Loading...

ગોંડલના સ્ક્રેપના વેપારી સાથે લાખોની છેતરપિંડી, જાણો ભેજાબાજે કેવી રીતે કરી ગોલમાલ

ગોંડલના સ્ક્રેપના વેપારીની સાથે રૂ. 28.69 લાખની છેતરપિંડી કરનાર જૂનાગઢના વંથલીના બે શખ્સો સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે.

By: Purvalak DabhiEdited By: Purvalak Dabhi Publish Date: Mon 19 Jan 2026 04:12 PM (IST)Updated: Mon 19 Jan 2026 04:12 PM (IST)
junagadh-police-complaint-against-two-men-for-cheating-a-scrap-dealer-from-gondal-676604
HIGHLIGHTS
  • ગોંડલના સ્ક્રેપના વેપારી સાથે થઈ લાખોની છેતરપિંડી
  • જૂનાગઢના બે શખ્સો ભંગારના વેપારના નામે કર્યો ફ્રોડ
  • ફ્રોડ કરનાર બે શખ્સો સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે

Gondal scrap dealer fraud: ગોંડલના ભંગારના વેપારી સાથે બે શખ્સોએ રૂ. 28.69 લાખની છેતરપિંડી કરી હોવાની પોલીસ ફરિયાદ નોંધાઈ છે. બે શખ્સોએ વિશ્વાસ કેળવી પ્લાસ્ટિકનો સ્ક્રેપ અલગ-અલગ વાહનોમાં ભરી વજન કરી વેપારીને ત્યાં ખાલી ગાડીઓનો વજન કર્યો હતો. આ દરમિયાન વજન કાંટા ચીઠ્ઠીમાં કાયદેસરના વજન કરતા ઓછો દર્શાવી વેપારી સાથે છેતરપિંડી કર્યાનો આરોપ છે.

ગોંડલના સ્ક્રેપના વેપારી સાથે થઈ છેતરપિંડી

મળતી વિગતો મુજબ ગોંડલના ધર્મેશ ચંદુલાલ ચાંગેલાએ નોંધાવેલી ફરિયાદમાં વંથલીના હિતેશ ગોવિંદ બારીયા અને ઉપલેટાના અમિત બારિયાનું નામ આપ્યું છે. ફરિયાદમાં જણાવ્યા મુજબ ધર્મેશભાઈ જામવાડી ગામે આવેલ ખાડિયા વિસ્તારમાં જય પેટ ઇન્ટરનેશલ નામે પ્લાસ્ટીકના સ્ક્રેપનો ધંધો આશરે 15 વર્ષથી કરે છે.

આરોપીએ સાથે વેપાર કરવા કરી ઓફર

દોઢેક વર્ષ પહેલા તેમના મિત્ર ગોંડલના હિરેનભાઈએ ફોન પર જણાવ્યું કે, તેમના મિત્ર હિતેશભાઈ તથા અમીતભાઈનો જેતપુરમાં ભંગારનો ડેલો આવેલો છે. તેઓ પ્લાસ્ટિક બોટલનો ભંગાર વેચાણ કરે છે. તમારે પણ પ્લાસ્ટિક બોટલના સ્ક્રેપની જરૂર પડે છે, તો તમે એકબીજાને મળી લો અને અનુકૂળ લાગે ધંધો કરજો.

ભેજાબાજોની મોડસ ઓપરેન્ડી

આ વાત થયાના સાતેક દિવસ બાદ હિરેનભાઈ મારફતે હિતેશભાઈ તથા અમીતભાઈ કારખાને આવ્યા અને ફરિયાદી સાથે મુલાકાત કરી અને ધંધા બાબતે વાતચીત કરી હતી. મુલાકાત થયા બાદ બે-ત્રણ દિવસ પછી હીતેશભાઈ બારીયા એક બોલેરોમાં પ્લાસ્ટિક ભંગાર ભરીને આવ્યા હતા. જેથી ફરિયાદીએ આ ભંગારનો વજન જામવાડી ખાડિયા વિસ્તારમાં આવેલ વ્રજ કોલ્ડ એન્ડ વે બ્રીજ નામના વજન કાંટા પર કરાવી ખરીદી લીધો હતો.

ત્યારબાદ હિતેશભાઈ અને અમિતભાઈ અવારનવાર ફરિયાદીના કારખાને પ્લાસ્ટિકનો સ્ક્રેપ વેચવા આવતા, અને જામવાડી ખાડિયા વિસ્તારમાં આવેલ વ્રજ કોલ્ડ એન્ડ વે બ્રિજ ખાતે વજન કરાવી ખરીદી કરતા હતા. જોકે, ભંગાર ભરેલ ગાડીનો વજન કરાવતા સમયે ફરિયાદી સાથે રહેતા હતા, જ્યારે ખાલી ગાડીનો વજન કરાવતી વખતે સાથે જતા ન હતા. ખાલી ગાડીનો વજન કાંટા ચિઠ્ઠી આપતા નક્કી થયા ભાવ મુજબ રૂપિયા આપી દેતા હતા.

જૂનાગઢના બે શખ્સ સામે પોલીસ ફરિયાદ

ધર્મેશભાઈને થોડા દિવસ બાદ વજન બાબતે શંકા જતા ભંગાર ભરેલ તથા ખાલી ગાડીના વજનની ચીઠ્ઠી જોતા ફેરફાર હોવાનું ધ્યાને આવ્યું હતું. આરોપી વજન બાબતે ગડબડ કરી ખાલી ગાડીના વજનમાં ફેરફાર કરી કાયદેસરના વજન કરતા ઓછો બતાવી રૂપિયા લઈ ગયા હતા. આ રીતે વેપાર દરમિયાન રૂ. 28.69 લાખની છેતરપિંડી કરી હોવાની પોલીસ ફરિયાદ નોંધાવી હતી.