Patan Student Suicide Attempt: પાટણમાં એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે, જેમાં ધોરણ 8માં અભ્યાસ કરતી એક વિદ્યાર્થિનીને તેના જ ક્લાસમેટ દ્વારા બ્લેડ અને લાઇટર વડે ગંભીર રીતે ઇજા પહોંચાડવામાં આવી હતી. આ ઘટનાથી વ્યથિત થયેલી વિદ્યાર્થિનીએ ઘરે જઈને ઝેરી પ્રવાહી પીને આત્મહત્યાનો પ્રયાસ કર્યો, જે બાદ તેને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે.
ચાર મહિનાથી હેરાનગતિ
પાટણના સરસ્વતી તાલુકાના ચોરમારપુરા સ્થિત કેન્દ્રીય વિદ્યાલયમાં અભ્યાસ કરતી આ વિદ્યાર્થિની છેલ્લા ચાર મહિનાથી તેના ક્લાસના એક વિદ્યાર્થી દ્વારા હેરાન થઈ રહી હતી. તે વિદ્યાર્થી વારંવાર તેની સાથે વાત કરવા માટે દબાણ કરતો હતો, જેના કારણે વિદ્યાર્થિનીએ પોતાના પિતાને આ વાત જણાવી હતી. પિતાએ આ બાબતની જાણ શાળાના આચાર્યને પાંચ મહિના પહેલાં જ કરી હતી, પરંતુ આચાર્યએ આ મામલે કોઈ નક્કર પગલાં ભર્યા ન હતા અને માત્ર ખાતરી આપીને વાત પૂરી કરી હતી.
સ્કૂલમાં હિંસક હુમલો
મંગળવારે શાળામાં જ હિંસાની આ ઘટના બની છે. બે વિદ્યાર્થીઓએ વિદ્યાર્થિનીને પકડી રાખી, જ્યારે મુખ્ય આરોપી વિદ્યાર્થીએ તેના હાથ પર બ્લેડથી ઊંડા ચેકા માર્યા અને લાઇટરથી આંગળીઓ પર ડામ આપ્યા. આ ઘટના બાદ વિદ્યાર્થિની ગભરાઈને લાઇબ્રેરીના શિક્ષક પાસે મદદ માટે ગઈ, પરંતુ તેમને ક્લાસ-ટીચર પાસે મોકલી દેવામાં આવી. ક્લાસ-ટીચરે પણ મદદ કરવાને બદલે વિદ્યાર્થિનીને ધમકાવીને કહ્યું કે, "આ વાત તારા પપ્પાને ના કહેતી, નહીં તો દાખલો કાઢીને ઘરે મોકલી દઈશ." શિક્ષકના આ વર્તનથી વિદ્યાર્થિની એટલી ડરી ગઈ કે તેણે ઘરે જઈને કોઈને આ વાત જણાવી નહીં.
વિદ્યાર્થિનીનો આત્મહત્યાનો પ્રયાસ
ઘરે આવીને, માનસિક રીતે ભાંગી પડેલી વિદ્યાર્થિનીએ લાઈઝોલ પીને જીવન ટૂંકાવવાનો પ્રયાસ કર્યો. તાત્કાલિક સારવાર માટે તેને પાટણની ખાનગી હોસ્પિટલમાં આઈસીયુમાં દાખલ કરવામાં આવી છે. આ ઘટના અંગે જાણ થતાં જ પિતાએ શાળાના આચાર્ય અને શિક્ષકોનો સંપર્ક કર્યો, પરંતુ તેમનો જવાબ અત્યંત બેદરકારીભર્યો હતો. આચાર્યએ પોતે રજા પર હોવાનું જણાવ્યું, જ્યારે ક્લાસ-ટીચરે કહ્યું કે તેઓ માત્ર ભણાવવા પર ધ્યાન આપે છે અને વિદ્યાર્થીઓ શું પ્રવૃત્તિ કરે તેની ખબર રાખતા નથી. આ ઉપરાંત, પિતાએ સીસીટીવી ફૂટેજ માગ્યા, તો શાળાએ પાસવર્ડ ખબર ન હોવાનું બહાનું કાઢ્યું, જેણે શાળાના વહીવટીતંત્ર પર ગંભીર સવાલો ઊભા કર્યા છે.
પરિવાર દ્વારા ન્યાયની માગ
વિદ્યાર્થિનીના પિતાએ પાટણના ગોલાપુર પોલીસ સ્ટેશનમાં ત્રણ વિદ્યાર્થીઓ સામે ફરિયાદ નોંધાવી છે. પોલીસે ફરિયાદ નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. આ ઘટના બાદ સ્થાનિક આગેવાનોએ પણ કેન્દ્રીય વિદ્યાલયોને "અસામાજિક તત્ત્વોનો અડ્ડો" ગણાવ્યો છે અને માંગ કરી છે કે આ ગુનામાં સામેલ દરેક વ્યક્તિને સખત સજા મળવી જોઈએ. જો 24 કલાકમાં ન્યાય નહીં મળે, તો કેન્દ્રીય વિદ્યાલયનો ઘેરાવ કરવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે. આ ઘટનાએ ફરી એકવાર શાળાના પરિસરમાં વિદ્યાર્થીઓની સુરક્ષા અને શિક્ષકોની જવાબદારી અંગે ચિંતા ઊભી કરી છે.
