Loading...

માધવપુર ઘેડ મેળાનો ભવ્ય પ્રારંભ: પૂર્વોત્તર અને ગુજરાતના કલાકારોએ સર્જ્યો સાંસ્કૃતિક સંગમ; ‘એક ભારત શ્રેષ્ઠ ભારત’ના સંકલ્પ સાથે માધવપુર વિશ્વના નકશા પર ચમકશે

પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડના સભ્ય સચિવ રમેશ મેરજાએ વિગતો આપતા જણાવ્યું કે, વર્ષ 2018થી આ મેળાને રાષ્ટ્રીય સ્વરૂપ આપવામાં આવ્યું છે.

By: Mukesh JoshiEdited By: Mukesh Joshi Publish Date: Sat 28 Mar 2026 07:29 AM (IST)Updated: Sat 28 Mar 2026 07:29 AM (IST)
madhavpur-ghed-mela-begins-in-grand-style-artists-from-the-northeast-and-gujarat-create-a-cultural-confluence-716952

Madhavpur Ghed Fair: સદીઓ જૂની પરંપરાને જીવંત રાખતા માધવપુરના મેળાનો વન અને પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડિયાના હસ્તે શુભારંભ કરવામાં આવ્યો છે. ભગવાન શ્રીકૃષ્ણ અને માતા રુક્મિણીજીના વિવાહ પ્રસંગને યાદ કરતા આ મેળાએ પૂર્વ અને પશ્ચિમ ભારતને એક તાંતણે બાંધવાનું કામ કર્યું છે. આ પ્રસંગે કેન્દ્રીય મંત્રી અને પોરબંદરના સાંસદ ડો. મનસુખ માંડવીયાએ વિડિયો સંદેશ દ્વારા પોતાની શુભકામનાઓ પાઠવી હતી.

વિવિધતામાં એકતાનો અનોખો સંદેશ

કેન્દ્રીય મંત્રી ડો. મનસુખ માંડવીયાએ જણાવ્યું હતું કે, માધવપુર મેળો એ માત્ર એક આયોજન નથી પરંતુ એક જીવંત પરંપરા છે. અરુણાચલ પ્રદેશની ઉર્જા, મણિપુરનો લય, આસામની સુગંધ અને મેઘાલયની મધુરતા જ્યારે ગુજરાતની ધરતી પર ઉતરે છે, ત્યારે તે ‘એક ભારત શ્રેષ્ઠ ભારત’ના વિઝનને સાર્થક કરે છે. આ મેળો સાબિત કરે છે કે ભારતની સાચી તાકાત તેની વિવિધતાને સ્વીકારવાની ભાવનામાં રહેલી છે.

માધવપુરનો વિકાસ અને નવી રોજગારીની તકો

કેબિનેટ મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયાએ આ અવસરે જણાવ્યું હતું કે, મેળાઓ માત્ર સાંસ્કૃતિક વિરાસત નથી જાળવતા પરંતુ નવી રોજગારીનું પણ સર્જન કરે છે. રાજ્ય સરકાર દ્વારકાથી સોમનાથ વચ્ચેની દરિયાઈ પટ્ટીના વિકાસ માટે કટિબદ્ધ છે.

  • નવા પ્રકલ્પો: કર્લી મોકર સાગર ખાતે ₹200 કરોડના ખર્ચે પક્ષી અભયારણ્ય અને રંગબાઈ માતાના મંદિર પાસે ₹25 કરોડના ખર્ચે સાંસ્કૃતિક વન તૈયાર થઈ રહ્યું છે.
  • બીચ ડેવલપમેન્ટ: મૂળ દ્વારકાથી હર્ષદ માતાના મંદિર સુધીનો 11 કિલોમીટર લાંબો બીચ વિકસાવવામાં આવશે.
  • ટૂરિઝમ: બરડા ડુંગરમાં લાયન સેન્ચુરી આકાર લઈ રહી છે, જે આ વિસ્તારને પ્રવાસનનું કેન્દ્ર બનાવશે.

રૂ. 90 કરોડના ખર્ચે કાયાપલટ

પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડના સભ્ય સચિવ રમેશ મેરજાએ વિગતો આપતા જણાવ્યું કે, વર્ષ 2018થી આ મેળાને રાષ્ટ્રીય સ્વરૂપ આપવામાં આવ્યું છે. પ્રથમ તબક્કામાં ₹47 કરોડના ખર્ચે રુક્મિણીજી મંદિર અને બીચ ડેવલપમેન્ટના કામો પૂર્ણ થયા છે. હવે બીજા તબક્કામાં ₹૪૩ કરોડના ખર્ચે માધવરાય મંદિર અને તેની આસપાસના વિસ્તારોની કાયાપલટ કરવામાં આવશે.