Patan: છેલ્લા કેટલાક સમયથી ઉત્તર ગુજરાતમાં આંતરજ્ઞાતિય લગ્નને લઈને પાટણ અને રબારી સમાજ વચ્ચે ચાલી રહેલો વિવાદ હાલ પુરતો સમી ગયો છે. ઉણ ગામમાં બન્ને સમાજ વચ્ચે ભડકેલી હિંસા અને પોલીસની કાર્યવાહી બાદ રબારી અને ચૌધરી સમાજના આગેવાનો યુવાનોને શાંતિ જાળવવા સંદેશ આપી રહ્યા છે.એવામાં વિધાનસભાના સ્પીકર અને ચૌધરી સમાજના આગેવાન શંકર ચૌધરીએ પણ નવી પેઢીના યુવાનોને સીધી ટકોર કરી છે.
ટોળાનો ભાગ બનવું શૂરવીરતા નહીં, પરંતુ કાયરતાઃ શંકર ચૌધરી
હકીકતમાં પાટણ જિલ્લાના સાંતલપુરના હમીરપુરા ગામે યશોત્સવ સમારોહમાં ઉપસ્થિત શંકર ચૌધરીએ ઉણ ગામની ઘટનાનો ઉલ્લેખ કર્યાં વિના આડકતરી રીતે યુવાનોને હિંસક ટોળાશાહીથી દૂર રહેવાનો સંદેશો આપ્યો હતો.
પોતાના સંબોધનમાં શંકર ચૌધરીએ જણાવ્યું કે, કોઈ પણ જાતની સમજણ વિના ટોળાનો ભાગ બની જવું, તે મુર્ખતા સિવાય બીજુ કાંઈ નથી. હિંસક ટોળાનો ભાગ બની જવું અને કોઈને નુકસાન પહોંચાડવું, તેમાં કોઈ શુરવીરતા નથી. શૂરવીરતા તો સિંહ જેવી હોવી જોઈએ, પરંતુ લોકોને નુકસાન પહોંચાડવુ એક કાયરતા અને પલાયનવાદ છે. મારી વાત જેટલી જલ્દી યુવાનોને સમજાય તેટલું સારુ છે.
ગામના દીકરા-દીકરીઓ સરકારી પરીક્ષા માટેની તૈયારી કરતાં હોય, ત્યારે જ કોઈ સોશિયલ મીડિયામાં એવો વીડિયો મૂકી દે. જેથી આ ભણતા દીકરાઓનું ધ્યાન ભટકી જાય અને તે હિંસક ટોળાનો ક્યારે ભાગ બની જાય છે, તેની તેમને ખબર પણ હોતી નથી. એવામાં જો એકાદ પોલીસ કેસ થઈ જાય, તો કરેલી બધી મહેનત માથે જાય અને આખું જીવન પુરું કરી નાંખે છે. આથી અત્યારે સમજદારી દાખવીને કામ કરવાનો સમય છે.
આ સમયે સંયમ જાળવવો અત્યંત જરૂરી છે: ઠાકરશી રબારી
અગાઉ ઉણ ગામમાં ભડકેલી હિંસા બાદ રબારી સમાજના આગેવાન ઠાકરસીએ પણ યુવાનોને વિનંતી કરી હતી કે, કોઈ સમાજ ક્યારેય ખરાબ નથી હોતો. રબારી અને ચૌધરી સમાજ ભાઈચારાની ભાવનાથી રહેવાવાળો સમાજ છે. કોઈ પણ સમાજની ઈજ્જત આપણાં વર્તનથી જ વધે છે. આથી આ સમયે શાંતિ અને સંયમ જાળવવો અત્યંત જરૂરી છે.
જણાવી દઈએ કે, ગુજરાતી લોકગાયિકા કિંજલ રબારીએ ચૌધરી યુવક સાથે આંતરજ્ઞાતિય પ્રેમલગ્ન કર્યાં બાદ વિવાદ વકર્યો હતો. જો કે ચૌધરી અને રબારી સમાજના આગેવાનોની મધ્યસ્થતા બાદ કિંજલ રબારીને તેના પરિવાર પાસે પરત ફરી હતી. જે બાદ ચૌધરી સમાજ ઉણ ગામમાં રબારી યુવક સાથે ભાગીને લગ્ન કરનાર પોતાની દીકરીને પરત મેળવવા માટે મક્કમ બન્યો હતો.
આ મામલે રૂણી ગામમાં મહાસંમેલન બાદ ચૌધરી સમાજના આગેવાનો પોતાની દીકરીને પરત લેવા માટે ઉણ ગામ પહોંચ્યા હતા. જ્યાં ચૌધરી અને રબારી સમાજ સામ-સામે આવી જતા સ્થિતિ વણસી હતી. આ દરમિયાન ઉશ્કેરાયેલા ટોળા દ્વારા ઉણ ગામમાં લોકોના ઘરો ઉપર પથ્થરમારો કર્યો હતો અને લાકડીઓના ફટકા મારીને વાહનોમાં તોડફોડ કરી હતી. આ બાબતની જાણ થતાં પોલીસના ઉચ્ચ અધિકારીઓનો કાફલો ઉણ ગામમાં દોડી આવ્યો હતો. જ્યાં પોલીસે બેકાબુ બનેલા ટોળાને વિખેરવા માટે બળપ્રયોગ કરવા સાથે-સાથે ટીયર ગેસના સેલ છોડવાની ફરજ પડી હતી.
