પોરબંદરમાં આકાર લેશે ભારતનો પ્રથમ વર્લ્ડ-ક્લાસ ફર્નિચર પાર્ક અને મેગા શિપબિલ્ડિંગ પાર્ક

ગુજરાત હવે ફર્નિચર અને વહાણ બાંધકામ ક્ષેત્રે ગ્લોબલ હબ બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારના સહયોગથી પોરબંદરના ભારવાડા અને કુછડી ખાતે બે મેગા પ્રોજેક્ટ્સ શરૂ થશે,

By: Jignesh ParmarEdited By:Jignesh ParmarPublish Date: Fri, 12 Jun 2026 09:19 AM (IST)Updated: Fri, 12 Jun 2026 09:19 AM (IST)
porbandar-furniture-park-and-mega-shipbuilding-park-gujarat

Porbandar Furniture Park: ગુજરાત હવે ફર્નિચર ઉત્પાદન અને શિપબિલ્ડિંગ ક્ષેત્રે વૈશ્વિક હબ બનવા તરફ આગળ વધી રહ્યું છે. કેન્દ્ર અને રાજ્ય સરકારના સંયુક્ત પ્રયાસોથી પોરબંદરમાં ટૂંક સમયમાં બે મોટા પ્રોજેક્ટ્સ શરૂ થવા જઈ રહ્યા છે. આ અંગે વિગતો જાહેર કરવા માટે એક ઉચ્ચ સ્તરીય બે દિવસીય સેમિનારનું આયોજન પણ કરવામાં આવ્યું છે.

આ બંને ભવ્ય પ્રોજેક્ટ્સના સત્તાવાર લોન્ચિંગ અને તેના રોડમેપની જાહેરાત માટે આયોજિત સેમિનારમાં કેન્દ્ર અને રાજ્ય સરકારના મંત્રીઓ તેમજ ઉચ્ચ સચિવો (સેક્રેટરીઓ) ખાસ ઉપસ્થિત રહેશે અને વિગતવાર પ્લાન રજૂ કરશે.

ફર્નિચર ઉત્પાદનમાં ગુજરાતનું વર્ચસ્વ અને નવો ફર્નિચર પાર્ક

ભારતમાં આયાત થતા લાકડા અને તેના પર આધારિત ફર્નિચર મેન્યુફેક્ચરિંગ સેક્ટરમાં ગુજરાત એકલું 70 ટક્કાની જંગી હિસ્સેદારી ધરાવે છે. આ સિવાય, દેશના કુલ ફર્નિચર માર્કેટમાં મધ્ય પશ્ચિમ ભારત એટલે કે, મહારાષ્ટ્ર્, ગુજરાત અને મધ્યપ્રદેશનો હિસ્સો 26.40 ટકા જેટલો છે.

  • ફર્નિચર પાર્કની વિશેષતા: પોરબંદરના ભારવાડા ખાતે 1,914 હેક્ટર જમીન પર મોટો ફર્નિચર પાર્ક બનાવવામાં આવશે.
  • સરળ ઈકોસિસ્ટમ: આ પ્રસ્તાવિત પાર્ક નજીક ત્રણ જીઆઈડીસી આવેલી છે. જેના કારણે, કાચો માલ, કટિંગ, ડિઝાઈનિંગ, પ્રોસેસિંગ અને ફિનિશિંગ જેવી સુવિધાઓ આ ઓદ્યોગિક ક્ષેત્રમાં સરળતાથી પ્રાપ્ત થશે.
  • આંતરરાષ્ટ્રીય સહયોગ: આ પ્રોજેક્ટ માટે ઈટાલી અને વિશ્વની ટોચની 25 નામાંકિત ફર્નિચર કંપનીઓએ રસ દાખવ્યો છે.
  • કનેક્ટિવિટી: પોરબંદરમાં પોર્ટ, રેલ્વે, અને રોડ નેટવર્કની ઉત્તમ કનેક્ટિવિટી હોવાથી અહીં તૈયાર થયેલ ફર્નિચર ખૂબ જ ઓછા ખર્ચે દેશ-વિદેશમાં એક્સપોર્ટ કરી શકાશે.

હાલમાં ભારતમાં આ પ્રકારનો સંપૂર્ણ ઔદ્યોગિક ફર્નિચર પાર્ક માત્ર તમિલનાડુના તૂતૂકુડી ખાતે જ કાર્યરત છે.

પોરબંદરનો વારસો

પોરબંદર વર્ષ 1975 સુધી પેસેન્જર જહાજોના નિર્માણ અને રિપેરિંગનું મોટું કેન્દ્ર હતું. આ ઉપરાંત, આફ્રિકન દેશોમાંથી આવતું લાકડું ગુજરાતના દરિયાકાંઠેથી જ વિયેતનામ અને ચીન તરફ જાય છે. પોરબંદર તેની પરંપરાગત લાકડાની પ્રખ્યાત પેટી માટે પણ જાણીતું છે. હાલમાં ભારતીય બજારમાં ચાઈના અને વિયેતનામના ફર્નિચરની મોટી માંગ છે, જેને ટક્કર આપવા માટે આ લોકલ પ્રોજેક્ટ ખૂબ મહત્વનો સાબિત થશે.

કુછડી ખાતે બનશે 'મેગા શિપબિલ્ડિંગ પાર્ક'

પોરબંદરને ફરી શિપબિલ્ડીંગ ક્ષેત્રે ધમધમતુ કરવા માટે ગુજરાત મેરિટાઈમ બોર્ડ (GMB) દ્વારા એક વિશેષ યોજના તૈયાર કરવામાં આવી છે. પોરબંદરના કુછડી ગામે 809 હેક્ટર જમીનમાં આ મેગા પાર્ક બનાવવાની દરખાસ્ત છે. રાજ્ય સરકાર વહાણ બાંધકામ, કેબિન-ઓફિસ કંટ્રોલ રૂમ અને લાઈટવેઈટ ફર્નિચરથી શિપ તૈયાર કરતા ઉદ્યોગો માટે ટૂંક સમયમાં જ એક નવી પ્રોત્સાહક પોલિસી અમલમાં મૂકશે.