Madhavpur Mela 2026: 27 માર્ચે સાંજે 6 કલાકે મેળાના ભવ્ય ઉદ્ઘાટન પ્રસંગે ગુજરાત રાજ્યના રાજ્યપાલ, મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી, વિવિધ મંત્રીઓ તેમજ ઉત્તર-પૂર્વ ભારતના રાજ્યોના રાજ્યપાલ અને મુખ્યમંત્રીઓ તથા ભારત સરકારના મંત્રીઓને આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.
આ મેળામાં ભારતના પૂર્વ અને પશ્ચિમની સંસ્કૃતિનો સંગમ ને સાંસ્કૃતિક એકતાના દર્શન કરાવવા માટે કુલ 540 કલાકારો પોતાની કલા રજૂ કરશે, જેમાં 270 કલાકારો ઉત્તર-પૂર્વ ભારતના અને 270 ગુજરાતના કલાકારોનો સમાવેશ થાય છે. આ ઉપરાંત સ્થાનિક સૌરાષ્ટ્રના કલાકારોને પ્લેટફોર્મ પૂરું પાડવા માટે દરરોજ 30 મિનિટનો સમય ફાળવવામાં આવ્યો છે.
માધવપુર ઘેડના મેળાના સાંસ્કૃતિક કાર્યક્રમનો ભવ્ય ઉદઘાટન સમારોહ તા. 27મી માર્ચ સાંજે 6:00 કલાકે થશે.સાંસ્કૃતિક કાર્યક્રમની થીમ વિકાસ ભી, વિરાસત ભી સમૃદ્ધિ સે સંસ્કૃતિની રાખવામાં આવી છે.
મેળા દરમિયાન દરરોજ રાત્રે ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમો અને લોક ડાયરાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં 27 માર્ચના રોજ ગીતા રબારી, 28 માર્ચના રોજ રાજ ગઢવી અને મયુર દવે, 29 માર્ચના રોજ ઋષભ આહીર તેમજ 30 માર્ચના રોજ શ્યામલ શબ્દ ગ્રુપ પ્રસ્તુતિ આપશે.
કલાકારોને સોમનાથમાં ઉતારો આપવામાં આવ્યો છે જ્યારે હસ્તકલા ના કારીગરોને પોરબંદરમાં ઉતારો આપવામાં આવ્યો છે. તેઓ પૂર્વ પ્રેક્ટિસ પણ કરી રહ્યા છે. માધવપુર ઘેડના મેળામાં પ્રથમ વખત 60 ભાતીગળ લોકકલાના કલાકારો સંગીત રસ પીરસે તે માટે તૈયારી ચાલી રહી છે.જેમાં તુરી બારોટ સમુદાયના કલાકારોને પ્લેટફોર્મ આપવામાં આવશે.
મેળામાં હસ્તકલા અને સ્થાનિક ચીજવસ્તુઓના પ્રોત્સાહન માટે કુલ 80 સ્ટોલ ધરાવતું પેવેલિયન બનાવવામાં આવ્યું છે. જેમાં 40 સ્ટોલ ઉત્તર-પૂર્વના કારીગરો અને 40 સ્ટોલ ગુજરાતના કારીગરો માટે ફાળવવામાં આવ્યા છે. આ ઉપરાંત 40 ફૂડ સ્ટોલ અને 30 ક્રાફ્ટ સ્ટોલની હરાજી કરવામાં આવી છે, જેમાંથી કેટલાક સ્ટોલ સ્થાનિક સ્વસહાય જૂથો (SHG) ને ટોકન દરે આપવામાં આવ્યા છે. નોંધનીય છે કે આ વર્ષે હરાજી દ્વારા તંત્રને 75 લાખથી વધુની આવક થઈ છે, જે ગત વર્ષ કરતા વધારે છે.
મેળામાં આવતા લાખો શ્રદ્ધાળુઓની સુવિધા માટે તંત્ર દ્વારા સઘન આયોજન કરવામાં આવ્યું છે. ટ્રાફિકની સમસ્યા નિવારવા માટે પોરબંદરથી માધવપુર જતા ભારે વાહનોનોને ડાયવર્ઝન આપવામાં આવ્યો છે. મેળાના મેદાનમાં એન્ટ્રી અને એક્ઝિટના રસ્તાઓ અલગ રાખવામાં આવ્યા છે જેથી અવરજવરમાં સરળતા રહે.
