Patan News: પાટણ જિલ્લાના શંખેશ્વર તાલુકાના રતનપુરા પાટિયા પાસે શનિવારે મોડી રાત્રે એક સ્પોર્સ્ટ્સ બાઇક અને રિક્ષા વચ્ચે અકસ્માત થયો હતો. બન્ને વાહનો સામસામે અથડાતા વાહનોના કચ્ચરઘાણ વળી ગયા હતા. અકસ્માતના આ બનાવમાં બે યુવકોના મોત નીપજ્યાં છે. જ્યારે એકને ગંભીર હાલતમાં સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. બનાવની જાણ થતાં પોલીસ પહોંચી હતી. મૃતદેહોને પીએમ અર્થે ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
બનાવની પ્રાપ્ત વિગત અનુસાર, પંચાસર ગામનો કાડુજી પ્રતાપજી ઠાકોર નામનો યુવક રિક્ષામાં રસોઇનો સામાન ભરીને પોતાના ગામ પંચાસર પરત ફરી રહ્યો હતો. જ્યારે શંખેશ્વરમાં રહેતો અને મૂળ મેમણા ગામનો રહેવાસી રણજીતજી કાળુજી ઠાકોર તથા કલ્પેશ મનુજી ઠાકોર કેટીએમ બાઇક પર સવાર હતા અને એક લગ્નપ્રસંગમાં હાજરી આપવા જઇ રહ્યાં હતા. જે દરમિયાન ગઇકાલે 9 મેના રોજ મોડી રાત્રે શંખેશ્વરના રતનપુરા પાટિયા નજીક શક્તિમાતાના મંદિર પાસે કેટીએમ બાઇક અને રિક્ષા સામસામે અથડાઇ હતી.
બાઇક અને રિક્ષા વચ્ચે થયેલો આ અકસ્માત એટલો ગંભીર હતો કે બન્ને વાહનોના કચ્ચરઘાણ વળી ગયા હતા. અકસ્માતમાં બાઇક સવાર રણજીતજી ઠાકોર અને રિક્ષા ચાલક કાડુજી ઠાકોરને ગંભીર ઇજાઓ પહોંચતા બન્નેના મોત નીપજ્યાં હતા. જ્યારે અન્ય બાઇક સવાર કલ્પેશ ઠાકોરને ગંભીર હાલતમાં હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. અકસ્માતના પગલે આસપાસના લોકો દોડી આવ્યા હતા અને બનાવ અંગે પોલીસને જાણ કરવામાં આવી હતી. બનાવની જાણ થતાં પોલીસ પહોંચી હતી.
અકસ્માતના પગલે ટ્રાફિકજામના દૃશ્યો સર્જાયા હતા. પોલીસે ટ્રાફિક પૂર્વવત કરવાની કાર્યવાહી હાથ ધરી હતી. બન્ને મૃતદેહોને પીએમ અર્થે ખસેડી બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. બે યુવકોના મોતથી પંથકમાં અને બન્ને યુવકના પરિવારમાં શોકની લાગણી ફેલાઇ છે.
