Loading...

મફત પ્રવેશની મોટી તક: પાટણમાં RTE હેઠળ 895 બેઠકો પર ઓનલાઈન ફોર્મની પ્રક્રિયા શરુ, જાણો

શૈક્ષણિક વર્ષ 2026-27 માટે રાઈટ ટુ એજ્યુકેશન અંતર્ગત ધોરણ-1માં મફત પ્રવેશ માટેની ઓનલાઈન ફોર્મ ભરવાની પ્રક્રિયા 4 એપ્રિલ, 2026 થી શરૂ થઈ ગઈ છે.

By: Jignesh ParmarEdited By: Jignesh Parmar Publish Date: Sun 05 Apr 2026 03:31 PM (IST)Updated: Sun 05 Apr 2026 03:31 PM (IST)
patan-online-form-process-started-for-895-seats-under-rte-in-patan-know-details-722155

Patan News: પાટણ સહિત સમગ્ર રાજ્યમાં શૈક્ષણિક વર્ષ 2026-27 માટે રાઈટ ટુ એજ્યુકેશન અંતર્ગત ધોરણ-1માં મફત પ્રવેશ માટેની ઓનલાઈન ફોર્મ ભરવાની પ્રક્રિયા 4 એપ્રિલ, 2026 થી શરૂ થઈ ગઈ છે. જે માટે વાલીઓએ ઓફિશિયલ વેબસાઈટ rte.orpgujarat.com પર તારીખ 17 એપ્રિલ, 2026 સુધી ઓનલાઈન અરજી કરી શકશે.

પ્રાઈવેટ શાળામાં 895 બેઠકો

પાટણમાં કુલ 105 પ્રાઈવેટ પ્રાઈમરી સ્કૂલ્સમાં RTE હેઠળ આ વર્ષે ધોરણ-1માં પ્રવેશ માટે 895 બેઠકો ઉપલબ્ધ છે. આ બેઠકો પર પ્રવેશ મેળવવા માટે વાલીઓ ઉત્સાહિત છે. બાળકોના પ્રવેશ માટે તેની ઉમર તા,1 જૂન 2026ના રોજ 6 વર્ષ પૂર્ણ થતી ફરજિયાત છે. અલબત બાળકની DOB 2 જૂન 2019થી 2020ની વચ્ચે હોવી આવશ્યક છે. તેમજ બાળકના વાલીની વાર્ષિક આવક મર્યાદા 6 લાખ રૂપિયા સુધી નક્કી કરાઈ છે.

વાલીઓને સૂચના અપાઈ

સમગ્ર રાજ્યમાં આ વર્ષે અંદાજે 84,000 થી વધુ બેઠકો પર રાઈટ ટુ એજ્યુકેશન હેઠળ પ્રવેશ અપાશે. જેમાં પાટણ જિલ્લાને 895 બેઠકોની ફાળવણી કરાઈ છે. તેમજ સમગ્ર પ્રોસેસ ઓનલાઈન અને નિ:શુલ્ક હોવાથી વાલીએ કોઈપણ એજન્ટના સંપર્કમાં ન આવવા અંગે તાકીદ કરાઈ છે..

કયા દસ્તાવેજો રહેશે જરુરી?

RTE પ્રવેશ પ્રક્રિયાને સરળ બનાવવા હેતુ વાલીઓએ બાળકનો જન્મનો દાખલો, રહેણાંક પુરાવા, વાલી અને બાળકનું આધારકાર્ડ, જાતિનો દાખલો અને આવકનો દાખલો જેવા દસ્તાવેજો તૈયાર રાખવા અંગે જણાવાયું છે.

ક્યા બાળકોને અપાશે અગ્રિમતા

બાળકોને પ્રવેશ માટે અગ્રિમતા સંભાળ-સંરક્ષણની જરૂરિયાતવાળું બાળક, અનાથ બાળક, બાલગૃહના બાળકો, બાળમજૂર-સ્થાનાંતરિત મજૂરના બાળકો, શારીરિક રીતે વિકલાંગ બાળકો, મંદબુદ્ધિ-સેરેબ્રલ પાલ્સી ધરાવતા બાળકો, એન્ટિ-રેટ્રોવાયરલ થેરેપી સારવાર લેતા બાળકો, શહીદ લશ્કરી-પોલીસદળના જવાનોના બાળકો, SC-ST બાળકો, SEBC-જનરલ સહિતના BPL કુટુંબના બાળકો, SEBC-EWS-વિચરતી અને વિમુક્ત જાતિના બાળકોનો સમાવેશ કરાયો છે.