંગાણી ગામના ઓવરબ્રીજ પાસે પહોંચતાં પુરપાટ ઝડપે ધસી આવેલા આઈસર ચાલકે બાઈકને ઠોકરે ચડાવતાં બન્ને પિતરાઈ ભાઈઓ બાઈક સાથે ફંગોળાયા હતાં.

By: Rakesh ShuklaEdited By:Rakesh ShuklaPublish Date: Tue, 09 Jun 2026 03:52 PM (IST)Updated: Tue, 09 Jun 2026 03:52 PM (IST)
hit-and-run-near-chotila-two-cousins-from-rajkot-died-on-way-to-pipaliya-temple

Rajkot News: રાજકોટ અમદાવાદ હાઈવે જાણે ગોઝારો બન્યો હોય તેમ અવારનવાર જીવલેણ અકસ્માત સર્જાઈ રહ્યાં છે ત્યારે વધુ એક બનાવમાં રાજકોટથી સુરેન્દ્રનગરના પીપળીયા ગામે રામાપીરના મંદિરે દર્શન કરવા જતાં રાજકોટનાં બે પિતરાઈ ભાઈના બાઈકને ઠોકરે ચડાવી આઈસર ચાલક નાસી છુટયો હતો. હિટ એન્ડ રનની ઘટનામાં ઘવાયેલા બન્ને પિતરાઈ ભાઈઓના મોત નિપજતાં પરિવારમાં અરેરાટી સાથે શોકની લાગણી પ્રસરી છે.

આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ, રાજકોટમાં રામાપીર ચોકડી પાસે રહેતાં જતીનભાઈ રણછોડભાઈ ભલસોડ (ઉ.26) અને તેનો પિતરાઈ ભાઈ મયુર ભગવાનભાઈ ભલસોડ (ઉ.24) બાઈક લઈ રાજકોટથી સુરેન્દ્રનગર તરફ જઈ રહ્યા હતાં ત્યારે ચોટીલા નજીક સાંગાણી ગામના ઓવરબ્રીજ પાસે પહોંચતાં પુરપાટ ઝડપે ધસી આવેલા આઈસર ચાલકે બાઈકને ઠોકરે ચડાવતાં બન્ને પિતરાઈ ભાઈઓ બાઈક સાથે ફંગોળાયા હતાં.

અકસ્માત સર્જી આઈસર ચાલક નાસી છુટયો હતો. હિટ એન્ડ રનની ઘટનામાં ગંભીર રીતે ઘવાયેલા મયુરભાઈ ભલસોડનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું. જ્યારે જતીનભાઈ ભલસોડને તાત્કાલીક સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં. જ્યાં જતીનભાઈ ભલસોડનું પણ મોત નિપજતાં પરિવારમાં અરેરાટી સાથે ગમગીની છવાઈ જવા પામી છે.

પ્રાથમિક પુછપરછમાં મૃતક બન્ને યુવાન મુળ જામજોધપુરના તરસાઈ ગામના વતની હતાં. મયુરભાઈ રાજકોટમાં રામાપીર ચોકડી પાસે ગાડીના પાર્ટની દુકાન ધરાવતાં હતાં અને બે ભાઈ એક બહેનમાં મોટો અને અપરિણીત હતો. જ્યારે જતીનભાઈ બે ભાઈ એક બહેનમાં મોટો અને અપરિણીત હતો અને રાજકોટમાં બહેન સાથે રહી બ્લોક બેરીંગનો ધંધો કરતો હતો. બન્ને પિતરાઈ ભાઈઓ સુરેન્દ્રનગરનાં પીપળીયા ગામે આવેલા રામાપીરના મંદિરે દર્શન કરવા જતાં હતાં ત્યારે જીવલેણ અકસ્માત નડયો હોવાનું જાણવા મળ્યું છે. આ બનાવ અંગે ચોટીલા પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.