Loading...

ઠાકોર સમાજનો ઐતિહાસિક નિર્ણય: કલાકાર ગબ્બર ઠાકોર અને અર્જુન ઠાકોરને કરાયા ‘નાત બહાર’, જાબડીયા ગામે મળેલી સભામાં લેવાયો કડક નિર્ણય

આ નિર્ણય બાદ સમગ્ર ઉત્તર ગુજરાતના ઠાકોર સમાજમાં ચર્ચાઓ તેજ બની છે અને સામાજિક શિસ્ત જાળવવા માટે આ એક ઐતિહાસિક કદમ માનવામાં આવી રહ્યો છે.

By: Mukesh JoshiEdited By: Mukesh Joshi Publish Date: Wed 04 Feb 2026 04:13 PM (IST)Updated: Wed 04 Feb 2026 04:31 PM (IST)
banaskantha-news-thakor-community-takes-strict-decision-artists-gabbar-and-arjun-thakor-banned-in-jabdiya-deesa-685733

Thakor Community News: બનાસકાંઠાના જાબડીયા ગામે મળેલી ઠાકોર સમાજની ભવ્ય મહાસભામાં સામાજિક શિસ્ત અને એકતા જાળવવા માટે એક અત્યંત કડક અને દાખલારૂપ નિર્ણય લેવામાં આવ્યો છે. સમાજ દ્વારા તાજેતરમાં ઘડાયેલા 16 મુદ્દાના સામાજિક બંધારણનું ઉલ્લંઘન કરવા બદલ જાણીતા લોકગાયકો ગબ્બર ઠાકોર અને અર્જુન ઠાકોરને એક વર્ષ માટે સમાજમાંથી બહિષ્કૃત (નાત બહાર) કરવામાં આવ્યા છે.

DJ સાથે વરઘોડો કાઢતા સર્જાયો વિવાદ

આ સમગ્ર વિવાદની શરૂઆત થોડા દિવસો પહેલા થઈ હતી, જ્યારે જાબડીયા ગામે ગબ્બર અને અર્જુન ઠાકોરના કાકાના દીકરા મેરૂજી ઠાકોરના લગ્ન યોજાયા હતા. આ લગ્ન પ્રસંગમાં સમાજના નવા બંધારણમાં પ્રતિબંધિત હોવા છતાં લાઈવ ડીજે (DJ) સાથે ભવ્ય વરઘોડો કાઢવામાં આવ્યો હતો. આ ઘટનાના વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા જ સમાજના અગ્રણીઓ અને યુવાનોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. સમાજમાં એવી ચર્ચા શરૂ થઈ હતી કે જો લોકપ્રિય કલાકારો જ નિયમો તોડશે, તો સામાન્ય જનતા પર તેની શું અસર પડશે?

બેઠકમાં લેવાયેલા મુખ્ય નિર્ણયો

સમાજના વડીલો અને આગેવાનોની ઉપસ્થિતિમાં મળેલી બેઠકમાં સર્વસંમતિથી નીચે મુજબના નિર્ણયો લેવાયા:

  • એક વર્ષનો બહિષ્કાર: ગબ્બર અને અર્જુન ઠાકોરને એક વર્ષ સુધી કોઈપણ સામાજિક, આર્થિક કે ધંધાકીય વ્યવહારમાં સામેલ કરવામાં આવશે નહીં.
  • મદદ કરનાર પણ દોષિત: જે કોઈ વ્યક્તિ આ બંને કલાકારોને મદદ કે સહકાર આપશે, તેને પણ સમાજદ્રોહી ગણી તેની સામે પણ કડક કાર્યવાહી કરાશે.
  • ડિજિટલ બહિષ્કાર: સમાજના તમામ સભ્યોને આ બંને કલાકારોને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પરથી 'અનફોલો' કરવા અપીલ કરવામાં આવી છે.

કલાકારોનો બચાવ: "અમે નિયમ તોડ્યો નથી"

બીજી તરફ, અર્જુન ઠાકોરે સોશિયલ મીડિયા પર વીડિયો પોસ્ટ કરીને આક્ષેપોને ફગાવ્યા છે. તેમણે સ્પષ્ટતા કરી કે, "અમે ૧૬ મુદ્દાના બંધારણમાંથી એક પણ નિયમ તોડ્યો નથી. વિરોધીઓ જાણીજોઈને જૂના વીડિયો વાયરલ કરી રહ્યા છે." જોકે, સમાજના આગેવાનોએ આ દલીલો ફગાવીને બંધારણના ચુસ્ત પાલન પર ભાર મૂક્યો છે.

સામાજિક સુધારણાનો નવો ચીલો

નોંધનીય છે કે થોડા સમય પહેલા જ મંત્રી સ્વરૂપજી ઠાકોરે પોતાની દીકરીના લગ્ન અત્યંત સાદાઈથી કરી સમાજમાં આદર્શ ઉદાહરણ પૂરું પાડ્યું હતું. સમાજની આ બેઠકનો મુખ્ય ઉદેશ્ય લગ્ન-મરણ જેવા પ્રસંગોમાં થતા ખોટા ખર્ચ અને દેખાડા બંધ કરાવીને શિક્ષણ અને વ્યસનમુક્તિ પર ભાર મૂકવાનો છે.