Loading...

સામાજિક બહિષ્કારના નિર્ણય સામે ઠાકોર બંધુઓએ બળાપો ઠાલવ્યો- 'અમને પૂછ્યું પણ નહીં, લોકો પોતાની મરજીના માલિક થઈ ગયા છે'

આ આખા સમાજનો નિર્ણય નથી, પરંતુ ચાર-પાંચ લોકોએ ભેગા થઈને લીધેલો છે. જે સમાજના છોકરાઓને દબાવવાની વાત છે. ટૂંક સમયમાં મિટિંગ બોલાવી સમાજ સમક્ષ પોતાનો પક્ષ રજૂ કરીશું

By: Sanket ParekhEdited By: Sanket Parekh Publish Date: Wed 04 Feb 2026 08:38 PM (IST)Updated: Wed 04 Feb 2026 08:38 PM (IST)
thakor-artists-rebel-against-social-boycott-decision-in-banaskantha-685898
HIGHLIGHTS
  • અમે કોઈ સમાજનો નિયમ તોડ્યો નથી, તમને માત્ર ગબ્બર ઠાકોર જ દેખાય છે

Banaskantha: ઠાકોર સમાજના સામાજિક બંધારણનું ઉલ્લંઘન કરનારા કલાકાર બંધુઓ ગબ્બર ઠાકોર અને અર્જુન ઠાકોરને એક વર્ષ માટે સમાજની બહાર કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેના પગલે હવે કલાકાર બંધુઓની પ્રતિક્રિયા સામે આવી છે.

મેં મારી આખી જિંદગી સમાજને આપી છે. ભારતની ન્યાય પ્રણાલીમાં કોર્ટ પણ આરોપીને પોતાનો પક્ષ રજૂ કરવાની તક આપે છે અને પૂછે પણ છે કે, તને તારો ગુનો કબૂલ છે કે નહીં. જો કે અહીં તો અમને પૂછ્યા વિના સમાજની બહાર કરી દેવામાં આવ્યા છે.

અગાઉ અમારા ગામમાં સમાજની કોઈ મિટિંગ જેવું કંઈ થયું નથી. આ સમગ્ર ઠાકોર સમાજનો નિર્ણય નથી, પરંતુ માત્ર ચાર-પાંચ વ્યક્તિઓએ ભેગા થઈને આ નિર્ણય લઈ લીધો છે. આ માત્ર અમને જ નહીં, પરંતુ સમાજના છોકરાઓને દબાવવાની વાત છે.

હું મારા જેવા કલાકારોને સાઉન્ડ વાળાને દિલથી અપીલ કરું છું કે, તમે ખૂબ જ જાગૃત રહેજો અને બધા એકતા રાખજો. અત્યાર સુધી નેતાઓને દરેક જગ્યાએ સપોર્ટ કર્યુો છે. જેના પરિણામે તેમણે અત્યારે 10 થી 15 હજારની રોજગારી છીનવી લીધી છે. એમને ખબર નથી કે, અમે લોન પર ગાડીઓ લાવ્યા છીએ.

બન્ને કલાકારોએ જણાવ્યું કે, સમાજના માન-સન્માન ખાતર તેમણે લગ્ન પ્રસંગે પોતાના લાખો રૂપિયાના ઓર્ડર કેન્સલ કરીને ઘરે રહ્યા હતા. જો કે સમાજના નિર્ણયથી તેમની લાગણીને ઠેસ પહોંચી છે. આ લોકોએ પોતાની જાતે જ નિર્ણય લઈ લીધો છે. જો કે આ નિર્ણય સમગ્ર સમાજનો નથી, આખું ગામ અમારી પાસે છે. આ લોકો પોતાની મરજીના માલિક થઈ ગયા છે. પોતાના પર થયેલા અન્યાય વિરુદ્ધ અવાજ બુલંદ કરવા માટે તેઓ ટૂંક સમયમાં એક મિટિંગ બોલાવશે. જેમાં સમાજના લોકો સમક્ષ પોતાનો પક્ષ રજૂ કરશે.

તમને માત્ર ગબ્બર ઠાકોર જ દેખાય છે
જામના ડીજે લઈને નહીં જવાનો નિયમ હતો, પરંતુ અમે અહીં ડીજે લઈને નથી આવ્યા. એટલે અમે કોઈ સમાજનો નિયમ તોડ્યો નથી. અત્યારે બીજી જાન પણ આવી છે, જે સામેથી ડીજે લઈને આવી છે. તમને માત્ર ગબ્બર ઠાકોર જ દેખાય છે અને તેને જ હેરાન કરવાનો છે. અમે માત્ર અમારી પરંપરાનું પાલન કર્યું, તેમાં તમે અમને દેશદ્રોહી અને ગદ્દાર કહી રહ્યા છો. આથી કોઈ પણ નિયમ કરો તો સમજી વિચારીને કરો અને ચોખવટ કરો.

ઠાકોર કલાકાર બંધુઓએ વરઘોડા ગાઈને સમાજના નિયમોનો ભંગ કર્યો
હકીકતમાં થોડા દિવસ અગાઉ જ બનાસકાંઠા, વાવ-થરાદ અને પાટણ જિલ્લાના ઠાકોર સમાજ દ્વારા સમાજમાં વ્યાપેલા કુરિવાજો ડામવા અને શૈક્ષણિક પ્રગતિ માટે 16 મુદ્દાનું બંધારણ અમલમાં મૂક્યું હતુ.

જે અંતર્ગત લગ્ન પ્રસંગમાં ડીજે ના વગાડવાનું નક્કી કરવામાં આવ્યું હતુ. જો કે ડીસાના ઝાબડીયા ગામે ગાયક કલાકાર ગબ્બર ઠાકોર અને અર્જુન ઠાકોર દ્વારા પોતાના પરિવારના લગ્ન પ્રસંગમાં લાઈવ ડીજે સાથે વરઘોડો નીકાળવામાં આવ્યો હતો. જેના પગલે ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના દ્વારા સમાજના નિયમોનો ભંગ કરવા બદલ અર્જુન ઠાકોર અને ગબ્બર ઠાકોરના સામાજિક બહિષ્કારનો નિર્ણય લેવામાં આવ્યો હતો.