LPG Tanker MV Merg: ઈરાનથી પોરબંદર પહોંચ્યું 'MV Merg' જહાજ, 6000 મેટ્રિક ટન LPG જથ્થો મળતા મોટી રાહત

આ LPG ટેન્કર ઈરાનના ખર્ગ આઇલેન્ડથી ઓમાન માર્ગે ગુજરાત પહોંચ્યું છે.

By: Purvalak DabhiEdited By:Purvalak DabhiPublish Date: Sun, 07 Jun 2026 10:24 AM (IST)Updated: Sun, 07 Jun 2026 10:24 AM (IST)
lpg-tanker-mv-merg-arrives-at-porbandar-jetty-with-gas-supply-from-iran

LPG Tanker MV Merg reaches Porbandar: યુદ્ધની સ્થિતિ વચ્ચે ગુજરાત અને ભારત માટે સારા સમાચાર સામે આવ્યા છે. ઈરાનના ખર્ગ આઇલેન્ડથી ઓમાન માર્ગે 6 હજાર મેટ્રિક ટન LPG ભરેલું વધુ એક ટેન્કર 'MV Merg' પોરબંદરની જેટી પર આવી પહોંચ્યું છે. આયાતની આ ગતિવિધિ વધતા ગેસ વિતરણ વ્યવસ્થાને મોટો વેગ મળશે.

પોરબંદરમાં જંગી LPG જથ્થો

તાજેતરમાં  ભારતમાં ગેસના ટેન્કરોની આવક બંધ થતા અછત સર્જાઈ હતી, જેને લઈને કેટલીક કંપનીઓએ ગેસ સિલિન્ડરના ભાવમાં પણ વધારો કરી દીધો હતો. જોકે, સ્થિતિ થાળે પડતા હવે ગેસનો પુરવઠો પૂર્વવત થઈ રહ્યો છે. અગાઉ પોરબંદરની જેટી પર 4000 મેટ્રિક ટન જથ્થા સાથે એક LPG ટેન્કર પહોંચ્યું હતું.

ત્યારબાદ હવે આ વધુ એક 6000 મેટ્રિક ટન LPG જથ્થા સાથે ટેન્કર MV Merg પોરબંદરના બંદરે પહોંચ્યું છે. આ તમામ LPG જથ્થો જાવર વિસ્તારમાં આવેલા ગાઝ (Gaz) LPG ટર્મિનલ ખાતે ઠાલવવામાં આવ્યો છે. ગુજરાતમાં સતત વધી રહેલી LPG આયાતની ગતિવિધિથી આગામી સમયમાં ગેસની અછત દૂર થશે અને લોકોને પૂરતો ગેસ મળી રહેશે.

14 લાખથી વધુ પરિવારોને મળશે રાહત

છેલ્લા 10 દિવસમાં પોરબંદરની જેટી પર કુલ 4 જેટલા LPG ટેન્કર આવ્યા છે. આ 4 ટેન્કરો મારફતે અંદાજે 20 હજાર મેટ્રિક ટન જેટલો LPG જથ્થો જાવરના ગાઝ LPG ટર્મિનલને ફાળવવામાં આવ્યો છે. આ જંગી ગેસના જથ્થામાંથી આશરે 14,08,451 જેટલા ગેસ સિલિન્ડર ભરી શકાશે.

યુદ્ધની સ્થિતિ અને ગેસની અછત

ખાડી દેશોમાં યુદ્ધ શરૂ થતાની સાથે જ સમગ્ર વિશ્વમાં સમુદ્ર માર્ગે થતી આયાત-નિકાસ પ્રભાવિત થઈ અને ઠપ્પ પડી ગઈ હતી. ઈરાન દ્વારા યુદ્ધ દરમિયાન સમુદ્ર માર્ગ પર તમામ દેશોના ટેન્કરો અને શિપ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો હતો. આ પરિસ્થિતિને કારણે ભારત સહિત વિશ્વભરમાં ક્રૂડ ઓઇલ અને ગેસ જેવી વસ્તુઓની ભારે અછત ઊભી થઈ હતી.