Rajkot Accient: ગોંડલ અને આટકોટ વચ્ચેના હાઈવે પર ગત રાત્રે એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો, જેમાં કાર રસ્તા પરથી નીચે ખાબકતા આગનો ગોળો બની ગઈ હતી. આ હૃદયદ્રાવક ઘટનામાં છોટાઉદેપુર જિલ્લાના ત્રણ શિક્ષકોના ઘટનાસ્થળે જ હોમાઈ ગયા હતા. કરૂણતા એ છે કે, મૃતકોમાં એક માતાનો સમાવેશ થાય છે જેઓ ગોંડલ ગુરુકુળમાં ભણતા પોતાના બીમાર પુત્રને લેવા માટે જઈ રહ્યા હતા.
પુલ પરથી 8 ફૂટ નીચે પટકાઈ કાર
પ્રાપ્ત વિગતો મુજબ, ગોંડલ-આટકોટ હાઈવે પરથી પસાર થતી એક કાર અચાનક કાબુ ગુમાવતા પુલ નીચે ખાબકી હતી. સીસીટીવી ફૂટેજમાં સ્પષ્ટ દેખાય છે કે કાર આટકોટથી ગોંડલ તરફ જઈ રહી હતી ત્યારે આ અકસ્માત સર્જાયો હતો. અકસ્માત બાદ કારમાં ભીષણ આગ લાગી હતી, જેના કારણે અંદર બેઠેલા ત્રણેય વ્યક્તિઓ બહાર નીકળી શક્યા ન હતા અને જીવતા ભૂંજાયા હતા. આગ એટલી વિકરાળ હતી કે કારની નંબર પ્લેટ પણ બળીને ખાખ થઈ ગઈ હતી, જેના લીધે શરૂઆતમાં મૃતકોની ઓળખ કરવી પોલીસ માટે પડકારરૂપ બની હતી.
બચાવની તક જ ન મળી
આ કરુણ ઘટના પાછળનું કારણ જાણવા મળતા સૌની આંખો ભીની થઈ ગઈ હતી. મૃતક આશાબેન ચૌધરીના પુત્ર હેતકુમાર ગોંડલ સ્વામીનારાયણ ગુરૂકુળમાં ધોરણ-૧૦માં અભ્યાસ કરે છે. હેતકુમારની તબિયત સારી ન હોવાથી ગુરુકુળમાંથી આશાબેનને ફોન આવ્યો હતો. રાત્રિનો સમય હોવાથી આશાબેને તેમની સાથે જ નોકરી કરતા નિતાબેન પટેલને સાથે આવવા વિનંતી કરી હતી. વાહનની સુવિધા ન હોવાથી મોટી સઢલી શાળાના આચાર્ય પ્રયાગકુમાર બારૈયા પોતાની કાર લઈને બંનેને મદદ કરવા ગોંડલ આવવા નીકળ્યા હતા. જોકે, વિધાતાને કંઈક અલગ જ મંજૂર હતું અને દીકરાને મળે તે પહેલાં જ રસ્તામાં માતા સહિત ત્રણેયનું કરુણ મોત નીપજ્યું હતું.
કારમાંથી માત્ર હાડપિંજર મળ્યા
પોલીસ કાર્યવાહી અને FSL તપાસ ઘટનાની જાણ થતા પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. મૃતદેહો ખરાબ રીતે બળી ગયા હોવાથી ઓળખ માટે રાજકોટ FSLની મદદ લેવામાં આવી હતી. મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે જસદણ અને ત્યારબાદ રાજકોટ ખસેડવામાં આવ્યા હતા. આ ઘટનાને પગલે છોટાઉદેપુરના શિક્ષણ જગતમાં ઘેરા શોકની લાગણી પ્રસરી ગઈ છે.
પોલીસ તપાસ શરૂ
ગોંડલ તાલુકા પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે. પ્રાથમિક અંદાજ મુજબ, વહેલી સવારના ધુમ્મસને કારણે અથવા ડ્રાઈવરને ઉંઘનું જોકું આવી જતાં અકસ્માત સર્જાયો હોવાનું મનાય છે. હાલમાં કારના નંબર અને એન્જિન નંબરના આધારે મૃતકોની ઓળખ વિધિ કરવા માટેની તજવીજ હાથ ધરવામાં આવી છે.
મૃતકોની યાદી
1) પ્રયાગકુમાર ગણપતસિંહ બારીયા ગૃપાચાર્ય, મોટી સઢલી પ્રાથમિક શાળા, છોટાઉદેપુર
2) આશાબેન સત્યપાલ ચૌધરી શિક્ષિકા, ગાંઠિયા પ્રાથમિક શાળા, છોટાઉદેપુરૉ
3) નિતાબેન એન્થની પટેલશિક્ષિકા, ગાંઠિયા પ્રાથમિક શાળા, છોટાઉદેપુર
