Iran Israel War: ઈઝરાયેલ અને ઈરાન વચ્ચેના યુદ્ધના સમાચારને કારણે ભારતમાં વસતા પરિવારોમાં ચિંતાનો માહોલ છે. ખાસ કરીને ગુજરાતના પોરબંદર જિલ્લાના અનેક યુવાનો ઈઝરાયેલમાં રોજગારી અર્થે સ્થાયી થયેલા છે. આ પરિવારોની ચિંતા દૂર કરવા માટે પોરબંદરના યુવાન પ્રતાપ વોડેદરાએ ઈઝરાયેલથી લાઈવ વિડિયો દ્વારા હકીકત રજૂ કરી છે. તેમણે જણાવ્યું છે કે ન્યૂઝ ચેનલો અને સોશિયલ મીડિયામાં જે પ્રકારે ભયાનક સ્થિતિ બતાવવામાં આવી રહી છે, વાસ્તવમાં સ્થિતિ એટલી ખરાબ નથી.
વહેલી સવારથી સાયરન વાગ્યા, પણ સ્થિતિ નિયંત્રણમાં
પ્રતાપ વોડેદરાએ વિડિયોમાં સ્વીકાર્યું હતું કે રવિવારની વહેલી સવારથી ઈઝરાયેલમાં માહોલ થોડો ગરમ થયો છે. સવારે 6 વાગ્યાથી સાયરન વાગવાના શરૂ થયા હતા, જે યુદ્ધ જેવી સ્થિતિનો સંકેત આપે છે. જોકે, તેમણે ભારપૂર્વક કહ્યું હતું કે, "અહીં એટલી પણ સ્થિતિ ખરાબ નથી જેટલી ન્યૂઝમાં બતાવવામાં આવે છે. પોરબંદરવાસીઓએ કે તેમના પરિવારજનોએ ગભરાવાની જરૂર નથી."
આ પણ વાંચો
સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર અફવાઓ ફેલાવે
વિડિયો સંદેશમાં પ્રતાપે સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર પર આકરા પ્રહાર કર્યા હતા. તેમણે આક્ષેપ કર્યો હતો કે કેટલાક ઇન્ફ્લુએન્સર પોતાની લોકપ્રિયતા વધારવા માટે ખોટી અફવાઓ ફેલાવી રહ્યા છે કે ઈઝરાયેલમાં સ્થિતિ અત્યંત ગંભીર છે. તેમણે ખાસ કરીને પોરબંદરના લોકોને વિનંતી કરી હતી કે આવી અફવાઓ પર ધ્યાન ન આપવું અને ખોટું ટેન્શન લેવું નહીં.
ભારતીય એમ્બેસી અને સરકારની મદદ
યુદ્ધ જેવી સ્થિતિમાં ત્યાં વસતા ભારતીયોની સુરક્ષા અંગે પ્રતાપે જણાવ્યું કે, "અહીંની સરકાર અને ભારતીય એમ્બેસી (દૂતાવાસ) સતત અમારી સાથે છે. બધા જ ભારતીયો હળીમળીને રહી રહ્યા છે અને એકબીજાને સાથ આપી રહ્યા છે." તેમણે વિશ્વાસ અપાવ્યો હતો કે અત્યારે કોઈ પણ પ્રકારનું જોખમ નથી અને માહોલ એકંદરે સારો છે.
પરિવારજનોને શાંતિ જાળવવા અપીલ
પોરબંદરના જાજા લોકો ઈઝરાયેલમાં હોવાથી પ્રતાપ વોડેદરાએ આ વિડિયો ખાસ કરીને તેમના માટે બનાવ્યો હતો જેથી સત્ય હકીકત લોકો સુધી પહોંચે. તેમણે લોકોને આ વિડિયો વધુમાં વધુ શેર કરવા વિનંતી કરી હતી જેથી ખોટી અફવાઓ અટકે અને ભારતમાં રહેતા વાલીઓ શાંતિ અનુભવે.
ઈઝરાયેલમાં વસતા ગુજરાતી યુવાનનો આ સંદેશ એ બાબતની પુષ્ટિ કરે છે કે યુદ્ધના મેદાનમાં હોવા છતાં ભારતીય સમુદાય સુરક્ષિત છે અને તંત્ર દ્વારા તેમને પૂરતી મદદ મળી રહી છે. લોકોએ સત્તાવાર સૂચનાઓ પર જ ભરોસો રાખવો જોઈએ.
