Porbandar Furniture Park:પોરબંદર બનશે નવું ગ્લોબલ હબ, કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયાની આગેવાનીમાં વૈશ્વિક વેપારની રૂપરેખા તૈયાર કરવામાં આવી

ગુજરાત સરકાર અને ભારત સરકારના સંકલનથી આ પ્રોજેક્ટ આગામી સમયમાં સાકાર થશે. આ માટે 100 હેક્ટર જમીનની પણ પસંદગી કરવામાં આવી છે.

By: Nilesh ZinzuwadiaEdited By:Nilesh ZinzuwadiaPublish Date: Sat, 13 Jun 2026 11:20 PM (IST)Updated: Sat, 13 Jun 2026 11:21 PM (IST)
porbandar-will-become-a-new-global-hub-a-global-trade-roadmap-was-prepared-under-the-leadership-of-union-minister-mansukh-mandaviya

Porbandar Furniture Park Roadmap:પોરબંદરમાં કેન્દ્રીય શ્રમ અને રોજગાર મંત્રી ડો.મનસુખભાઈ માંડવીયાના અધ્યક્ષ સ્થાને વિકસિત પોરબંદર ફર્નિચર પાર્ક સમિટ આજે સફળતાપૂર્વક સંપન્ન થઈ હતી. આ સમિટમાં દેશના ફર્નિચર ઉદ્યોગ સાથે જોડાયેલા ઉદ્યોગકારોએ કેન્દ્ર અને રાજ્ય સરકારની પ્રોત્સાહક નીતિની જાણકારી મેળવીને સરકાર દ્વારા પોરબંદરમાં થઈ રહેલા આયોજનો અને ઉદ્યોગકારોને મળનારી સુવિધાઓની જાણકારી મેળવી પોરબંદર દરિયા કાંઠે હોવાથી વૈશ્વિક વ્યાપારની કનેક્ટિવિટી ની વિપુલ સંભાવના ને કારણે અનુકૂળ રહેશે તેવો પ્રતિભાવ આપ્યો હતો.

પોરબંદરના સાંસદ અને કેન્દ્રીય મંત્રી ડો મનસુખભાઈ માંડવીયાએ ઉદ્યોગકારો નિકાસકારો અને પોરબંદરના સ્થાનિક મુખ્ય વેપારીઓ ઉપરાંત વૈશ્વિક વેપાર સાથે સંકળાયેલી ભારતની અગ્રણી સંસ્થાઓના પ્રતિનિધિઓ સાથે સંવાદ કરી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં વિકસિત પોરબંદર-વિકસિત ગુજરાત થી વિકસિત ભારત ના સંકલ્પમાં આ ફર્નિચર પાર્ક મહત્વની ભૂમિકા ભજવશે અને પોરબંદર- સૌરાષ્ટ્રની વૈશ્વિક કનેક્ટિવિટી વધશે તેની રૂપરેખા આપી હતી.

પોરબંદર નજીક ફર્નિચર પાર્ક માટે સૂચિત સાઈટ નક્કી કરવામાં આવી છે. ગુજરાત સરકાર અને ભારત સરકારના સંકલનથી આ પ્રોજેક્ટ આગામી સમયમાં સાકાર થશે. આ માટે 100 હેક્ટર જમીનની પણ પસંદગી કરવામાં આવી છે. અને તેને સંપાદન કરવાની કાર્યવાહી થઈ રહી છે .પોરબંદર નજીક શિપ બિલ્ડીંગ ક્લસ્ટર કુછડી પાસે તૈયાર કરવાનો પણ પ્રસ્તાવ નક્કી કરવામાં આવ્યો હતો. આવતીકાલે તા.14 જુનના રોજ ભારવાડા કુછડી સહિતના વિસ્તારોની ઉદ્યોગકારો મુલાકાત લેશે.

પોરબંદર ખાતે આયોજિત 'વિકસિત પોરબંદર ફર્નિચર પાર્ક સમિટ' માં કેન્દ્રીય કેબિનેટ મંત્રી ડો.મનસુખભાઈ માંડવીયાએ ભારતની વર્તમાન વૈશ્વિક સ્થિતિ, આર્થિક તકો અને પોરબંદરમાં ઔદ્યોગિક વિકાસની વિપુલ સંભાવનાઓ પર વિગતવાર પ્રકાશ પાડ્યો હતો. તેમણે જણાવ્યું કે ભારત આજે એક ઝડપથી ઉભરતી અર્થવ્યવસ્થા અને વિશાળ બજાર તરીકે વૈશ્વિક પટલ પર સ્થાપિત થઈ રહ્યું છે, જ્યાં લોકોની ખરીદ શક્તિ સતત વધી રહી છે.

દેશમાં રહેલી સ્થિર અને મજબૂત સરકારના નિર્ણાયક પગલાંઓ અને સ્પષ્ટ રોડમેપ સાથે ભારત વર્ષ 2047 સુધીમાં સંપૂર્ણ 'વિકસિત દેશ' બનવાના લક્ષ્ય તરફ આગળ વધી રહ્યું છે. આ ધ્યેયને હાંસલ કરવા માટે બ્રિટન, યુરોપિયન યુનિયન, કેનેડા અને ઓસ્ટ્રેલિયા જેવા દેશો સાથે મુક્ત વ્યાપાર કરારો (FTA) કરીને વ્યાપાર ક્ષેત્રે નવી ક્ષિતિજો ખોલવામાં આવી છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીને વિશ્વના અનેક દેશોએ પોતાના સર્વોચ્ચ નાગરિક સન્માનથી નવાજ્યા છે અને ભારત આજે 'ગ્લોબલ સાઉથ' તેમજ પેસિફિક ટાપુ દેશોનો એક સશક્ત અવાજ બની ગયું છે.