Porbandar: પોરબંદર જિલ્લાના રાણા રોજીવડા ગામમાં આજે એક કરુણ ઘટના સામે આવી છે. જેમાં સ્કૂલમાંથી છૂટીને તળાવમાં ન્હાવા પડેલા બે તરુણો ઊંડા પાણીમાં ગરકાવ થઈ મોતને ભેટ્યા છે. આ ઘટનાને પગલે સમગ્ર પંથકમાં ગમગીની છવાઈ જવા પામી છે.
શાળાએથી છૂટીને નેસડા તળાવમાં ન્હાવા પડતા જ તણાયા
આ અંગે પ્રાપ્ત વિગતો પ્રમાણે, ભાણવડ નજીકના રાણા રોજીવડા ગામમાં રહેતા બે વિદ્યાર્થીઓ આજે શાળા છૂટ્યા બાદ ઘરે પરત ફરતી વખતે ગામમાં આવેલા નેસડા તળાવમાં ન્હાવા માટે પડ્યા હતા. તળાવમાં પડતાં વેંત બન્ને તરુણો ઊંડા પાણીમાં તણાવા લાગ્યા હતા.
બીજી તરફ આ ઘટનાની જાણ થતાં સ્થાનિકો તાત્કાલિક બચાવવા માટે દોડી આવ્યા હતા અને બન્ને તરુણોને બહાર કાઢ્યા હતા, પરંતુ કમનસીબે ડૂબી જવાથી બન્નેના મોત થઈ ચૂક્યા હતા.
આ બાબતની જાણ થતાં બગવદર પોલીસ મથકની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી. જેમણે પંચનામું કર્યાં બાદ બન્ને તરૂણોના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ભાણવડ સિવિલમાં મોકલી આપીને આગળની તપાસ હાથ ધરી હતી.
પોલીસની પ્રાથમિક તપાસમાં મૃતક તરુણોની ઓળખ નિખિલ ટોરીયા (11) અને સુમિત સોલંકી (12) તરીકે થઈ છે. જે પૈકી સુમિત પરિવારમાં પાંચ બહેનો વચ્ચે એકનો એક જ ભાઈ હતી. લાડકવાયાના મોતથી બન્ને પરિવારોમાં તેમજ નાના એવા રોજીવડા ગામમાં શોકનું મોજું ફરી વળ્યું છે.
