Patan : થોડા દિવસ અગાઉ ઠાકોર સમાજ દ્વારા સામાજિક બંધારણ ઘડવામાં આવ્યું હતુ. જેના નિયમોનો ભંગ કરનારા કલાકાર બંધુ ગબ્બર ઠાકોર અને અર્જુન ઠાકોરને નાત બહાર કરી દેવામાં આવ્યા છે, ત્યારે હવે પાટણમાં પણ ઠાકોર સમાજના બંધારણમાં ન હોય એવી એક બાબત બનતા ભારે વિવાદ થઈ રહ્યો છે.
હકીકતમાં ઠાકોર સમાજના સામાજિક બંધારણમાં લગ્ન જેવા પ્રસંગોમાં ડીજે સહિત બિનજરૂરી ખર્ચાઓ નહી કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. આમ છતાં પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના કોરડા ગામના સરપંચ કુમકુમ ઠાકોરના લગ્ન પ્રસંગમાં સમાજના નિયમોનું ઉલ્લંઘન કરવામાં આવ્યું હોવાનો આક્ષેપ સોશિયલ મીડિયા પર થઈ રહ્યો છે. આ લગ્નમાં રાસ-ગરબાનું આયોજન કરાયું હતું.
માત્ર રાસ-ગરબા જ રખાયા, કોઈ ડીજે વાગ્યું નથી
આ અંગે રાધનપુરના ધારાસભ્ય લવિંગજી ઠાકોરે સ્પષ્ટતા કરતાં જણાવ્યું કે, લગ્ન પ્રસંગ નિમિત્તે માત્ર રાસ-ગરબા જ રાખવામાં આવ્યા હતા. જેમાં કોઈ ડીજે વગાડવામાં નથી આવ્યું, માત્ર કલાકારની રીધમ જ હતી. આથી સમાજના બંધારણનો ભંગ નથી કરવામાં આવ્યો. આમ છતાં આગામી સમયમાં સમાજના આગેવાનો એકઠા થઈને જવાબદારોને ઠપકો આપશે.
ઠાકોર સમાજના નિયમમાં ફાંસીની સજા નથી, નહીંતર મારે મરવું પડ્યું હોત: ગબ્બર ઠાકોર
પોતાને નાત બહાર કરવાના નિર્ણય પર ઠાકોર કલાકાર બંધુ પૈકીના ગબ્બર ઠાકોરે પોતાનો રોષ ઠાલવતા જણાવ્યું કે, કોર્ટ પર એકવાર આરોપીને તેનો ગુનો કબૂલ છે, તેમ પૂછતી હોય છે. જો કે આ લોકોએ અમને પૂછ્યા વિના નિર્ણય લઈ લીધો. સારું છે, તેમના નિયમમાં ફાંસીની સજા નથી, નહીંતર આજે મારે મરવું પણ પડ્યું હોત.
ગામના જ ચાર-પાંચ લોકો છે, જેઓ અમને નીચું દેખાડવાની વાત કરે છે. આ લોકો 20 વર્ષનો ધંધો બંધ કરવાની અને દબાવવાની વાતો કરે છે. અમને તેમનો નિર્ણય મંજૂર નથી.
