પાટણ જિલ્લામાં આવેલા રાજ્યના સૌથી મોટા તમાકુ સબયાર્ડમાં બીજા વર્ષની હરાજીનો પ્રારંભ કરવામાં આવ્યો છે. પહેલા દિવસે તમાકુનો ભાવ ₹2326 નોંધવામાં આવ્યો હતો. ત્યારે બનાસકાંઠા, પાટણ અને મહેસાણા જિલ્લાના ખેડૂતો મોટી સંખ્યામાં તેમનો માલ વેચવા અહીં આવે છે. જ્યાં તેમને તેમના માલનો સારો ભાવ મળી રહ્યો છે.
ગુજરાતનું સૌથી મોટુ તમાકુ સબયાર્ડ
સમગ્ર ગુજરાતમાં તમાકુ માટેનું સૌથી વિશાળ યાર્ડ 30 વીઘા જમીનમાં ફેલાયેલું છે. મોટા મોટા ખરીદદાર વેપારીઓની હાજરીને લીઘે ઉત્તર ગુજરાતના ખેડૂતો મોટા પ્રમાણમાં તમાકુનો પાક લઈને આવી રહ્યા છે. પાછલા વર્ષે માર્કેટયાર્ડમાં ગુજરાતનો સૌથી મોટો તમાકુનો વેપાર નોંધાયેલો હતો. જેથી આ વર્ષે બીજા વેપારીઓ પણ ખરીદીમાં જોડાયા છે.
માલની આવકમાં વધારો નોંધાયો
ઉત્તર ગુજરાતમાં તમાકુનો પાક વધારે થતો હોવાથી તેમજ પાટણમાં વેપારી-ખેડૂતો વચ્ચેના સારા સંબંધો હોવાને લીધે માલની આવકમાં વધારો જોવા મળ્યો છે. APMC ડિરેક્ટર કે.સી પટેલ અને ચેરમેન સ્નેહલ પટેલના જણાવ્યા મુજબ. હાલમાં અંદાજિત 45થી 50 હજાર બોરીની આવક શરુ થઈ ગઈ છે.તેમજ ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળી રહ્યા છે.
ખેડૂતો માટે યોગ્ય વ્યવસ્થા
ખેડૂતો માટે માર્કેટયાર્ડમાં પાકા શેડ જેવી ઘણી સારી સુવિધાઓ ગોઠવવામાં આવી છે. ખેડૂતોને માલના વ્યાજબી ભાવ મળે, વજનમાં પારદર્શકતા રહે તેમજ વેચાણ પછી તરત રોકડની ચૂકવણી કરવામાં આવે તેવી વ્યવસ્થા નિશ્ચિત કરવામાં આવેલી છે.
