Loading...

પાટણના પીપરાળામાં વીર યદુવંશી દગાયચા દાદાના મંદિરનો પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ રહ્યાં ઉપસ્થિત

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે, ધાર્મિક ઉત્સવો સમાજમાં એકતા, સંસ્કાર અને આધ્યાત્મિક શક્તિનો સંચાર કરે છે. સોમનાથ સ્વાભિમાન પર્વથી આપણા સાંસ્કૃતિક ગૌરવને નવી ઉર્જા મળી.

By: Rakesh ShuklaEdited By: Rakesh Shukla Publish Date: Sun 08 Mar 2026 06:55 PM (IST)Updated: Sun 08 Mar 2026 06:55 PM (IST)
cm-bhupendra-patel-attends-re-establishment-festival-of-veer-yaduvanshi-dagaycha-dada-temple-in-patan-704844

Patan News: પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના પીપરાળા ગામે આવેલ શ્રી વીર યદુવંશી દગાયચા દાદા (ડાંગર) મંદિરના પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહભાગી બન્યા હતા. મુખ્યમંત્રીએ મંદિર ખાતે પૂજા-અર્ચના કરી આ ધાર્મિક કાર્યક્રમને સંબોધન કર્યું હતું. આ પ્રસંગે કાર્યક્રમના આયોજકો તથા આહીર સમાજના અગ્રણીઓ દ્વારા મુખ્યમંત્રીનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.

મુખ્યમંત્રીએ આ પ્રસંગે વીર યદુવંશી દગાયચા દાદાના શૌર્ય અને જીવનગાથા દર્શાવતી દસ્તાવેજી ફિલ્મ પણ નિહાળી હતી. કાર્યક્રમને સંબોધતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે પાટણ જિલ્લાની પવિત્ર ધરતી પર વીર યદુવંશી આહીર ડગાયચા દાદાના મંદિરની પુનઃ પ્રાણ પ્રતિષ્ઠાનો આ પાવન અવસર સમાજ માટે ગૌરવનો વિષય છે. આવા ભક્તિમય અને ધાર્મિક ઉત્સવો સમાજમાં એકતા, સંસ્કાર અને આધ્યાત્મિક શક્તિનો સંચાર કરે છે.

મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે યદુવંશી આહીર સમાજ ભગવાન શ્રીકૃષ્ણના પવિત્ર વંશ સાથે જોડાયેલો છે અને સદીઓથી પશુપાલન, ખેતી તેમજ શૌર્ય, પરાક્રમ અને રાષ્ટ્રપ્રેમની પરંપરા જાળવી રાખી છે. ઇતિહાસ મુજબ વિક્રમ સંવત ૧૩૦૦માં ડગાયચા દાદાએ કચ્છમાં તુણા ગામનું તોરણ બાંધી ગામ વસાવ્યું હતું અને ત્યારથી કચ્છ, સૌરાષ્ટ્ર તથા ઉત્તર ગુજરાતમાં આહીર સમાજ વસેલો છે. સમાજના ગૌરવશાળી ઇતિહાસ અને સંસ્કૃતિને નવી પેઢી સુધી પહોંચાડવાનો પ્રયાસ આ મંદિરની પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા દ્વારા થયો છે.

મુખ્યમંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશને પોતાની સંસ્કૃતિ અને આધ્યાત્મિક વારસા સાથે ફરી જોડવાનું કાર્ય કર્યું છે. સોમનાથ સ્વાભિમાન પર્વ જેવી પહેલથી સાંસ્કૃતિક ગૌરવને નવી ઉર્જા મળી છે. દેશના તીર્થસ્થાનોના વિકાસથી પર્યટન વધે છે અને સ્થાનિક અર્થતંત્રને નવી શક્તિ મળે છે.

મુખ્યમંત્રીએ સાંતલપુર અને પાટણ વિસ્તારમાં વિકાસના નવા અવસર ઉભા થઈ રહ્યા હોવાનું જણાવતાં કહ્યું કે ચારણકા ખાતે એશિયાનો સૌથી મોટો સોલાર પાર્ક શરૂ થવાથી સ્થાનિક રોજગારીના અવસરો ઊભા થયા છે અને ગુજરાત રિન્યુએબલ એનર્જીમાં અગ્રેસર બન્યું છે. સાણંદ અને ધોલેરા ખાતે સેમિકન્ડક્ટર હબના વિકાસથી યુવાનો માટે હાઈટેક રોજગારીના અવસરો ઉભા થશે.

તેમણે વડાપ્રધાનના 2047 સુધી ભારતને વિકસિત રાષ્ટ્ર બનાવવાના સંકલ્પનો ઉલ્લેખ કરતાં ‘કેચ ધ રેઈન’, ‘એક પેડ મા કે નામ’, સ્વચ્છતા અને સ્વદેશીને પ્રોત્સાહન જેવા સંકલ્પોને જીવનમાં ઉતારવાની અપીલ કરી હતી.

આ પ્રસંગે મંત્રી ત્રિકમ છાંગા, સાંસદ પૂનમ માડમ, ધારાસભ્ય લવિંગજી ઠાકોર, જિલ્લા પંચાયત પ્રમુખ હેતલબેન ઠાકોર, પૂર્વ કેબિનેટ મંત્રી મુળુ બેરા, જવાહર ચાવડા, લોકસાહિત્યકાર માયાભાઈ આહિર, સંગઠન પ્રમુખ રમેશ સિંધવ, દેવજી વડચર, મંદિર ટ્રસ્ટ પ્રમુખ ધનજી ડાંગર, શિવજી આહિર સહિત મોટી સંખ્યામાં આહીર સમાજના ભાઈ-બહેનો ઉપસ્થિત રહ્યા હતા.