Sami-Radhanpur Highway Accident: પાટણ જિલ્લામાંથી ગંભીર અકસ્માતના સમાચાર સામે આવ્યા છે. જિલ્લાના સમી-રાધનપુર હાઇવે પર એસટી બસ અને રિક્ષા વચ્ચે અકસ્માતનો બનાવ બન્યો છે. અકસ્માતની આ ઘટનામાં છ લોકોના મોત નીપજ્યાં છે. બનાવના પગલે ટ્રાફિક જામ સર્જાયો હતો. બનાવની જાણ થતાં પોલીસ પહોંચી છે. મૃતદેહોને પીએમ અર્થે ખસેડવાની કાર્યવાહી હાથ ધરાઈ છે. તેમજ ઇજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવી રહ્યાં છે.
બનાવની પ્રાપ્ત પ્રારંભિક વિગતો અનુસાર, એસટી બસ હિમતનગરથી માતાના મઢ જઇ રહી હતી તે સમયે સમી-રાધનપુર હાઇવે પર સમીના ગોચનાદ નજીક એક રિક્ષાને અડફેટે લીધી હતી. અકસ્માત એટલો ગંભીર હતો કે રિક્ષાનો કચ્ચરઘાણ વળી ગયો છે. રિક્ષાને અડફેટે લઇ બસ રસ્તાની નીચે ઉતરી ગઇ હતી. ગંભીર અકસ્માતમાં રિક્ષામાં સવાર છ લોકોના મોત નીપજ્યાં છે. બનાવના પગલે હાઇવે પર ટ્રાફિક જામ સર્જાયો હતો. અકસ્માત સમયે હાજર લોકો દ્વારા બચાવ કામગીરી હાથ ધરાઈ હતી અને બનાવ અંગે પોલીસને જાણ કરવામાં આવી હતી.
અકસ્માતનો બનાવ બન્યો હોવાની જાણ થતાં પોલીસ અને 108 એમ્બ્યુલન્સ ઘટના સ્થળે પહોંચી હતી. મૃતદેહોને પીએમ અર્થે ખસેડવામાં આવ્યા છે. તેમજ ઇજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા છે. પોલીસ અને સ્થાનિક લોકો દ્વારા ટ્રાફિક નિયંત્રણ કરવામાં આવ્યું હતું. અકસ્માતની જાણ થતાં રાધનપુરના ધારાસભ્ય લવિંગજી ઠાકોર પણ ઘટના સ્થળે પહોંચ્યા છે.
રાધનપુરના ધારાસભ્ય લવિંગજી ઠાકોરે જણાવ્યું છેકે અકસ્માતનો ભોગ બનેલા લોકો રાધનપુરના વાદી વસાહતના રહેવાસી છે. તેઓ પોતાના ઘરે જઇ રહ્યાં હતા. હું મૃતકોના પરિવારજનોને સહાય મળે એ માટે સરકારને રજૂઆત કરીશ. સીએમ ફંડમાંથી મૃતકોને 4-4 લાખની સહાય મળે તેવા પ્રયાસો કરીશ.
મૃતકોની યાદી
- સાયરાબેન દિલૂભાઈ વાદી
- કાંતાબેન બાબુભાઈ વાદી
- બાબુભાઈ લાલાભાઇ વાદી
- તારાબેન ઈશ્વર ભાઈ
- ઇશ્વરભાઇ લાલાભાઇ
- નરેશભાઈ ઇશ્વરભાઇ
